સોનાના ભાવમાં નાટ્યાત્મક રીતે વધઘટ જોવા મળી

29 July, 2020 11:22 AM IST  |  Mumbai | Bullion Watch

સોનાના ભાવમાં નાટ્યાત્મક રીતે વધઘટ જોવા મળી

ગોલ્ડ

વૈશ્વિક બજારમાં ગઈ કાલે સોનાના ભાવમાં નાટ્યાત્મક રીતે વધઘટ જોવા મળી હતી. સોનાનો ડિસેમ્બર વાયદો એક તબક્કે ૨૦૦૦ ડૉલરની મેજિકલ સપાટીએ પહોંચ્યો હતો, પણ ડૉલરના ભાવમાં જોવા મળેલી થોડી મજબૂતાઈ, ચીનમાં સોનાની માગમાં ઘટાડો અને ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગના કારણે ભાવ દિવસની ઊંચી સપાટીએથી તીવ્ર રીતે ઘટી ગયા હતા.

ડૉલરમાં મંગળવારે પણ એશિયાઈ સત્રમાં ડૉલરની નબળાઈ જોવા મળી રહી હતી અને પ્રથમ સત્રમાં સોનાના ભાવ વધી રહ્યા હતા. હાજરમાં ભાવ ૧૯૮૧.૨૭ ડૉલર, ઑગસ્ટ વાયદો ૧૯૭૪.૪ ડૉલર અને ડિસેમ્બર વાયદો ૨૦૦૦ ડૉલર પ્રતિ ઔંસની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, પણ પછી ડૉલરમાં બે વર્ષના નીચા મથાળે ખરીદી નીકળી હતી અને વિશ્વના સૌથી મોટા સોનાના વપરાશકાર ચીનમાં સોનાની માગ પ્રથમ છ મહિનામાં ૩૮ ટકા ઘટી હતી અને એના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભાવ ઊંચા મથાળેથી તીવ્ર રીતે ઘટી ગયો હતો.

કોમેક્સ ખાતે ઑગસ્ટ સોનાનો વાયદો અત્યારે ૦.૨૪ ટકા કે ૪.૫૫ ડૉલર વધી ૧૯૩૫.૪૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ડિસેમ્બર વાયદો ૦.૦૬ ટકા કે ૧.૧૦ ડૉલર વધી ૧૯૫૬.૫૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. હાજરમાં સોનું ૧.૭૫ ડૉલર ઘટી ૧૯૪૦.૪૯ ડૉલરની સપાટી પર છે.

ભારતીય બજારમાં સોનાના ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ જ છે. ગઈ કાલે હાજર ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો, પણ વાયદા ઘટ્યા હતા. મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૫૦ વધી ૫૪,૩૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૩૦ વધી ૫૪,૨૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યા હતા. એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૨,૧૮૬ ખૂલી, ઉપરમાં ૫૨,૪૩૫ અને નીચામાં ૫૧,૨૭૭ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૫૫ ઘટીને ૫૧,૯૪૬ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૬૮ વધીને ૮ ગ્રામદીઠ ૪૧,૯૪૦ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૭૦ વધીને ૧ ગ્રામદીઠ ૫૨૬૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૨૧ ઘટીને બંધમાં ૫૨૦૦૬, રૂપિયાના ભાવ રહ્યા હતા.  

છ મહિનામાં ચીનમાં સોનાની માગ ૩૮ ટકા ઘટી

કૅલેન્ડર વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરીથી જૂનના છ મહિનામાં ચીનમાં સોનાનો વપરાશ ૩૮ ટકા ઘટ્યો હોવાનું સત્તાવાર રીતે ચાઇના ગોલ્ડ અસોસિએશને જાહેર કર્યું હતું. ચીન વિશ્વમાં સોનાની સૌથી વધુ આયાત કરનાર અને સૌથી વધુ વપરાશ કરનાર દેશ છે. આ સાથે ચીનમાં ઘરેણાંની માગ માટે સોનાનો વપરાશ પણ ૪૨ ટકા જેટલો ઘટ્યો હોવાનું અસોસિએશને જણાવ્યું હતું. સોનાના સિક્કા, ગીની અને અન્ય રીતે રોકાણ માટે ખરીદી પણ ૩૨ ટકા ઘટી હતી.

કૅલેન્ડર વર્ષ ૨૦૧૯માં ચીનની સોનાની માગ ૧૩ ટકા ઘટી હતી. આ વર્ષે છ મહિનામાં ચીને લગભગ ૩૨૩ ટન સોનાની આયાત કરી હોવાનું અનુમાન છે.

અમેરિકન ડૉલર માટે ૧૦ વર્ષમાં સૌથી નબળો જુલાઈ

વૈશ્વિક બજારમાં ગઈ કાલે ડૉલરમાં નીચા મથાળે થોડી સ્થિરતા જોવા મળી છે. અમેરિકન ચલણનું વિશ્વનાં છ અન્ય ચલણો સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ અત્યારે ૦.૧૩ ટકા વધી ૯૩.૭૪૦ની સપાટીએ છે. છેલ્લા સાત દિવસથી સતત ઘટી રહેલા ડૉલર સામે યુરો બે વર્ષની ઊંચી સપાટી પર છે. યેન છ મહિનાની ઊંચી સપાટીએ છે. આ ડૉલર ઇન્ડેક્સ જુલાઈ મહિનામાં ૩.૪૧ ટકા ઘટ્યો છે જે છેલ્લાં બે વર્ષમાં કોઈ એક મહિનમાં જોવા મળેલો સૌથી મોટો ઘટાડો છે. વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલર ગઈ કાલે થોડો મક્કમ જોવા મળી રહ્યો છે, પણ છેલ્લા થોડા દિવસોમાં સતત ઘટાડાના કારણે એ જાન્યુઆરી ૨૦૧૯ પછીના સૌથી નીચા સ્તરે છે. કૉમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશનના આંકડાનો સંકેત માનવામાં આવે તો ખેલાડીઓએ યેન, યુરો, કૅનેડિયન ડૉલર અને સ્વીસ ફ્રાંકમાં સતત ખરીદી ઊભી કરી છે અને એનો મતલબ થયો કે ડૉલરમાં હજી ઘટાડો જોવા મળી શકે છે.

બીજા દિવસે પણ ડૉલર સામે રૂપિયો સ્થિર

ભારતીય બજારો ચાલુ હતાં ત્યારે નરમ વૈશ્વિક ડૉલર સામે મહિનાના અંતે આયાતકારોની પેમેન્ટ માટેની ડૉલર માગ વચ્ચે ગઈ કાલે બીજા દિવસે પણ રૂપિયો ડૉલર સામે સ્થિર બંધ આવ્યો હતો. સોમવારે ૭૪.૮૩ બંધ રહેલો રૂપિયો ગઈ કાલે ૭૪.૭૧ની ઊંચી સપાટી અને ઘટીને ૭૪.૯૦ થયા બાદ ૭૪.૮૪ની સપાટીએ બંધ આવ્યો હતો.

business news