ટ્રેડવૉર માટે અમેરિકા-ચીને સામસામી બાંયો ચઢાવતાં સોનામાં ઉછાળો

15 May, 2019 12:20 PM IST  |  મુંબઈ | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રેડવૉર માટે અમેરિકા-ચીને સામસામી બાંયો ચઢાવતાં સોનામાં ઉછાળો

સોનું

ટ્રેડવૉરને ખતમ થવાની તમામ શક્યતાઓ પણ પૂર્ણવિરામ મુકાતાં અમેરિકા અને ચીને એકબીજા સામે બાંયો ચઢાવીને એકબીજાની ચીજો પર ઇમ્પોર્ટ ડ્યુટી લાદી હતી, જેને કારણે ટ્રેડવૉરની સ્થિતિ વકરતાં અનેક માર્કેટમાં ઊથલપાથલ જોવા મળી હતી. વર્લ્ડના તમામ સ્ટૉક ઇન્ડેક્સ તૂટયા હતા. વળી સાઉદી અરેબિયાનાં બે ક્રૂડ ટૅન્કરને ઈરાને ઉડાવી દેતાં મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું હતું અને ચીને માર્ચમાં ગોલ્ડ હોલ્ડિંગ ૧૧.૨૦ ટન વધાર્યું હોવાના અહેવાલે સોનાની તેજીને હવા ફૂંકી હતી અને સોનું વર્લ્ડ માર્કેટમાં ૧૩૦૦ ડૉલરની સપાટીને કુદાવી ગયું હતું.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ એપ્રિલમાં વધીને ૧૦૩.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૧૦૧.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૧૦૨.૩ પૉઇન્ટની હતી. યુરો એરિયાનું ઇન્વેસ્ટર મોરલ મે મહિનામાં ઘટીને માઇનસ ૧.૬ પૉઇન્ટ રહ્યું હતું, જે એપ્રિલમાં પ્લસ ૪.૫ પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા પ્લસ પાંચ પૉઇન્ટની હતી. યુરો એરિયાની ૫૩ ટકા પબ્લિક માને છે કે આવતા છ મહિનામાં ઇકૉનૉમિક ઍક્ટિવિટીમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે, જ્યારે ૨૪ ટકા પબ્લિક માને છે કે ઇકૉનૉમિક કન્ડિશન આવતા છ મહિનામાં બગડશે, પણ ૨૨.૫ ટકા પબ્લિકને ઇકૉનૉમિક કન્ડિશન સુધરવાની આશા છે. યુરો એરિયાનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન માર્ચમાં સતત બીજે મહિને ૦.૩ ટકા ઘટ્યું હતું જે અગાઉના મહિને ૦.૧ ટકા ઘટ્યું હતું. ભારતનું હોલસેલ ઇન્ફલેશન એપ્રિલમાં વધીને ૩.૦૭ ટકા રહ્યું હતંા જે અગાઉના મહિને ૩.૧૮ ટકા હતું. ભારતનો રીટેલ પ્રાઇસ ઇન્ફલેશન એપ્રિલમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૨.૯૨ ટકાએ પહોંચ્યો હતો, જે માર્ચમાં ૨.૮૬ પૉઇન્ટ હતો. ચીને અમેરિકાની ૬૦ અબજ ડૉલરની ચીજો પર ઇમ્પોર્ટ ડયુટી લાદતાં ટ્રેડવૉર વધતાં સોનું સુધરીને ૧૩૦૦ ડૉલરની સપાટી ઓળંગી ગયું હતું.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ચીને વળતા પ્રહાર તરીકે અમેરિકાની ૬૦ અબજ ડૉલરની ચીજો પર ઇમ્પોર્ટ ડ્યુટી લાદી હતી. જોકે ટ્રમ્પે આવતા મહિને ચીનના પ્રીમિયરને મળવાની જાહેરાત કરીને ટ્રેડવૉરમાં સમાધાનની આશા જીવંત રાખી હતી. સાઉદી અરેબિયાનાં બે ક્રૂડ ટૅન્કર પર હમાઝ સ્ટ્રીટમાં ઈરાન દ્વારા હુમલો થતાં મિડલ ઈસ્ટમાં ટેન્શન વધ્યું હતું. અમેરિકાએ ઈરાન પર આર્થિક પ્રતિબંધનું શસ્ત્ર ઉગામતાં ઈરાન પણ હવે વળતો પ્રહાર કરવા સજ્જ બન્યું છે. વળી અમેરિકાને માત કરવા ચીન અને ઈરાન હાથ મિલાવે તેવા મળી રહેલા સંકેતો આગામી દિવસોમાં જિયોપૉલિટકલ ટેન્શન વધારશે. ચીન, ઈરાન, વેનેઝુએલા, પાકિસ્તાન વગેરે અમેરિકાના દુશ્મન દેશો એકઠા થઈને એક નવી તાકાત બનાવે તો સંઘર્ષ વધશે. સંઘર્ષ, ક્રાઇસિસ અને ટેન્શનના સમયમાં સોનામાં હંમેશાં તેજીના ચાન્સીસ વધે છે.

આ પણ વાંચો : Jet Airways Crisis: CFO પછી હવે CEO વિનય દુબેનું પણ રાજીનામું

વર્લ્ડ માર્કેટની તેજીના સથવારે લોકલ માર્કેટમાં સોનું-ચાંદી ઊછળ્યા

ટ્રેડવૉર અને મિડલ ઈસ્ટમાં ટેન્શનને પગલે વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી સુધરતાં તેની અસરે લોકલ માર્કેટમાં પણ સોનું-ચાંદી ઊછળ્યાં હતાં. સોનાનો ભાવ મંગળવારે મુંબઈમાં ૩૦૫ રૂપિયા ઊછળીને પ્રતિ ૧૦ ગ્રામનો ૩૨,૪૦૨ રૂપિયા અને દિલ્હીમાં ૩૭૭ રૂપિયા ઊછળીને પ્રતિ ૧૦ ગ્રામના ૩૩,૩૯૫ રૂપિયા થયો હતો, જ્યારે ચાંદીનો ભાવ મુંબઈમાં ૧૮૦ રૂપિયા ઊછળીને પ્રતિ કિલોનો ૩૭,૧૪૫ રૂપિયા અને દિલ્હીમાં ૩૦૦ રૂપિયા ઊછળીને પ્રતિ કિલોના ૩૮,૩૦૦ રૂપિયા થયા હતા.

business news