વૅક્સિનેશન એટલે કોરોનાનો અંત નહીં પણ એ વાઇરસના અંતની શરૂઆત

18 January, 2021 11:40 AM IST  |  Mumbai | Jitendra Sanghvi

વૅક્સિનેશન એટલે કોરોનાનો અંત નહીં પણ એ વાઇરસના અંતની શરૂઆત

પ્રતીકાત્મક તસવીર

જપાન, બ્રિટન, ફ્રાંસ, ઇટલી, જર્મની અને અમેરિકામાં તો મહામારીની સ્થિતિ ગંભીર છે જ, પણ હવે ફરી એકવાર ચીન (કોરોના વાઇરસનું ઉદ્ભવસ્થાન)માં પણ કોવિડ-19ના નવા કેસ વધવા માંડ્યા છે. રોજના આ નવા કેસની સંખ્યા છેલ્લા પાંચ મહિનામાં (જુલાઇ ૩૦ પછી) સૌથી વધુ છે. એટલે ચીને બેથી અઢી કરોડ લોકોને હોમ ક્વૉરન્ટીન કર્યા છે. આ આંકડો ચાઇનીઝ સરકારે જાન્યુઆરી ૨૦૨૦માં વુહાનમાં જેટલા લોકો માટે  લૉકડાઉન જાહેર કર્યું તેના કરતાં બેગણો છે. આની અસર આવતા મહિને શરૂ થનાર લુનાર નવા વરસની ઉજવણી પર પણ થવાની.

અમેરિકામાં આ મહામારીને કારણે ૨૪ કલાકમાં નોંધાયેલ ૪૪૦૦ મરણે (જાન્યુઆરી ૧૨) એક નવો રેકૉર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આ સાથે અમેરિકામાં મરણનો આંક ચાર લાખ પર પહોંચવાની તૈયારીમાં છે (બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકામાં થયેલ જાનહાનિથી વધુ).

એક સંશોધનાત્મક અભ્યાસ પ્રમાણે વૅક્સિનેશનની શરૂઆત સાથે જ કોરોનાનો અંત આવી જાય એવું તો ન જ બને. વૅક્સિનેશનની શરૂઆત એટલે કોરોનાના વાઇરસના અંતની શરૂઆત. (બિગિનિંગ ઑફ એન એન્ડ). કુદરતી ચેપ લાગ્યા પછી કે વૅક્સિનેશનને કારણે મોટા ભાગની પુખ્ત વયની વસ્તીની ઇમ્યુનિટી વધી જાય પછી કોરોના વાઇરસની તેમના પર થનારી અસર ખૂબ ઓછી થવાની. કોરોના વાઇરસનો ખતરો સામાન્ય શરદી-કફના રોગ જેટલો ઓછો થઈ જવાનો. કાળક્રમે કોરોનાનું જોખમ પાંચ વરસનાં બાળકો પૂરતું સીમિત થઈ શકે અને તે પણ સામાન્ય રીતે પ્રચલિત અને સદાય ચાલતું હોય તેવું સ્થાનિક બની જવાનું, જેનાથી કોઈ ગંભીર બીમારી ન ફેલાઇ શકે, પણ આ જોખમ આવું સામાન્ય બનતા કેટલો સમય લાગે તેનો આધાર હજી પણ કોવિડ-19 કેટલી ઝડપે ફેલાય છે અને સામાન્ય લોકોનું રસીકરણ કેટલી ઝડપે થાય છે તેના પર છે.

ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ (આવી રસી માટે તે મંજૂર કરાય તે પહેલાં ત્રણ ક્લિનિકલ ટ્રાયલ ફરજિયાત છે) પૂરા થયા પહેલાં ભારત બાયોટેકની વૅક્સિન (કોવૅક્સિન)ને અપાયેલ મંજૂરીને કારણે તેની ઇફેક્ટીવનેસ બાબતે પ્રશ્ન ઊભો થયો છે. છત્તીસગઢના મુખ્ય પ્રધાને પોતાના રાજ્યમાં કોવૅક્સિનને પ્રવેશ નહીં આપવાની વાત પણ કરી છે. ચીન અને રશિયાની વૅક્સિનને આવા જ કારણોસર કેટલાક દેશોએ માન્યતા આપી નથી. સરકારે આને પોલિટિક્સમાં ખપાવીને તેની અવગણના ન કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ભારત બાયોટેકે પણ આ બાબતે વિશ્વમાં ચાલતી ‘બેસ્ટ પ્રેક્ટિસ’ના ધોરણો અપનાવવા જોઈએ. પ્રજાના સ્વાસ્થ્યનો સવાલ હોઈ તે બાબતે તેની પર કોઈ જબરદસ્તી લાદી શકાય નહીં. પૂરતી અને સાચી માહિતી હકીકતમાં પ્રજાનો રસી ઉત્પાદન કરતી કંપનીઓ પરનો અને સરકાર પરનો વિશ્વાસ વધારશે.

રહી વાત  અર્થતંત્રની. ઑકટોબર મહિને વધ્યા પછી નવેમ્બર મહિને ઔદ્યોગિક ઉત્પાદનનો ઇન્ડેક્સ લગભગ બે ટકા (૧.૯ ટકા) જેટલો ઘટ્યો છે. (ઑકટોબર ૨૦૨૦માં ૩.૬ ટકાનો વધારો અને નવેમ્બર ૨૦૧૯માં ૨.૧ ટકાનો વધારો). માઇનિંગના ઇન્ડેક્સમાં ૭.૩ ટકાનો અને મૅન્યુફૅક્ચરિંગના ઇન્ડેકસમાં ૧.૭ ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બર મહિને કોર સૅકટરના ઇન્ડેક્સમાં ઘટાડો થયો હોઈ ઔદ્યોગિક ઉત્પાદનનો ઘટાડો અપેક્ષિત હતો.

કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બર ૨૦૨૦માં ૪.૬ ટકા જેટલો વધ્યો છે. (નવેમ્બર મહિને ૬.૯ ટકાનો અને ડિસેમ્બર ૨૦૧૯માં ૭.૪ ટકાનો વધારો). આ વધારો છેલ્લા ૧૫ મહિનાનો સૌથી નીચો છે. આ નીચો વધારો મુખ્યત્વે શાકભાજીના ભાવોમાં થયેલ મોટા ઘટાડાને (૧૦.૪ ટકા) આભારી છે. આમ માર્ચ ૨૦૨૦ પછી પ્રથમવાર ડિસેમ્બરનો ભાવવધારો રિઝર્વ બૅન્કની મૉનેટરી પૉલિસી કમિટીની ઉપરની છ ટકા (ચાર ટકા પ્લસ, માઇનસ બે ટકા)ની મર્યાદામાં રહ્યો છે.

જાન્યુઆરી ૨૦૨૧માં ખાદ્યચીજો (ખાસ કરીને ખાવાનું તેલ અને અન્ય નોન-પેરિશેબલ ખાદ્યચીજો)ના ભાવના ઘટાડાને કારણે ઓવરઓલ ભાવાંક  ઘટવાની સંભાવના છે, પણ આ ઘટાડો કામચલાઉ નીવડી શકે. ફિસ્કલ ૨૦૨૨ના પૂર્વાર્ધ (એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૨૧)માં બેઇઝ ઇફેક્ટને કારણે ઓવરઓલ ભાવાંક ઉપર જઈ શકે. ક્રૂડ ઑઇલના સતત વધતા ભાવ અને પેટ્રોલિયમ પ્રોડક્ટસના છૂટક ભાવમાં એનું ત્વરિત રૂપાંતર થતું હોવાને કારણે પણ આ ભાવ વધતા રહે તો નવાઇ નહીં. કદાચ એ કારણે રિઝર્વ બૅન્ક ફેબ્રુઆરી ૨૦૨૧ની મૉનેટરી પૉલિસીની જાહેરાતમાં પૉલિસીના દર યથાવત્ જાળવી રાખે તેવી સંભાવના વધી છે.

જથ્થાબંધ ભાવાંક ડિસેમ્બર મહિને ૧.૨ ટકા જેટલો વધ્યો છે (નવેમ્બરમાં ૧.૬ ટકાનો અને ડિસેમ્બર ૨૦૧૯માં ૨.૮ ટકાનો વધારો).

જપાનીઝ ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક નોમુરાનો નોમુરા ઇન્ડિયા મન્થ્લી અૅક્ટિવિટી ઇન્ડેકસ (જેમાં ૧૯ મેક્રો ઇકૉનૉમિક પેરામિટર્સનો સમાવેશ થાય છે) ડિસેમ્બર મહિને વધ્યો છે. આ ઇન્ડેકસ એમ પણ સૂચવે છે કે ડિસેમ્બર ક્વૉર્ટરમાં ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેનો ગેપ ઘટ્યો છે.

૨૦૨૧ની શરૂઆતમાં પહેલા ક્વૉર્ટરના ટૂંકા ગાળામાં ભાવાંક નબળા રહેવાને કારણે પણ આર્થિક વિકાસનો દર વધવાની સંભાવના ઊજળી થઈ છે.

સ્વાભાવિક રીતે જ આર્થિક વિકાસના દરનો ઝડપી વધારો એ આવતે મહિને રજૂ થનાર ૨૦૨૧-૨૨ના અંદાજપત્રનો અગ્રક્રમ રહેવાનો.

સરકાર દ્વારા ફાઇનૅન્સ કરાતા  અને સરકાર દ્વારા ગેરંટી અપાતા મૂડીરોકાણનો અન્ય અસરકારક વિકલ્પ બીજો કયો હોઈ શકે? એટલે અંદાજપત્રમાં આવા કેપિટલ ખર્ચ વધારીને માળખાકીય સવલતો માટેના પ્રોજેક્ટો પૂરા કરવા પર ભાર અપાશે.

વિશ્વમાં અનેક દેશોની સરકારોએ મળીને ૧૨ ટ્રિલ્યન ડૉલર જેટલા રાહતના પૅકેજો જાહેર કર્યા છે. એમાંના અડધા વધારાના ખર્ચ રૂપે (ફિસ્કલ ડેફિસિટ વધારીને) અને અડધા રોકડ નાણાં (લિક્વિડીટી)ની ઉપલબ્ધિ વધારીને રોકાણ કરાશે. રાહતના કુલ પૅકેજો આ દેશોના કુલ જીડીપીના ૧૩ ટકા જેટલા થાય છે.

કેન્દ્ર સરકાર આ વધારાનો ખર્ચ નહીં કરે તો નાણાકીય ભીડ હેઠળની કેટલીયે કંપનીઓ બૅન્કોની લોન પરત કરવામાં નિષ્ફળ જશે. જે દેશની, ખાસ કરીને સરકારી બૅન્કોની એનપીએમાં વધારો કરશે.

ક્રેડિટ રેટિંગ એજન્સીઓના પ્રતિભાવની પરવા કર્યા સિવાય સરકાર ઉત્પાદક અને ગુણવત્તાવાળા મૂડીરોકાણ માટેના ખર્ચમાં વધારો કરશે તો તે થકી વધનારા આર્થિક વિકાસના દરને કારણે થનાર જીડીપીનો વધારો ડેબ્ટ-જીડીપી (દેવું અને રાષ્ટ્રીય આવક)ના ગુણોત્તરના ઘટાડામાં પરિણમશે.  ૭૨ ટકા જેટલો અત્યારનો આ રેશિયો ઘણા દેશો કરતાં નીચો છે, તે હજી પણ નીચો જાય તો આપણી મૂડીરોકાણ માટે દેવું વધારવાની ક્ષમતા વધશે.

આ વિદેશી મૂડીરોકાણનો ઉપયોગ જુદી જુદી અસ્કયામતો (પ્રોપર્ટી, સોનું-ચાંદી અને ઇક્વિટી)ના ભાવ વધે એ માટે કરવાને બદલે માળખાકીય સવલતો માટેના પ્રોજેક્ટોની સંખ્યા અને ગુણવત્તા વધારવામાં કરાશે તો દેશમાં નવી રોજગારીનું ઝડપી સર્જન થશે જે દેશની મોટા ભાગની સમસ્યાઓ ઉકેલવાનો રામબાણ ઉપાય છે.

મૂડીરોકાણકારો કોરોનાની મહામારી પછી માત્ર સસ્તા અને કુશળ કારીગરો જ નહીં પણ તન અને મનના સ્વસ્થ કારીગરો પસંદ કરશે. ભૂતકાળમાં દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ખાનગી ક્ષેત્રની કાર્યક્ષમ સેવાઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની આવી સેવાઓ જેવી જ ઉત્તમ હોવાથી અને વિકસિત દેશોની સરખામણીએ વાજબી ભાવે ઉપલબ્ધ હોવાથી જાહેર ક્ષેત્રે આવી સેવાઓ વિકસાવવાની તકેદારી ઓછી રહી છે. વર્તમાન મહામારીએ એ પુરવાર કર્યું છે કે ખાનગી ક્ષેત્રની સ્વાસ્થ્ય અંગેની આવી  સેવાઓ જાહેર ક્ષેત્રની આવી નબળી સેવાઓનો વિકલ્પ ન બની શકે. રોજગારીના સર્જન દ્વારા અપાતો આવકનો ટેકો અને લોકોના સ્વાસ્થ્ય અંગે જાહેર ક્ષેત્રની વિશેષ તકેદારી હવે આવતી કાલના કે મધ્યમ ગાળાના પ્રશ્નો નથી રહ્યા, તે હવે આપણી આજની તાતી સમસ્યા છે. આ અંગે ભૂતકાળમાં કરાયેલ ઉપેક્ષા ઓછી કરીને અને વધુ  સજાગ બનીને જ આપણી અનેક સમસ્યાઓનું નિવારણ આપણે કરી શકીશું.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

business news