ટ્રેડવૉર મામલે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની દરમ્યાનગીરીથી સોનામાં અટકતી તેજી

16 May, 2019 12:23 PM IST  |  મુંબઈ | બુલિયન બુલેટિન - મયૂર મહેતા

ટ્રેડવૉર મામલે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની દરમ્યાનગીરીથી સોનામાં અટકતી તેજી

ગોલ્ડ

ટ્રેડવૉર અંગે ડોનલ્ડ ટ્રમ્પે વધી રહેલા ટેન્શનને હળવું કરવા મંત્રણા ચાલુ રહેશે એવું એલાન કરતાં ટ્રેડવૉરનું ટેન્શન હળવું થયું હતું, જેને પગલે અમેરિકન, યુરોપિયન અને એશિયન સ્ટૉક ઇન્ડેક્સ સુધરતાં સોનામાં પ્રૉફિટ-બુકિંગ વધ્યું હતું. વળી યુરો એરિયાનો ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ધારણાથી સારો રહેતાં ગ્લોબલ સ્લોડાઉનનો ભય પણ ઓછો થતાં સોનામાં ઊંચા મથાળે લેવાલી અટકી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત

યુરો એરિયાનો ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ૦.૪ ટકા રહ્યો હતો, જે અગાઉના ક્વાર્ટરમાં ૦.૨ ટકા જ રહ્યો હતો. યુરો એરિયાની સૌથી મોટી ઇકૉનૉમી જર્મની અને ઇટલીનો ગ્રોથ પૉઝિટિવ રહ્યો હતો, જ્યારે સ્પેનની ઇકૉનૉમી ફાસ્ટર પેસ પર ગ્રોથ કરી રહી હતી અને ફ્રાન્સનો ગ્રોથ યથાવત્ રહ્યો હતો. યુરો એરિયામાં એમ્પ્લૉઇમેન્ટ ગ્રોથ ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૦.૩ રહ્યો હતો, જે અગાઉના ક્વૉર્ટર જેટલો જ અને માર્કેટની ધારણા પ્રમાણે જ રહ્યો હતો. ચીનના રીટેલ સેલ્સમાં એપ્રિલમાં ૭.૨ ટકાનો વધારો થયો હતો, જે માર્ચમાં ૮.૭ ટકાનો અને માર્કેટની ધારણા ૮.૬ ટકાના વધારાની હતી. ચીનના રીટેલમાં સેલ્સમાં એપ્રિલમાં થયેલો વધારો છેલ્લાં સોળ વર્ષનો સૌથી ઓછો વધારો રહ્યો હતો. ચીનના ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં એપ્રિલમાં ૫.૪ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં માર્ચમાં ૮.૫ ટકાનો વધારો અને માર્કેટની ધારણા ૬.૫ ટકા વધારાની હતી. ચીનમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરીથી એપ્રિલમાં ૬.૧ ટકા વધ્યું હતું, જે જાન્યુઆરીથી માર્ચમાં ૬.૩ ટકા વધ્યું હતું. અમેરિકાના ઇમ્ર્પોટ અને એક્સપોર્ટ બન્ને પ્રાઇસમાં એપ્રિલમાં ૦.૨ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં માર્ચમાં ૦.૬ ટકાનો વધારો નોંધાયો હતો. અમેરિકન, યુરોપિયન અને એશિયન સ્ટૉક ઇન્ડેક્સ સુધરતાં સોનામાં વધ્યા ભાવથી થોડી પીછેહઠ જોવા મળી હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ

ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડવૉર ચરમસીમાએ પહોંચે તે અગાઉ ટ્રમ્પે દરમ્યાનગીરી કરી નિવેદન કર્યું હતું કે બન્ને દેશો વચ્ચેની મંત્રણામાં મતભેદ વધી જતાં ઝઘડો વધી ગયો હતો, પણ તેનો મતલબ એવો નથી કે મંત્રણા પડી ભાંગી છે. ચીનના પ્રવક્તાએ પણ પ્રત્યાઘાત આપ્યો હતો કે બન્ને પક્ષ હાલ વધુ વાતચીત કરવા સમંત છે. ટ્રમ્પ અને જિનપિંગ જપાનમાં જી-૨૦ની મીટિંગમાં મળશે તેવું મંગળવારે જ ઑફિશ્યલી જાહેર થયું હોવાથી ટ્રેડવૉર મામલે તનાવ ઓછો થયો હતો. ટ્રેડવૉરનો તનાવ ઓછો થતાં અનેક દેશોના સ્ટૉક ઇન્ડેક્સ વધુ ગગડતાં અટક્યા હતા અને સોનું પણ ઊંચા મથાળેથી પાછું ફર્યું હતું. ટ્રેડવૉરની અનિશ્ચિતતા ચાલુ રહેશે ત્યાં સુધી સોનામાં સળંગ તેજી કે મંદી જોવા નહીં મળે, પણ ઘટનાક્રમને આધારે વધ-ઘટ જોવા મળશે.

ચૂંટણીની આચારસંહિતા નરમ પડતાં ગોલ્ડ સ્મગલિંગ ફરી જોરમાં

દેશમાં લોકસભાની ચૂંટણીના છ તબક્કા પૂરા થયા બાદ આચારસંહિતાની પકડ નરમ પડતાં ગોલ્ડ સ્મગલિંગનું જોર ફરી વધ્યું છે. ચૂંટણીની આચારસંહિતાને કારણે ઍરપોર્ટ અને બોર્ડર પર ચેકિંગની કાર્યવાહી કડક બનાવાઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં બે સ્થળેથી કુલ સવાઆઠ કરોડની કિંમતનું સાડાચોવીસ કિલો સોનું ડિરેક્ટર ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સે પકડયું હતું. મ્યાનમાર બોર્ડર પરથી છ શખસો દ્વારા ૮ કરોડ રૂપિયાની કિંમતનું ૨૪,૧૫૦ કિલો સોનું ભારતમાં ગેરકાયદે ઘુસાડવામાં આવ્યું હતું. આ છ શખસોને રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઑફિસરે પકડી પાડ્યા હતા. બીજા બનાવમાં ચેન્નઇ ઍરપોર્ટ પર શારજાહથી આવતાં એક શખસ પાસેથી ૨૩૨ ગ્રામ સોનું અને કોલંબોથી આવતી એક મહિલા પાસેથી ૧૫૪ ગ્રામ સોનું પકડાયું હતું. બન્ને બનાવમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ કુલ ૧૨.૭ લાખ રૂપિયાનું સોનું પકડ્યું હતું.

business news