વૈશ્વિક લૉકડાઉન હળવું, નવી રસીના આશાવાદ વચ્ચે સોનામાં ધીમો ઘસારો

27 May, 2020 12:21 PM IST  |  Mumbai | Bullion Watch

વૈશ્વિક લૉકડાઉન હળવું, નવી રસીના આશાવાદ વચ્ચે સોનામાં ધીમો ઘસારો

ગોલ્ડ

વૈશ્વિક અને સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવ મક્કમ છે. ડૉલરની નબળાઈ, શૅરબજાર ૧૦ સપ્તાહની ઊંચી સપાટીએ અને લૉકડાઉન ખૂલી રહ્યું હોવાના આર્થિક આશાવાદ છે અને તેના કારણે જોખમી અસ્કામતોમાં ખરીદી જોવા મળી રહી છે અને સૅફ હેવન ગણાતી ચીજોમાં વેચવાલી છે. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધી રહી છે પણ અત્યારે તેની અસર નથી. આ ઉપરાંત વધુ એક કંપનીએ કોરોનાની રસીમાં તેમનું સંશોધન સફળ થઈ રહ્યું હોવાનો દાવો કર્યો હોવાથી પણ જોખમી અસ્કયામતોમાં આકર્ષણ વધેલું છે.

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સામસામે રાહ જોવા મળી રહ્યા છે. સોનાના ભાવ ઘટ્યા હતા તો ચાંદી વધી છે. સોનાનો ઑગસ્ટ વાયદો કૉમેક ઉપર ત્યારે ૦.૫૨ ટકા કે ૯.૨૦ ડૉલર ઘટી ૧૭૪૪.૩૦ અને હાજરમાં ૦.૪૦ ટકા કે ૬.૮૭ ટકા ઘટી ૧૭૨૫.૦૮ ડૉલર પ્રતિ ઔંસ છે. ચાંદી જુલાઈ વાયદો ૧.૦૬ ટકા કે ૧૯ સેન્ટ વધી ૧૭.૮૮ ડૉલર અને હાજરમાં ૦.૫૪ ટકા કે ૯ સેન્ટ વધી ૧૭.૩૮ ડૉલર પ્રતિ ઔંસ છે.

લૉકડાઉનના ખૂલ્યા પછી હજુ પણ જ્વેલર્સ અને બુલિયન માર્કેટમાં કોઈ મોટી ખરીદી જોવા મળી રહી નથી. ખાનગીમાં સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૮,૧૯૫ અને ચાંદી પ્રતિ કિલો ૪૯,૦૬૯ રૂપિયાની સપાટી ઉપર છે. ઇન્ડિયન બુલિયન અૅન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ અનુસાર સોનું ૩૦૧ ઘટી ૪૬,૭૯૯ થયું હતું. સામે ચાંદી ૫૮૦ વધી ૪૭,૬૨૫ રૂપિયા રહ્યા હતા.

એશિયાઈ ચલણો સામે ડૉલર નબળો, લૉકડાઉન ખૂલવાનો આશાવાદ

ડૉલરમાં જોવા મળી રહેલી વૈશ્વિક નબળાઈ અને લૉકડાઉન ખૂલી રહ્યો હોવાના આશાવાદ વચ્ચે આજે એશિયાના મોટાભાગના ચલણ ડૉલર સામે વધ્યા હતા. દક્ષિણ કોરિયાના વોનમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ચીન અને જપાન વધુ એક સ્ટિમ્યુલસ પૅકેજની તૈયારી કરી રહ્યા હોવાના અહેવાલ વચ્ચે બજારને વધારે ટેકો મળ્યો હતો અને ડૉલર છોડી જોખમી એસેટમાં રોકાણ વળ્યું હતું.

ડૉલર સામે રૂપિયો ૨૯ પૈસા મજબૂત

વૈશ્વિક બજારમાં નબળા ડૉલરના સહારે ભારતીય ચલણ રૂપિયો પણ આજે ડૉલર સામે મજબૂત થયો હતો. જો કે ક્રૂડ ઑઈલના વધી રહેલા ભાવના કારણે ઉછાળા ઉપર બ્રેક લાગેલી જોવા મળી હતી. શુક્રવારે ડૉલર સામે ૭૫.૯૫ની સપાટીએ બંધ રહેલો રૂપિયો, આજે ૭૫.૬૯ની ઊંચી સપાટીએ ખૂલ્યો હતો. વધીને ૭૫.૬૨ અને ઘટીને ૭૫.૭૪ થઈ આગલા બંધ કરતાં ૨૯ પૈસા વધી ૭૫.૬૯ની સપાટીએ બંધ રહ્યો હતો.  

business news