09 February, 2026 08:57 AM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બજેટે પ્રથમ દિવસે જ શૅરબજારને નિરાશ કર્યા બાદ ટ્રમ્પની ટૅરિફ વિશેની જાહેરાતને પગલે માર્કેટનાં સમીકરણો બદલાઈ ગયાં હતાં. બજારમાં કડાકાનું સ્થાન કૂદકાઓએ લીધું હતું, પરંતુ એ પણ એકાદ દિવસમાં પૂરું થઈ ગયું અને બજાર ફરી અમેરિકા-ભારત વચ્ચેના વેપાર-કરાર એક્ઝેક્ટ્લી શું થાય છે એના પર દૃષ્ટિ રાખવા બેસી ગયું. દરમ્યાન રિઝર્વ બૅન્કે એની પૉલિસી જાહેરાતમાં ઇકૉનૉમીમાં વિશ્વાસ વ્યક્ત કરીને એકંદરે બજારને રિકવરી માટે કારણ આપ્યું હતું.
બજેટના દિવસે જબ્બર કડાકો અને ટ્રમ્પની જાહેરાતને દિવસે સૉલિડ ઉછાળો જોયા બાદ શૅરબજાર કોને ક્યારે ફૉલો કરે એ સમજવું અઘરું હોવાનો તાજો પુરાવો જોવા મળ્યો છે. શું ટ્રમ્પ ભારતના બજેટની રાહ જોઈ રહ્યા હતા એવો સવાલ પણ થાય તો બીજી બાજુ એવું પણ કહેવાય કે યુરોપ સાથે ભારતે કરાર કર્યા (મધર ઑફ ડીલ) કે ટ્રમ્પને ઝટકો લાગ્યો અને તેમણે તરત જ પોતાની ટૅરિફની જાહેરાત કરી દીધી છે. યાદ રહે, આ ડીલનું પૂર્ણ પિક્ચર ક્લિયર થયું નથી.
૧ ફેબ્રુઆરીના બજેટથી ખફા થયેલા બજારે ઇન્ડેક્સ અને સ્ટૉક્સના ભાવોમાં ગાબડાં પાડી દીધાં હતાં, રોકાણકારોની આશરે ૧૦ લાખ કરોડ રૂપિયાની મૂડીનું ધોવાણ એક જ દિવસમાં થઈ ગયું હતું. બીજા દિવસે ટ્રમ્પની ટૅરિફસંબંધી જાહેરાત આવી અને બજાર મોટે પાયે રિકવર થઈ ગયું, ત્રીજા દિવસે ફરી વૉલેટિલિટી, પછી પ્રૉફિટ-બુકિંગ સહિતના કારણસર કરેક્શન અને ધોવાણ આગળ ચાલ્યું. હવે રોકાણકારો ખુદ જ વિચારે કે ઉપરાઉપરી બનેલી બે મોટી ઘટના અને એની અસરોમાં બજારે કેવું વલણ બદલી નાખ્યું, જો આવામાં પૅનિકમાં આવીને લોકો વેચવા દોડી જાય તો શું થાય અને ઉત્સાહમાં આવી ખરીદવા માંડે તો શું થાય? કઈ બાબત બજારને ઊંચે લઈ જાય છે અને કઈ બાબત બજારને નીચે પટકી દે છે એ કલાકોમાં જ બદલાઈ જાય ત્યારે કયા અને કોના આધારે સાચો નિર્ણય લઈ શકાય? એટલે જ ડાહ્યા લોકો કાયમ કહેતા રહે છે કે શૅરબજારનું રોકાણ લાંબા ગાળામાં જ ભલું, બાકી ટૂંકા ગાળામાં ભરોસા વિનાનું.
ભારતે યુરોપિયન યુનિયન સાથે બિગ ટ્રેડ ડીલ કર્યા બાદ ટ્રમ્પને સમજાયું હોઈ શકે કે ભારત બીજાં બજારો તરફ ઝડપથી વળવા લાગ્યું છે અને અન્ય દેશોને ભારતની જરૂર પણ છે. બીજું, ટ્રમ્પે મિયાં ગિરે પર ટંગડી ઊંચી રાખીને એવી જાહેરાત પણ કરી કે ભારતે રશિયા પાસેથી તેલ નહીં ખરીદે એમ કહ્યું હોવાથી અમેરિકા વેપાર-કરાર માટે તૈયાર થયું છે. ટ્રમ્પ પોતે પણ નમ્યા છે, પર્ંતુ બતાવવા એમ માગે છે કે ભારત ઝૂકી ગયું છે. હજી પણ જ્યાં સુધી અમેરિકા સાથે ફાઇનલ કરાર ન થાય ત્યાં સુધી ટ્રમ્પ ક્યારે પલટી મારે એ પાક્કું કહેવાય નહીં, કારણ કે કૃષિ સહિતની ચોક્કસ બાબતે ટ્રમ્પની શરતો ભારતમાં તકલીફ ઊભી કરી શકે છે. ઇન શૉર્ટ, હજી આ બે દેશ વચ્ચે વેપાર-કરાર બાબતે કેટલાક સંવેદનશીલ મુદા બાકી છે ત્યાં સુધી વેઇટ ઍન્ડ વૉચમાં સાર રહેશે. આ માટે માર્ચના અંત સુધી રાહ જોવી રહી.
બજેટની એક જાહેરાત બહુ જ નાની દેખાય છે, પરંતુ લાંબે ગાળે મોટી બને એવી છે. બજેટે વિદેશી વ્યકિતગત-રીટેલ રોકાણકારોને ભારતીય બજારની ઇક્વિટીમાં સીધું રોકાણ કરવાની મંજૂરી આપી છે જે પીએમએસ મારફત પણ થઈ શકશે. આમ વિદેશોમાંથી વ્યક્તિગત-રીટેલ રોકાણકારોને ભારતમાં સીધું ઇક્વિટી રોકાણ કરવાની તક-સુવિધા પહેલી વાર મળી રહી છે, જેથી આ માર્ગે શૅરબજારમાં ધીમી ગતિએ રોકાણ-પ્રવાહ આવવાનો શરૂ થશે જે લાંબે ગાળે મોટો થતો જશે એવી આશા ચોક્કસ રાખી શકાય. હાલ તો FII સતત કે ભારે પ્રમાણમાં વેચે કે આપણું બજાર નીચે બેસી જાય છે એવું તેમના પર નિર્ભર છે. જોકે વિદેશી રીટેલ રોકાણકારો લાંબી રેસના ઘોડા ગણાય એથી સમય પણ લાંબો લેશે.
આ ઉપરાંત બજેટમાં વિદેશી કંપનીઓને ડેટા સેન્ટર, ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટર (GCC) સ્થાપવા માટે આકર્ષવા આગામી બાવીસ વર્ષ માટે ટૅક્સ-હૉલિડે ઑફર કરી છે. આટલા લાંબા ગાળાની ટૅક્સ-રાહત બહુ ઓછા કિસ્સામાં અપાય છે. આ રાહત આપવાનો ઉદેશ પણ મોટો છે, વિદેશી કંપનીઓ અહીં ડેટા સેન્ટર્સ, AIનો ઉપયોગ અને GCC સ્થાપિત કરશે એ ભારતમાં રોજગાર-સર્જન અને ટૅલન્ટ માટે તકો ઊભી કરવાનું મજબૂત માધ્યમ બને એવું છે. આ માર્ગે વિદેશી રોકાણ પણ આવશે અને ભારત આ માટેનું હબ પણ બનતું જશે જે યુવાનોમાં જૉબ ક્રીએશનનું મહત્ત્વનું માધ્યમ બનશે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ગ્લોબલ કંપનીઓ આવાં સેન્ટર્સ માટે ચીન કરતાં ભારતને વધુ પસંદ કરશે.
રોકાણકારોએ હવે સેક્ટર-સ્પેસિફિક અભ્યાસ કરી કે જાણીને ફન્ડામેન્ટલ્સ આધારિત રોકાણનો પ્લાન કરવો જોઈશે. અન્યથા ટૅરિફ-સમસ્યાના ઉકેલ અને બજેટની લાંબા ગાળાની સંભવિત અસરોને લઈને આડેધડ ભાવો વધશે તેમ જ અફવાઓ દ્વારા વધારાશે, લોકોને ફસાવવા અથવા ઊંચા ભાવે ભેરવવામાં આવશે. વેપાર-ડીલની અસર કયા સેક્ટર પર કઈ રીતે અને કેવી થશે એ સમજીને સેક્ટર-સ્પેસિફિક રોકાણ વિચારવું જોઈએ, નાના રોકાણકારોએ તો મ્યુચ્યુઅલ ફન્ડ્સના માર્ગે જ રહેવામાં શાણપણ છે અથવા સ્ટૉક-સ્પેસિફિક રહી લૉન્ગ ટર્મ રોકાણ કરવામાં જ ડહાપણ રહેશે. સોના-ચાંદીના ભાવોએ એનાં તેવર બતાવી દીધાં છે. ઇક્વિટી કરતાં આને વધુ મહત્ત્વ આપવા લાગેલા રોકાણકારો હવે મૂંઝાયા છે. બોધપાઠ એ છે કે લાંબે ગાળે ઇક્વિટી જ ઉત્તમ ઍસેટ ગણાય. સોના-ચાંદીના આડેધડ ભાવ વધવાથી એ કાયમ માટે રોકાણનું સાધન બની જતું નથી કે એમાં એક્સપોઝર વધારી દેવાય નહીં.
ગયા સપ્તાહના અંતિમ દિવસે-શુક્રવારે બજાર નેગેટિવ રહીને અંતે રિકવરી સાથે પૉઝિટિવ બંધ રહ્યું હતું. આમ હાલ તો બજાર પર બજેટની અને ટ્રમ્પની ટૂંકા ગાળાની અસર પૂરી થઈ ગણાય. રિઝર્વ બૅન્કે એની જાહેરાતમાં અર્થતંત્રની ગતિમાં વિશ્વાસ જાળવી રાખ્યો છે જે માર્કેટ માટે પૉઝિટિવ સંકેત કહેવાય. ગ્રોથ માટે આશાવાદ અકબંધ છે. એમએસએમઇના માઇક્રો, સ્મૉલ અને મીડિયમ સેક્ટરને ધિરાણ-સુવિધા બાબતે ઉદાર વલણના અભિગમે પણ આવકાર મેળવ્યો છે. ડિજિટલ-ઑનલાઇન ફ્રૉડના મામલે રિઝર્વ બૅન્કે છેતરપિંડીનો ભોગ બનનારને ૨૫,૦૦૦ રૂપિયાનું કમ્પેન્સેશન જાહેર કર્યું હોવાની બાબત પણ આવકારપાત્ર બની છે. બજારને બજેટ અને ટ્રમ્પની જાહેરાત બાદ તાત્પૂરતી સ્થિરતા મળી કહી શકાય. ઇકૉનૉમી અને માર્કેટ માટે રિઝર્વ બૅન્કની પૉલિસી અને નિવેદન મહત્ત્વનાં ગણાય એ યાદ રાખવું.
SEBIના ચૅરમૅન તુહિન કાંતા પાન્ડેએ કહ્યું હતું કે નિયમન સંસ્થા ડેરિવેટિવ્ઝ સેગમેન્ટના મામલે હાલ કોઈ ફેરફાર કરવાનું વિચારતી નથી. બજેટમાં નાણાપ્રધાને ફ્યુચર્સ અને ઑપ્શન્સ ટ્રેડિંગ પર સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ (STT) વધારી દીધા બાદ તેમણે આ નિવેદન કર્યું છે. આ ટૅક્સ-વૃદ્ધિને કારણે જ બજેટના દિવસે માર્કેટ તૂટ્યું હોવાની ચર્ચા હતી.
રિઝર્વ બૅન્કે ૨૫,૦૦૦ રૂપિયા સુધીના ઑનલાઇન ફ્રૉડનો ભોગ બનનાર ગ્રાહકોને કમ્પેન્સેશન આપવાની જાહેરાત કરી છે તેમ જ રીટેલ ગ્રાહકોને પર્યાપ્ત પારદર્શકતા વિના ગૂંચવણભરી પ્રોડક્ટ્સનું મિસ-સેલિંગ કરવા સામે ચેતવણી આપી છે. RBIએ રિકવરી પ્રૅક્ટિસ સામે પણ લાલ આંખ કરી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને પરિણામે IT કંપનીઓના કામકાજને અસર થવાની સંભાવના વધી રહી હોવાના અહેવાલને કારણે IT સ્ટૉક્સમાં કરેક્શન આવ્યું છે જે માર્કેટ માટે અને IT કંપનીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
ફન્ડ મૅનેજર્સના મતે આ સમયમાં હવે રોકાણકારોએ લાર્જકૅપ તેમ જ હાઈ બ્રિડ ફન્ડમાં રોકાણ વધારવું જોઈએ. આ સાથે ગ્લોબલ એક્સપોઝર પણ લેવું જોઈએ.
વિશેષ ટિપ: શૅરબજારમાંથી અનિશ્ચિતતા ક્યારેય અદૃશ્ય થતી નથી. આપણને એનો અંદાજ ન આવે એ જુદી વાત છે, એટલે જ રોકાણકારોએ ધીરજ સાથે વિશ્વાસ રાખીને નિર્ણય લેવામાં શાણપણ ગણાય.