હવે BSNLનો વારો, 1.7 લાખ કર્મચારીઓને નહીં મળે પગાર

24 June, 2019 08:05 PM IST  |  દિલ્હી

હવે BSNLનો વારો, 1.7 લાખ કર્મચારીઓને નહીં મળે પગાર

જેટ એરવેઝ બાદ હવે સરકારી કંપની BSNL પર સંકટ તોળાઈ રહ્યું છે. જેટ એરવેઝ ગ્રાઉન્ડેડ થયા પહેલા તેના હજારો કર્મચારીઓને પગાર નહીં મળવાની બૂમરાણ હતી, આવું જ કંઈક BSNLના કર્મચારીઓ સાથે થતું જોવા મળી રહ્યું છે. ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે કે BSNLએે સરકારને રજૂઆત કરી છે કે કંપની પાસે પૈસા નથી, પરિણામે કર્મચારીઓને જૂનનો 850 કરોડનો પગાર ચૂકવવો મુશ્કેલ છે.

55 ટકા રકમ પગાર ચૂકવવામાં જાય છે

ઉલ્લેખનીય છે કે BSNLની આવકની 55 ટકા રકમ પગાર ચૂકવવામાં જાય છે, કંપનીનું પગાર બિલ વાર્ષિક 8 ટકાના દરે વધે છે, જ્યારે આવક કેટલાય વર્ષોથી સ્થિર છે. જેને કારણે હવે BSNLના કર્મચારીઓએ ભોગ બનવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 3 મહિના પહેલા BSNLની આર્થિક સ્થિતિની સમીક્ષા કરી હતી. જેમાં કંપનીના ચેરમેને વડાપ્રધાન મોદી સામે પ્રેઝન્ટેશન રજૂ કરીને મુશ્કેલી દર્શાવી હતી. જો કે હજી સુધી આ મામલે કોઈ ઉકેલ આવ્યો નથી.

સૌથી વધુ ખોટ કરનાર કંપની

મહત્વની વાત એ છે કે નિષ્ણાતોના મતે BSNL દેશની સૌથી વધુ ખોટ કરનાર કંપનીઓમાંની એક છે. બ્રોકરેજ હાઉસના રિપોર્ટ પ્રમાણે BSNLએ ડિસેમ્બરે2018ના અંત સુધીમાં 90,000 કરોડ રુપિયાથી વધુની ખોટ કરી છે. MTNLમાં પણ પરિસ્થિતિ કથળી છે. MTNLમાં આવકની સામે પગારનો ગુણોત્તર 90 ટકા સુધી પહોંચ્યો છે, BSNLમાં આ ગુણોત્તર 70 ટકા સુધીનો છે. MTNL પર પણ 20 હજાર કરોડનું દેવું છે, જ્યારે તેની આવક માત્ર 2700 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચોઃ જો તમારી પાસે આધાર કાર્ડ છે, તો તમે જીતી શકો છો 30 હજાર રૂપિયા

13 હજાર કરોડનું દેવુ

BSNLની વાત કરીએ તો કંપની પર 13 હજાર કરોડનું દેવુ છે, જ્યારે કંપનીની વાર્ષિક આવક 32 હજાર કરોડ રૂપિયા છે. એક અંદાજ પ્રમાણે 5 થી 6 વર્ષમાં MTNLના 16,000 કર્મચારી અને BSNL ના લગભગ અડધા કર્મચારી નિવૃત્ત થઈ જશે.

bsnl business news