બજેટ લોકોને આશ્ચર્યચકિત કરી દેશે, હજી તો મોટી તેજી બાકી છે: રાકેશ

26 January, 2021 11:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બજેટ લોકોને આશ્ચર્યચકિત કરી દેશે, હજી તો મોટી તેજી બાકી છે: રાકેશ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય અર્થતંત્ર બેઠું થઈ રહ્યું છે ત્યારે રોકાણકારોને કેન્દ્રના ૨૦૨૧ના બજેટ પાસેથી ઊંચી અપેક્ષાઓ છે, બિગબુલની ઉપમા ધરાવતા રાકેશ ઝુનઝુનવાલા માને છે કે આગામી બજેટ લોકોને આશ્ચર્યચકિત કરી દેશે. બજેટમાં હું અપેક્ષા રાખું છું કે તેમાં કોઈ વેરા નહીં હોય, ખર્ચમાં નોંધપાત્ર વધારો અને ૬.૫થી ૭ ટકાની ખાધ હશે. ગયા સપ્તાહમાં શૅરબજાર વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યું છે. બીએસઈ સેન્સેક્સે ૫૦૦૦૦ની અને નિફ્ટીએ ૧૪૭૫૦ની સપાટી કુદાવી છે.

હજી મોટી તેજી આવશે

ભારતીય શૅરબજારમાં ભારે તેજી છે અને હજી મોટી તેજી આવી રહી હોવાનું ઝુનઝુનવાલા માને છે. એમણે કહ્યું કે અત્યારે શૅરબજારમાં તેમના જીવનનું સૌથી મોટું રોકાણ છે. તેમણે કબૂલ કર્યું કે જ્યારે તેમણે માર્ચ મહિનામાં તેમના બે ટકા પોર્ટફોલિયોને વેચ્યો ત્યારે હું બહુ આશાવાદી નહોતો પરંતુ એપ્રિલ-મેથી ફરી તેજીમાં આવી ગયો હતો.

બજાર નીચી સપાટીએથી જે રીતે વધ્યું છે એ એવો સંકેત આપે છે કે આગામી ત્રણથી ચાર વર્ષમાં દેશનો વિકાસદર બે આંકડાનો રહેશે. મને લાગે છે કે આ વર્ષે સાત ટકા અને એ પછી ૧૦ ટકાનો વિકાસદર રહેશે. અત્યારે બજારમાં રોકાણની તકો વિશે બોલતાં તેમણે કહ્યું કે જાહેર ક્ષેત્રમાં અને ખાસ તો જાહેર ક્ષેત્રની બૅન્કોમાં રોકાણની તક હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ બૅન્કોએ તેમની બુક્સમાં ખાનગી બૅન્કો કરતાં વધુ જોગવાઈઓ કરી છે.

રાજનને અંધકાર દેખાય છે

તાજેતરમાં એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને કૃષિ કાયદાઓને ટેકો ન આપવા બદલ આડેહાથ લીધા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે જે કર્યું છે એના માટે એક પણ સારો શબ્દ તેમની પાસે છે?, એવો સવાલ ઝુનઝુનવાલાએ કર્યો હતો. રઘુરામ રાજન માત્ર સરકારની ટીકા જ કરે છે. રાજનને માત્ર અંધારું જ દેખાય છે, પ્રકાશ નહીં એમ ઝુનઝુનવાલાએ ઉમર્યું  હતું. અત્યારે ચાલી રહેલું ખેડૂત આંદોલન દર્શાવે છે કે ભારતમાં સુધારા કરવા કેટલા અઘરા છે. રઘુરામ રાજને આ જ કૃષિ કાયદાઓનું અગાઉ સમર્થન કર્યું હતું, પરંતુ હવે તેની ટીકા કરે છે, એમ તેમણે કહ્યું હતું.

business news