વૈશ્વિક બજારમાં સોનાનો 1500 ડૉલરની સપાટીએ પહોંચવા મરણિયો પ્રયાસ

17 October, 2019 09:57 AM IST  |  મુંબઈ | બુલિયન વૉચ

વૈશ્વિક બજારમાં સોનાનો 1500 ડૉલરની સપાટીએ પહોંચવા મરણિયો પ્રયાસ

ગોલ્ડ

વૈશ્વિક સોનાના ભાવ શૅરબજારમાં વિક્રમી ખરીદીના કારણે મંગળવારે ઘટીને બંધ આવ્યા હતા. આજે પણ દિવસ દરમિયાન ભાવમાં ઘટાડો જ જોવા મળ્યો હતો. ગઈ કાલે જોકે અમેરિકામાં રીટેલ વેચાણના સત્તાવાર આંકડા ધારણા કરતાં નબળા આવતાં છેલ્લી ઘડીએ સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. સોનાના ભાવ ભારતીય બજાર બંધ રહી ત્યારે વૈશ્વિક ભાવના કારણે ઘટાડા સાથે બંધ આવ્યા હતા. ચાંદીના ભાવમાં કડાકો જોવા મળ્યો હતો. ડૉલર સામે રૂપિયો આજે મજબૂત હોવાથી પણ સ્થાનિક ભાવ પર અસર જોવા મળી હતી.

વૈશ્વિક બજારમાં હાજર સોનું ૧૪૯૧.૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પરથી ખૂલી વધીને ૧૪૯૭.૯ થઈ, ઘટીને ૧૪૭૯.૬ થયા બાદ ૧૪૮૧.૭૪ની સપાટીએ બંધ આવ્યું હતું.ગઈ કાલે બજારમાં સાંકડી વધઘટ જોવા મળી રહી છે. હાજરમાં ભાવ વધીને ૧૪૯૪ અને ઘટીને ૧૪૭૮ થયા બાદ અત્યારે ૧૪૮૯.૯ની સપાટી ઉપર ચાલી રહ્યા છે. ન્યુ યૉર્ક કોમેક્સ ડિસેમ્બર વાયદો ૧૪૯૩.૫ ડૉલરની સપાટીએ ગઈ કાલે બંધ આવ્યો હતો જે ઘટી ૧૪૮૨.૧૫ થઈ વધી ૧૪૯૪.૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદીના વાયદા આગલા બંધ ૧૭.૩૮૪ સામે વધીને ગઈ કાલે ૧૭.૪૧૮ ડૉલર પ્રતિ ઔંસ છે.

મુંબઈ હાજર સોનું આજે ૨૭૦ ઘટી ૩૯,૪૭૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૨૬૦ ઘટી ૩૯,૫૬૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ હતું. એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૩૮,૧૩૭ ખૂલી, ઉપરમાં ૩૮,૨૧૫ અને નીચામાં ૩૭,૯૮૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૫ ઘટીને ૩૮,૦૧૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૭ વધીને ૮ ગ્રામદીઠ ૩૦,૨૮૭ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪ વધીને ૧ ગ્રામદીઠ ૩૮૨૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૮ ઘટીને બંધમાં ૩૮,૦૪૯ રૂપિયાના ભાવ રહ્યા હતા.

રૂપિયો ૧૧ પૈસા મજબૂત

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ઘટી રહેલા ભાવ, નબળો ડૉલર અને સ્થાનિક શૅરબજારમાં સતત ચાર દિવસથી વિદેશી સંસ્થાઓની ખરીદીના કારણે આજે ડૉલર સામે રૂપિયો દિવસનો બધો જ ઘટાડો પચાવી ઉછાળા સાથે બંધ આવ્યો હતો. રૂપિયો ડૉલર સામે આજે ૭૧.૬૦ની નબળી સપાટી ઉપર ખૂલ્યો હતો અને વધુ ઘટી ૭૧.૭૧ થયો હતો. પછી આવેલી ખરીદીના કારણે એ ૭૧.૪૩ બંધ આવ્યો હતો જે આગલા દિવસની સપાટી કરતાં ૧૧ પૈસાની વૃદ્ધિ છે.

business news