એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં જંગી વૃદ્ધિ બાદ સોનામાં થાક ખાતી તેજી

01 July, 2020 11:28 AM IST  |  Mumbai | Bullion Watch

એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં જંગી વૃદ્ધિ બાદ સોનામાં થાક ખાતી તેજી

ગોલ્ડ

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવ એપ્રિલ અને જૂન ક્વૉર્ટરમાં જંગી વૃદ્ધિ સાથે જોવા મળી રહ્યા છે. ભાવ એક તબક્કે ૧૭૯૬ ડૉલર પ્રતિ ઔંસની આઠ વર્ષની ઊંચી સપાટીએ ગયા પછી ફરી ઊંચકાઈ અત્યારે ૧૭૮૦થી ૧૭૮૫ ડૉલર પ્રતિ ઔંસની સપાટી વચ્ચે અથડાઈ રહ્યા છે. બજારમાં કોઈ મોટા ટ્રીગરના અભાવે સોનામાં સાવચેતી જોવા મળી રહી છે. બજારની નજર ફેડરલ રિઝર્વના ચૅરમૅન જેરોમ પોવેલ કૉન્ગ્રેસ સમક્ષ નિવેદન આપે એના પર રહેલી છે.

ગઈ કાલે સોનાના ભાવ ૦.૦૫ ટકા કે ૯૦ સેન્ટ ઘટી ૧૭૮૦.૩૦ ડૉલર પ્રતિ ઔંસ અને હાજરમાં ૩.૧૨ ડૉલર ઘટી ૧૭૬૯.૭૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી સપ્ટેમ્બર વાયદો ૦.૩૭ ટકા કે ૭ સેન્ટ વધી ૧૮.૧૩ ડૉલર અને હાજરમાં ૪ સેન્ટ વધી ૧૭.૯૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

ક્વૉર્ટરમાં ચાંદીનો ભાવ ૨૮ ટકા, સોનું ૮ ટકા વધ્યું

કોરોના વાઇરસની મહામારી ત્રાટકી ત્યારે સોના અને ચાંદી બન્નેના ભાવમાં કડાકો બોલાયો હતો. માર્ચ મહિનામાં રોકાણકારો રોકડ બચાવવા અને નફો મળે ત્યાં બુક કરી રહ્યા હોવાથી બન્ને ધાતુઓના ભાવ ઘટ્યા હતા, પણ એપ્રિલ મહિનાથી બન્ને ધાતુમાં તેજી જોવા મળી છે. ચાંદીના ભાવમાં તેજી વધારે તીવ્ર છે, કારણ કે એનો અડધો વપરાશ ઉદ્યોગોમાં થાય છે. લૉકડાઉનની અસરો ઘટી રહી છે અને આર્થિક પ્રવૃત્તિ ફરી વેગવંતી થઈ છે એવી આશાઓ, સંકેત વચ્ચે ચાંદીના ભાવમાં વધારે વૃદ્ધિ જોવા મળી છે.

૩૧ માર્ચના રોજ વૈશ્વિક બજારમાં સોનાનો વાયદો ૧૫૯૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર બંધ રહ્યો હતો. એપ્રિલથી જૂન ક્વૉર્ટરમાં સોનાના ભાવ ૨૨૦ ડૉલર કે ૮.૩૯ ટકા વધ્યા છે. સોમવારે ઑગસ્ટ વાયદો ૧૭૮૧.૨૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યો હતો. ચાંદીના ભાવ એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં ૫.૦૫ ડૉલર કે ૨૮.૦૯ ટકા વધ્યા છે. સોમવારે ચાંદીનો ભાવ ૦.૩૩ ટકા વધી ૧૮.૦૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યો હતો.

પ્રથમ ક્વૉર્ટરમાં ભારતમાં સોનામાં ૧૨.૫ ટકા અને ચાંદીમાં ૨૨.૬ ટકાનો ઉછાળો

ભારતમાં સોનાના વાયદાના ભાવમાં એપ્રિલ–જૂન ક્વૉર્ટરમાં ૫૩૭૯ રૂપિયા કે ૧૨.૫ ટકા વધ્યા છે, જ્યારે ચાંદીના ભાવમાં ૮૯૧૯ રૂપિયા કે ૨૨.૬ ટકા વધ્યા છે. ભારતમાં ભાવની સપાટી પર ડૉલરના રૂપિયા સામેના મૂલ્યની અસરના કારણે ભાવમાં ઓછા-વત્તે અંશે વૃદ્ધિ જોવા મળી છે.

હાજર બજારમાં ગઈ કાલે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૦ ઘટી ૫૦,૧૪૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૩૫ ઘટી ૫૦,૧૧૫ રૂપિયા રહ્યું છે. સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮,૨૭૦ ખૂલી, ઉપરમાં ૪૮,૪૧૮ અને નીચામાં ૪૮,૨૨૮ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૯૧ વધીને ૪૮૩૩૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૧૩ વધીને ૮ ગ્રામદીઠ ૩૯,૨૯૪ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૨૧ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૮૯૦ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની જુલાઈ વાયદો ૧૦ ગ્રામદીઠ ૨૨૨ વધીને બંધમાં ૪૮,૪૧૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.

ચાંદીમાં મુંબઈ હાજર ગઈ કાલે ૧૦૫ વધી ૫૦,૦૦૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૪૦ વધી ૪૯,૯૯૦ રૂપિયાની સપાટીએ હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૮,૨૯૫ ખૂલી, ઉપરમાં ૪૮,૫૫૦ અને નીચામાં ૪૮,૨૯૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૧૯ વધીને ૪૮,૪૪૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૩૯૩ વધીને ૪૮,૭૫૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો જૂન ૧૨૩ વધીને ૪૮,૫૦૫ રૂપિયા બંધ રહ્યા હતા.

ડૉલર સામે રૂપિયો બીજા દિવસે પણ વધીને બંધ

ક્રૂડ ઑઇલના ભાવમાં નરમ હવામાન અને ફોરેકસ માર્કેટ બંધ થઈ ત્યારે શૅરબજારમાં વૃદ્ધિ હોવાથી ડૉલર સામે રૂપિયો આજે વધીને બંધ આવ્યો હતો. સોમવારે ૭૫.૫૮ બંધ આવેલો રૂપિયો ગઈ કાલે વધીને ૭૫.૪૮ ખુલ્યો હતો અને વધીને ૭૫.૪૫ અને ઘટીને ૭૫.૫૮ થાય બાદ દિવસના અંતે ૭ પૈસા વધી ૭૫.૫૧ બંધ રહ્યો હતો. જોકે વૈશ્વિક બજારમાં ડૉલર ઇન્ડેક્સ થોડો મજબૂત થયો હોવાથી રૂપિયાની વૃદ્ધિ પર બ્રેક લાગી હતી.

સોમવારે દિવસભરની નરમાઈ બાદ સત્રના અંતે છ વૈશ્વિક ચલણ સામે ડૉલરનું મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ ૦.૧૦ ટકા વધીને બંધ આવ્યો હતો. ગઈ કાલે પણ ડૉલર ઇન્ડેક્સ ૦.૦૪ ટકા વધી ૯૭.૫૩૫ની સપાટી પર જોવા મળી રહ્યો હતો. છેલ્લા પાંચ દિવસથી કોરોના વાઇરસના વધી રહેલા કેસની નાણાકીય બજારમાં અસર વચ્ચે ડૉલર મજબૂત થઈ રહ્યો છે.

business news