ઑસ્ટ્રેલિયન ડૉલર-પાઉન્ડની નબળાઈથી ડૉલર સુધરતાં સોનું વધુ ઘટ્યું

22 May, 2019 12:49 PM IST  |  | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ઑસ્ટ્રેલિયન ડૉલર-પાઉન્ડની નબળાઈથી ડૉલર સુધરતાં સોનું વધુ ઘટ્યું

ગોલ્ડ

ઑસ્ટ્રેલિયન ઇકૉનૉમી સતત નબળી પડી રહી હોઈ જૂનમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની જાહેરાતને પગલે ઑસ્ટ્રેલિયન ડૉલર તૂટ્યો હતો તેમ જ બ્રિટિશ પાર્લમેન્ટમાં બ્રેક્ઝિટ ડાઇવૉર્સ ડીલ ચોથી વખત રિજેકટ થવાના ચાન્સિસ વધતાં બ્રિટિશ પાઉન્ડ પણ તૂટ્યો હતો. આમ, ઑસ્ટ્રેલિયન ડૉલર અને બ્રિટિશ પાઉન્ડ તૂટતાં અમેરિકી ડૉલરની મજબૂતી વધતાં સોનામાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. વળી અમેરિકા-ચીન વચ્ચેના સંબંધો દિવસે ને દિવસે વણસી રહ્યા હોઈ ટ્રેડવૉર ખતમ થવાની આશા તૂટી રહી છે, જેને કારણે ડૉલરનું સેઇફ હેવન સ્ટેટસ મજબૂત બની રહ્યું છે.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાની મે મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં વધી રહેલી હાઉસહોલ્ડ ડેબ્ટ અને ઘટી રહેલા ઇન્ફલેશન સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. મિનિટ્સ જાહેર થયા બાદ રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાના ગવર્નર ફિલિપ્સ લોવે જૂન મહિનાની પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની જાહેરાત કરી હતી, જેને પગલે ઑસ્ટ્રેલિયન ડૉલર ઘટ્યો હતો. બ્રેક્ઝિટ પ્રોસેસની મુદત લંબાવ્યા બાદ બ્રિટિશ પ્રાઇસ મિનિસ્ટર થેરેસા મે દ્વારા ડાઇવૉર્સ ડીલ અંગે સહમતી સાધવા અથાગ પ્રયાસો થઈ રહ્યા છે, પણ બ્રિટિશ મીડિયાના અહેવાલ અનુસાર આવતા મહિને ડાઇવૉર્સ ડીલ અંગે થનારા મતદાનમાં સતત ચોથી વખત થેરેસા મેને હાર સહન કરવી પડે તેવી સ્થિતિ દેખાઈ રહી છે. મીડિયા અહેવાલ બાદ બ્રિટિશ પાઉન્ડ ઘટ્યો હતો. આમ, ઑસ્ટેલિયન ડૉલર અને બ્રિટિશ પાઉન્ડ સામે અમેરિકી ડૉલર સુધરતાં સોનામાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો.  

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

અમેરિકાએ ચાઇનીઝ ટેલિકૉમ્યુનિકેશન જાયન્ટ હવાઈને બ્લૅકલિસ્ટ કર્યા બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધો વણસી ગયા છે. ચાઇનીઝ ગવર્નમેન્ટના પ્રવકતાએ પણ અમેરિકા દ્વારા ગેરવાજબી માગણી થઈ રહી હોવાની કમેન્ટ કરી હતી. જોકે અમેરિકાએ હવાઈના ઑપરેશન બાબતે ૯૦ દિવસની રાહત આપતાં થોડું ટેન્શન હળવું થયું હતું, પણ ટ્રમ્પનું સ્ટૅન્ડ જોતાં ટ્રેડવોર અંગે સમાધાનની આશા વર્લ્ડ કૉમ્યુનિટીને દેખાતી નથી. ટ્રેડવૉરનું ટેન્શન વધતું જતું હોવાથી અમેરિકી ડૉલરનું સેઇફ હેવન સ્ટેટ્સ સુધરી રહ્યું છે. અધૂરામાં પૂરું ઑસ્ટ્રેલિયન ડૉલર, બ્રિટિશ પાઉન્ડ, ચાઇનીઝ યુઆન અને અન્ય એશિયન કરન્સીઓ યેનકેન કારણે નબળી પડી રહી હોવાથી ડૉલરને સપોર્ટ મળી રહ્યો છે. હાલના સંજોગોમાં ડૉલર નબળો પડે તેવી કોઈ ચમત્કારિક ઘટના બને તો જ સોનામાં સુધારો થવાની શક્યતા છે. રશિયાએ એપ્રિલમાં ગોલ્ડ રિઝર્વ ૧૫.૫ ટન વધારી હતી, પણ આ સમાચારથી સોનાના ભાવ પર કોઈ મોટી અસર થઈ નથી. સેન્ટ્રલ બૅન્કોની ખરીદી સાથે અન્ય કારણો ભળે તો સોનામાં નવેસરથી તેજી થઈ શકે છે.

આ પણ વાંચો : શૅર બજારમાં મજબૂત કારોબાર, સેન્સેક્સ 99 અંક ઉપર ખુલ્યું

ભારતની સોનાની ઇમ્પોર્ટ એપ્રિલમાં ૫૪ ટકા વધી

ભારતની સોનાની ઇમ્પોર્ટ એપ્રિલમાં ૫૪ ટકા વધીને ૩.૯૭ અબજ ડૉલરની નોંધાઈ હોવાનો રિપોર્ટ કૉમર્સ મિનિસ્ટ્રીએ આપ્યો હતો. સોનાની ઇમ્પોર્ટ વધતાં એપ્રિલમાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. ગયા વર્ષે એપ્રિલમાં સોનાની ઇમ્પોર્ટ ૨.૫૮ અબજ ડૉલરની થઈ હતી. દેશની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ એપ્રિલમાં વધીને ૧૫.૩૩ અબજ ડૉલરે પહોંચી હતી, જે જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ની ૨.૫ ટકા હતી, ગયા વર્ષે આ સમયે કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ જીડીપીના ૨.૧ ટકા હતી. સોનાની ઇમ્પોર્ટ માર્ચમાં ૩૧ ટકા વધ્યા બાદ એપ્રિલમાં ૫૪ ટકા વધતાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટને મોટી અસર થઈ હતી.

business news