ટ્રમ્પે મૅક્સિકોની ચીજો પર ઇમ્પોર્ટ ડ્યુટી લાદતાં સોનું ઊછળ્યું

01 June, 2019 11:39 AM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રમ્પે મૅક્સિકોની ચીજો પર ઇમ્પોર્ટ ડ્યુટી લાદતાં સોનું ઊછળ્યું

ગોલ્ડ

ટ્રમ્પે ચીનને આડે હાથ લીધા બાદ હવે મૅક્સિકોનો દાવ લેવાનું શરૂ કર્યું છે. મૅક્સિકોથી ઇમ્પોર્ટ થતી તમામ ચીજો પર તા. ૧૦મીથી પાંચ ટકા ઇમ્પોર્ટ ટેરિફ લાગુ પાડવાની જાહેરાતને પગલે ટ્રેડવૉર વકરવાના ભયે વલ્ર્ડના તમામ સ્ટૉક ઇન્ડેક્સ તૂટ્યા હતા. અધૂરામાં પૂરૂ અમેરિકાના ઇન્ફલેશન ડેટા, ચીનના મૅન્યુફૅક્ચરિંગ ડેટા અને જપાનના કન્ઝ્યુમર્સ મોરલ ડેટા નબળા આવતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય વધ્યો હતો. આમ, એકસાથે અનેક કારણો ભેગાં થતાં સોનું ઊછળીને ૧૩૦૦ ડૉલર નજીક પહોંચી ગયું હતું. સોનામાં જાન્યુઆરી પછીનો પ્રથમ મન્થલી ઉછાળો અને સતત બીજે સપ્તાહે ઉછાળો જોવા મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો ફર્સ્ટ કવૉર્ટરનો ગ્રોથરેટ ૩.૧ ટકા રહ્યો હતો, જે અગાઉના અંદાજમાં ૩.૨ ટકા હતો અને માર્કેટની ધારણા ૩.૧ ટકાની જ હતી. અમેરિકામાં કૉર્પોરેટ પ્રૉફિટ ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૩.૫ ટકા ઘટ્યો હતો, જે અગાઉના ક્વૉર્ટરમાં જળવાયેલો હતો. અમેરિકાનું ઇન્ફલેશન ફર્સ્ટ ક્વૉર્ટરમાં ઘટીને એક ટકાએ પહોંચ્યું હતું જે અગાઉના ક્વૉર્ટરમાં ૧.૩ ટકા હતું. ચીનનો ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇ (પરચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ) મેમાં ઘટીને ૪૯.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૫૦.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૯.૯ પૉઇન્ટની હતી. મૅન્યુફૅક્ચરિંગ પીએમઆઇમાં ફેબ્રુઆરી પછી પ્રથમ ઘટાડો નોંધાયો હતો. ચીનનો ઑફિશ્યલ સર્વિસ સેક્ટરનો પીએમઆઇ મેમાં ૫૪.૩ પૉઇન્ટની સપાટીએ જળવાયેલો અને માર્કેટની ધારણા પ્રમાણેનો જ હતો. જપાનના રીટેલ સેલ્સમાં એપ્રિલમાં ૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેમાં માર્ચમાં ૦.૧ ટકાનો વધારો થયો હતો અને માર્કેટની ધારણા ૦.૨ ટકાના વધારાની હતી. જપાનનો કન્ઝયુમર્સ મોરલ ઇન્ડેક્સ મેમાં ઘટીને ૬૪ મહિનાની એટલે કે સાડાપાંચ વર્ષની ૩૯.૪ પૉઇન્ટે નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૪૦.૪ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૦.૬ પૉઇન્ટની હતી. અમેરિકાના ઇન્ફલેશન ડેટા અને ચીનના મૅન્યુફૅક્ચરિંગ ડેટા નબળા આવતાં ગ્લોબલ સ્લોડાઉનના ભયે સોનું ઊછળ્યું હતું અને જાન્યુઆરી પછી પ્રથમ વખત સોનામાં મન્થલી ઉછાળો મે મહિનામાં જોવા મળ્યો હતો.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રમ્પે સધર્ન ર્બોડર પર મૅક્સિકો તરફથી ગેરકાયદે થતી ઘૂસણખોરીને રોકવા મૅક્સિકોથી ઇમ્પોર્ટ થતા તમામ ગુડ્ઝ પર તા. ૧૦મી જૂનથી પાંચ ટકા ઇમ્પોર્ટ ટેરિફ લાદવાનો નિર્ણય લીધો હતો. જો મૅક્સિકો ગેરકાયદે થતી ઘૂસણખોરી રોકવા કોઈ પગલાં નહીં ભરે તો ઑક્ટોબરથી ૨૫ ટકા ઇમ્પોર્ટ ટેરિફ લાગુ પડશે. ટ્રમ્પના આ નિર્ણયને પગલે ગ્લોબલ ટ્રેડવૉર વધુ વકરવાની ધારણા છે. બીજી તરફ ટ્રેડવૉરની અસરે અમેરિકાનું ઇન્ફલેશન ફેડના બે ટકાના ટાર્ગેટ કરતાં અડધું જ એક ટકા ફર્સ્ટ ક્વૉર્ટરમાં રહ્યું હોવાનો કૉમર્સ ડિપાર્ટમેન્ટે રિપોર્ટ આપ્યો હતો. મૅક્સિકો પર ઇમ્પોર્ટ ટેરિફ લાદવાના નિર્ણયને પગલે તમામ સ્ટૉક માર્કેટ તૂટ્યાં હતાં અને અમેરિકાનું બૉન્ડ યીલ્ડ ૨૦ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. આ તમામ કારણો હવે સોનામાં વધુ તેજી થવાના સ્પક્ટ સંકેતો આપી રહ્યા છે. સોનાના લૉન્ગ ટર્મ પ્રોસ્પેક્ટ સતત સુધરી રહ્યા છે.

આ પણ વાંચો : વર્ષ 2018-19: નાણાખાધને વળગી રહેવા સરકારી ખર્ચ ઉપર કાપ

ભારતમાં ગોલ્ડ ડિમાન્ડ ધીમી પડતાં પ્રીમિયમ ઘટયું, ચીનમાં પ્રીમિયમ ઊછળ્યું

ભારતમાં લગ્નસીઝનની ગોલ્ડ ડિમાન્ડ પૂરી થયા બાદ ખરીદદારો અને વિક્રેતાઓ ભાવ વધુ ઘટવાની રાહે ખરીદીથી દૂર થતાં વીતેલા સપ્તાહ દરમ્યાન સોનાનું પ્રીમિયમ ઘટ્યું હતું. લંડન સોનાના ભાવની સરખામણીમાં ભારતમાં સોનાનું પ્રીમિયમ પ્રતિ ઔંસ ૫૦ સેન્ટ બોલાતું હતું, જે એક સપ્તાહ અગાઉ એક ડૉલર હતું. ભારતની ગોલ્ડ ઇમ્પોર્ટ એપ્રિલમાં ૨૧.૪ ટકા વધતાં માર્કેટમાં સપ્લાય પર્યાપ્ત હોવાથી પ્રીમિયમ ઘટ્યું હતું. ચીનમાં સોનાની ડિમાન્ડ સતત વધી રહી હોવાથી પ્રીમિયમ વીતેલા સપ્તાહ દરમ્યાન વધ્યું હતું. ચીનની ઇકૉનૉમી નબળી પડી રહી હોવાથી સોનામાં સેઇફ હેવન ડિમાન્ડ વધતાં પ્રીમિયમ વધીને પ્રતિ ઔંસ ૧૪થી ૧૮ ડૉલર બોલાયું હતું, જે અગાઉના સપ્તાહે ૧૨થી ૧૪ ડૉલર હતું.

business news