અમેરિકાના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે ડૉલર સુધરતાં સોનું બે સપ્તાહના તળિયે

21 May, 2019 12:08 PM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

અમેરિકાના સ્ટ્રૉન્ગ ડેટાને પગલે ડૉલર સુધરતાં સોનું બે સપ્તાહના તળિયે

ગોલ્ડ

અમેરિકાનો કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ૧૫ વર્ષની ઊંચાઈએ પહોંચતાં ડૉલર મજબૂત બન્યો હતો અને યુરો એરિયા તથા જપાનના ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય ઘટતાં ડૉલરની મજબૂતી અને ડૉલરનું સેઇફ હેવન સ્ટેટસ બન્ને સુધર્યાં હતાં, જેને કારણે સોનું ઘટીને બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ મે મહિનામાં વધીને છેલ્લાં ૧૫ વર્ષની ઊંચાઈએ ૧૦૨.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૯૭.૨ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા ૯૭.૫ પૉઇન્ટની હતી. યુરો ઝોનનું ઇન્ફલેશન એપ્રિલમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૧.૭ ટકાએ પહોંચ્યું હતું, જે માર્ચમાં ૧.૪ ટકા હતું અને માર્કેટની ધારણા પણ ૧.૭ ટકાની હતી. યુરો એરિયાનું કન્સ્ટ્રક્શન આઉટપુટ માર્ચમાં ૬.૩ ટકા વધ્યું હતું, જે અગાઉના મહિને ૭.૬ ટકા વધ્યું હતું. જપાનનો ફસ્ર્ટ ક્વૉર્ટરનો ગ્રોથરેટ વધીને ૦.૫ ટકાએ પહોંચ્યો હતો, જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૪ ટકા હતો અને માર્કેટની ધારણા ૦.૧ ટકાની હતી. જપાનની એક્સપોર્ટમાં સુધારો થતાં તેમ જ ઇમ્પોર્ટ ઘટતાં ગ્રોથરેટમાં ધારણા કરતાં ઘણો મોટો વધારો જોવા મળ્યો હતો. જપાનનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ માર્ચમાં ૦.૬ ટકા ઘટ્યું હતું જે પ્રીલિમનરી એસ્ટિમેટમાં ૦.૯ ટકા ઘટ્યું હતું અને ફેબ્રુઆરીમાં ૦.૭ ટકા ઘટ્યું હતું. અમેરિકાનો કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ઊછળ્યું હોવાથી તેની અસરે ડૉલર મજબૂત થયો હતો અને સોનું બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ટ્રેડવૉર અને જિયો-પૉલિટિકલ ટેન્શન બન્ને એકસાથે વધતા જતા હોવાથી સોના કરતાં ડૉલરનું સેઇફ હેવન સ્ટેટસ વધ્યું હતું, જેને કારણે સોના કરતાં ડૉલરમાં ઇન્વેસ્ટરોનો રસ વધી રહ્યો છે. વીતેલા સપ્તાહમાં ડૉલરમાં છેલ્લા ત્રણ મહિનાનો સૌથી મોટો વીકલી ઉછાળો જોવા મળ્યો હતો. ચાલુ સપ્તાહે રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયા અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગ તેમ જ ફેડની અગાઉની મીટિંગની મિનિટ્સ જાહેર થવાની હોવાથી ડૉલર અને સોનાની નવી દિશા નક્કી થશે. આ ઉપરાંત અમેરિકાના ડ્યુરેબલ ગુડ્ઝના, હાઉસિંગ અને મૅન્યુફૅક્ચરિંગ-સર્વિસના પ્રીલિમનરી ડેટા જાહેર થવાના હોવાથી ડૉલરની મજબૂતીનું ભાવિ પણ નક્કી થશે. ટ્રેડવૉર, અમેરિકા-ઈરાન વચ્ચે વધી રહેલું ટેન્શન અને બ્રેક્ઝિટની મૂવમેન્ટ સ્થિર બની હોવાથી આવનારા દિવસોમાં સોનામાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળશે.

સોનું-ચાંદી વિશ્વમાર્કેટમાં ઘટતાં લોકલ માર્કેટમાં ગગડતા ભાવ

અમેરિકી ડૉલરની મજબૂતી અને અમેરિકાના ઇકૉનૉમિક ડેટા મજબૂત આવતાં વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ બે સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. ટેક્નિકલી હજુ સોના-ચાંદીના ભાવ ઘટવાના સંકેતો મળતાં લોકલ માર્કેટમાં સોના-ચાંદીના માર્કેટમાં લેવાલીનો સૂનકાર વ્યાપી ગયો હતો, જેને લીધે સોના-ચાંદીના ભાવ લોકલ માર્કેટમાં સતત ત્રીજા સેશનમાં ઘટ્યા હતા. સોનાનો ભાવ સોમવારે મુંબઈમાં ૩૭૧ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામનો ૩૧,૬૯૮ રૂપિયો થયો હતો, જ્યારે દિલ્હીમાં સોનાનો ભાવ ૧૫૦ રૂપિયા ઘટીને પ્રતિ ૧૦ ગ્રામનો ૩૨,૭૨૦ રૂપિયા થયો હતો. ચાંદીનો ભાવ મુંબઈમાં ૩૩૫ રૂપિયા ઘટીને પ્રતિ કિલોના ૩૬,૦૭૫ રૂપિયા અને દિલ્હીમાં ૨૫૦ રૂપિયા ઘટીને ૩૭,૩૫૦ રૂપિયા થયો હતો.

business news