ઘટી રહેલા યીલ્ડ, સ્ટિમ્યુલસ પૅકેજની આશાઓ વચ્ચે સોનામાં ફરી ઉછાળો

21 August, 2019 12:17 PM IST  |  મુંબઈ | બુલિયન વૉચ

ઘટી રહેલા યીલ્ડ, સ્ટિમ્યુલસ પૅકેજની આશાઓ વચ્ચે સોનામાં ફરી ઉછાળો

ગોલ્ડ

બે દિવસથી ઘટી રહેલા સોનાના ભાવમાં વૈશ્વિક બજારમાં ફરી તેજીનો દોરીસંચાર થયો છે. હાજરમાં સોનાનો ભાવ ફરી એક વખત ૧૫૦૦ ડૉલર પ્રતિ ઔંસની સપાટી વટાવી આગળ વધી રહ્યો છે.

વૈશ્વિક નાણાબજારના સંકેતો મળી રહ્યા છે કે વિશ્વની મધ્યસ્થ બૅન્કો વ્યાજનો દર ઘટાડશે અને નાણાપ્રવાહિતા વધારશે. આ સંકેતો પાછળ હાજરમાં સોનું ૮.૭૯ ડૉલર કે ૦.૬ ટકા વધી ૧૫૦૪.૭૬ની સપાટીએ પહોંચી ગયું છે. ન્યુ યૉર્ક ખાતે કોમેક્સમાં ડિસેમ્બર વાયદો પણ ૩.૨૫ ડૉલર કે ૦.૨ ટકા વધી ૧૫૧૪.૮૫ ડૉલરની સપાટીએ છે. આ તેજીના પડખે ચાંદીનો વાયદો પણ ૦.૨ ટકા વધી ૧૬.૯૭૭ ડૉલર પ્રતિ ઔંસ ઉપર છે. અન્ય ધાતુમાં પેલેડિયમ ૦.૪ ટકા વધી ૧૪૮૦ અને પ્લૅટિનમ ૦.૯ ટકા ઘટી ૮૪૯.૧૦ પ્રતિ ઔંસની સપાટી છે. દરમ્યાન, વિદેશી બજારમાં ડૉલર સામે યુરો ૦.૦૪ ટકા ઘટી ૧.૧૦૭૫, પાઉન્ડ ૦.૩૦ ટકા ઘટી ૧.૨૦૯૨ છે. કૅનેડાનો ડૉલર અત્યારે અમેરિકન ડૉલર સામે ૦.૦૩ ટકા નબળો પડ્યો છે. ડૉલર ઇન્ડેક્સ ૯૮.૨૮૨ છે જે ૦.૦૬ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. અમેરિકન બૉન્ડના એક વર્ષથી ૧૦ વર્ષ સુધીના દરેક સમયના યીલ્ડ ઘટી ગયા છે અને યીલ્ડ ઘટવાના કારણે બજારમાં એવી આશા છે કે સપ્ટેમ્બર મહિનામાં જ ફેડરલ રિઝર્વ વ્યાજનો દર ઘટાડશે. અમેરિકામાં મંદી ખાળવા માટે વ્યાજનો દર ઘટાડવો અનિવાર્ય હોવાની માન્યતા દૃઢ થઈ રહી છે એટલે આજે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે.

ભારતમાં પણ સોનાના ભાવમાં તેજી

ભારતીય બજારમાં સોનાના ભાવમાં વિદેશી બજારના પડખે ફરી તેજી જોવા મળી હતી અને વિક્રમી ૩૯,૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામની સપાટી તરફ આગળ વધી રહ્યા છે. નબળા પડી રહેલા ભારતીય રૂપિયાના કારણે પણ ભાવને ટેકો મળી રહ્યો છે. મુંબઈ ખાતે સોનું ૩૦૦ વધી ૩૮,૯૩૦ રૂપિયાની સપાટીએ બંધ આવ્યું હતું, જ્યારે અમદાવાદમાં ભાવ ફરી ૩૯,૦૧૦ પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ પહોંચી ગયા છે. દરમ્યાન ભારતમાં એમસીએક્સ ઉપર સોનું ઑક્ટોબર વાયદો ૧૫૨ વધી ૩૭,૯૭૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી સપ્ટેમ્બર વાયદો ૨૬૦ વધી ૪૩,૬૯૦ રૂપિયાની સપાટીએ હતા.

કોઈ પણ ભાવે સોનું ખરીદો: માર્ક મોબિયસની સલાહ

વિશ્વના ટોચના રોકાણકારોમાં જેની ગણતરી થાય છે તેવા માર્ક મોબિયસે બ્લુમબર્ગ ટીવીને આપેલી એક મુલાકાતમાં રોકાણકારોને કોઈ પણ ભાવે સોનું ખરીદવાની સલાહ આપી હતી. મોબિયસે જણાવ્યું હતું કે ‘દુનિયામાં અત્યારે મોટા ભાગની બૅન્કો વ્યાજદર ઘટાડી રહી છે ત્યારે લાંબા ગાળા માટે સોનું ખરીદવાનો આ ઉત્તમ સમય છે.’

લાંબા ગાળા માટે સોનું ઉપર જઈ શકે છે. બજારમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. તમે કોઈ પણ ભાવે એ ખરીદી શકો છો એમ મોબિયસે ટીવી ચૅનલ બ્લુમબર્ગને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું. પોતે રોકાણકાર હોવા અગાઉ મોબિયસે ત્રણ દાયકા સુધી ફ્રૅન્કલીન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ માટે ફરજ અદા કરી છે.

એશિયાનાં મોટા ભાગનાં ચલણો સામે ડૉલર મજબૂત

વિશ્વમાં મંદી ખાળવા માટે પ્રોત્સાહક પગલાંની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ગઈ કાલે એશિયાનાં મોટા ભાગનાં ચલણો સામે ડૉલર મજબૂત થયો હતો અને ચીનનો યુઆન નબળો પડ્યો હતો. સપ્ટેમ્બરની બેઠકમાં જ ફેડરલ રિઝર્વ વ્યાજનો દર ઘટાડશે એવી ચર્ચા પણ હવે શરૂ થઈ ગઈ છે. ડૉલર સામે ચીનનો યુઆન આજે ૦.૩૦ ટકા ઘટી એક સપ્તાહની નીચી સપાટીએ હતો. ઇન્ડોનેશિયાનો રૂપૈયા ૦.૨૦ ટકા ઘટી ગયો છે. જોકે, દક્ષિણ કોરિયાનો વોન ડૉલર સામે ૦.૨૦ ટકા વધ્યો હતો. આમ છતાં, જુલાઈ પછી વોન ડૉલર સામે પાંચ ટકા જેટલો નબળો પડ્યો છે. અન્ય ચલણમાં યેન ૦.૦૮ ટકા વધ્યો હતો. તાઇવાન ડૉલર ૦.૧૫ ટકા ઘટ્યો હતો અને મલેશિયન રિંગીટ ૦.૧૨ ટકા ઘટ્યો હતો.

ડૉલર સામે રૂપિયો છ મહિનાના નવા તળિયે

વિદેશી બજારમાં ડૉલરમાં જોવા મળી રહેલી ખરીદીના પગલે અને વધી રહેલા ક્રૂડ ઑઇલના ભાવના કારણે ભારતીય ચલણ રૂપિયો આજે ફરી એક વખત ડૉલર સામે નબળો પડી છ મહિનાની નવી નીચી સપાટીએ પટકાયો હતો. ડૉલર સામે રૂપિયો ગયા સપ્તાહમાં ૩૬ પૈસા ઘટ્યો હતો અને સોમવારે વધુ ૨૯ પૈસા ઘટી ૭૧.૪૩ની સપાટીએ બંધ આવ્યો હતો. ગઈ કાલે રૂપિયો ૭૧.૮૦ની સપાટીએ નબળો ખૂલ્યો હતો અને દિવસભર દબાણમાં જ રહ્યો હતો. દિવસના અંતે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ૨૮ પૈસા ઘટી ૭૧.૭૧ની સપાટીએ બંધ આવ્યો હતો જે ૪ ફેબ્રુઆરી પછીની સૌથી નીચી સપાટી છે.

business news