ડોનલ્ડ ટ્રમ્પની ચાઇનીઝ ગુડ્ઝ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાથી સોનું સુધર્યું

08 May, 2019 11:52 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ડોનલ્ડ ટ્રમ્પની ચાઇનીઝ ગુડ્ઝ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાથી સોનું સુધર્યું

સોનું

ટ્રેડવૉરનું સમાધાન સતત ટલ્લે ચડી રહ્યું હોવાથી હવે કંટાળીને ડોનલ્ડ ટ્રમ્પે ચીનને સીધુંદોર કરવા નવી ધમકીઓ આપવાનું ચાલુ કરતાં સ્ટૉક માર્કેટ તૂટ્યું હતું અને સોનું સુધર્યું હતું. અધૂરામાં પૂરું ઈરાન સામે મિલિટરી ઍક્શનની કમેન્ટ અમેરિકન સેક્રેટરી ઑફ સ્ટેટ દ્વારા આવતાં મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું હતું અને સોનાનું સેફ હેવન સ્ટેટ્સ સુધરતાં સોનામાં લેવાલી વધી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

ચીનની ફૉરેક્સ રિઝર્વ છેલ્લા છ મહિનામાં પહેલી વખત એપ્રિલમાં ચાર અબજ ડૉલર ઘટી હતી, એપ્રિલના અંતે ફૉરેક્સ રિઝર્વ ૩.૦૯૫ લાખ કરોડ ડૉલરે પહોંચી હતી, માર્કેટની ધારણા ૩.૧૦૦ લાખ કરોડ ડૉલરની હતી. ચીનની ગોલ્ડ રિઝર્વની વૅલ્યુ એપ્રિલના અંતે ૭૮.૩૫ અબજ ડૉલર હતી જે માર્ચના અંતે ૭૮.૫૨ અબજ ડૉલર હતી. ગોલ્ડના ભાવ ઘટતાં ચાઇનીઝ ગોલ્ડ રિઝર્વની વૅલ્યુ ઘટી હતી. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) એપ્રિલમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૪૯.૨ પૉઇન્ટ હતો. યુરો ઝોનનો કમ્પોઝિટ પીએમઆઇ એપ્રિલમાં ઘટીને ૫૧.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચમાં ૫૧.૬ પૉઇન્ટ હતો, યુરો ઝોનનો સર્વિસ સેક્ટરનો પીએમઆઇ એપ્રિલમાં ૫૨.૮ પૉઇન્ટ હતો, જે માર્ચમાં ૫૩.૩ પૉઇન્ટ હતો, જ્યારે મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ એપ્રિલમાં ૪૭.૯ પૉઇન્ટ હતો, જે માર્ચમાં ૪૭.૫ પૉઇન્ટ હતો. ટ્રમ્પની નવી ધમકી બાદ અમેરિકન અને એશિયન સ્ટૉક ઇન્ડેક્સ ગગડ્યા હતા અને સોનું સુધર્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડવૉરને ખતમ કરવાની મીટિંગો લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં એનો કોઈ ઉકેલ ન આવતાં હવે ટ્રમ્પે કંટાળીને ધમકીઓ આપવી શરૂ કરી દીધી છે. ટ્રમ્પે ચીનને ધમકી આપી હતી કે તે ટૂંક સમયમાં ૨૦૦ અબજ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ પર હાલની ૧૦ ટકા ઇમ્પોર્ટ ટેરિફ વધારીને ૨૫ ટકા કરશે અને નવી ૩૨૫ અબજ ડૉલરની ચાઇનીઝ પ્રોડક્ટ પર ૨૫ ટકા ઇમ્પોર્ટ ટેરિફ લાદશે. અમેરિકન સેક્રેટરી ઑફ સ્ટેટ પોમ્પિયોએ જણાવ્યું હતું કે ઈરાન સાથે શાંતિપૂર્ણ સમાધાન માટે અમે પ્રયાસ કરીએ છીએ, પણ ઈરાન સામે મિલિટરી ઍક્શનની શકયતા વધી છે. આ બન્ને ડેવલપમેન્ટને પગલે સ્ટૉક માર્કેટ તૂટ્યાં હતાં અને સોનું સુધર્યું હતું. અમેરિકા-ચીનના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાથી સોનું છેલ્લા ચાર સપ્તાહથી એકધારું ઘટી રહ્યું હતું, પણ આ વધારો વધારે પડતો હોવાથી હવે સોનામાં તેજીના કોઈ કારણની અસર મોટી રહેશે. સોનામાં તેજી થવા માટેનાં નવાં કારણો હવે કતાર લગાવીને આવી રહ્યાં હોવાથી તેવો માહોલ દેખાવો શરૂ થયો છે.

આ પણ વાંચો : IMFના વડા કહે છે, અમેરિકા-ચીનની તંગદિલી વૈશ્વિક અર્થતંત્ર સામે જોખમી

ભારતની સોનાની ઇમ્પોર્ટ જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ૨૭ ટકા વધી

ભારતની સોનાની ઇમ્પોર્ટ જાન્યુઆરી-માર્ચ ક્વૉર્ટરમાં ૨૭ ટકા વધી હોવાનો રિપોર્ટ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આપ્યો હતો. જાન્યુઆરીથી માર્ચમાં ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ વધીને ૧૯૨.૪ ટને પહોંચી હતી, જે ગયા વર્ષે આ સમયગાળામાં ૧૫૧ ટન જ રહી હતી. સોનાની ઇમ્પોર્ટ વધવાનું મુખ્ય કારણ ભાવમાં થયેલો ઘટાડો હતું. એમસીએક્સ (મલ્ટિ-કૉમોડિટી એક્સચેન્જ)માં સોનાનો ભાવ ૨૦મી ફેબ્રુઆરીએ વધીને પ્રતિ ૧૦ ગ્રામ ૩૫,૦૫૨ રૂપિયા થયો હતો, જે ઘટીને માર્ચના અંતે ૩૨,૮૮૬ રૂપિયા થયો હતો. વળી જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં લગ્નની ફુલ સીઝન હોવાથી સોનાની ડિમાન્ડ ઊંચી રહી હતી.

business news