બીએસઈનું શૅરદીઠ ૧૭ રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ

23 May, 2020 02:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએસઈનું શૅરદીઠ ૧૭ રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ

પ્રતિકાત્મક તસવીર

એશિયાના સૌથી જૂના અને હવે વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ બીએસઈએ નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦ માટે એના બે રૂપિયાની મૂળ કિંમતના શૅરદીઠ ૧૭ રૂપિયાના અંતિમ ડિવિડંડની ભલામણ કરી છે. બીએસઈએ તેની ૩૧ માર્ચ ૨૦૨૦ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાની કામગીરી જાહેર કરી છે, જે મુજબ ક્વૉર્ટરના અંતે ચોખ્ખો નફો (નોન-રિકરિંગ અને અસામાન્ય આઇટમ્સ સિવાય) આગલા ત્રિમાસિક ગાળાના ૧૦.૫૪ કરોડ રૂપિયાથી ૯૨ ટકા વધીને ૨૦.૨૪ કરોડ રૂપિયા થયો છે.

કૉન્સોલિડેટેડ કુલ આવક આગલા ત્રિમાસિક ગાળા (ક્યુ-૩)ના ૧૪૮.૬૬ કરોડ રૂપિયાથી પાંચ ટકા વધીને ૧૫૫.૭૯ કરોડ રૂપિયા થઈ છે. જો કે આ ગાળા દરમ્યાન કામકાજની કૉન્સોલિડેટેડ આવક આગલા ત્રિમાસિક ગાળાના ૧૦૯.૯૨ કરોડથી નવ ટકા વધીને ૧૧૯.૫૬ કરોડ અને સ્ટેન્ડ અલોન આવક આગલા ત્રિમાસિક ગાળાની તુલનાએ ૭ ટકા વધીને ૯૯.૫૩ કરોડ થઈ છે.

ત્રિમાસિક કામગીરીની સમીક્ષા કરતાં બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું, ‘બીએસઈના ઇન્ટરનૅશનલ એક્સચેન્જ ઇન્ડિયા આઇએનએક્સમાં રૂપી બેઝ્ડ કરન્સી ડેરિવેટિવ્ઝ લોન્ચ કરાયાને પગલે ઇન્ડિયા આઇએનએક્સમાં મુખ્ય કરન્સીઝના ટ્રેડિંગનો સંપૂર્ણ બુકે ઉપલબ્ધ થયો છે. ઇન્ડિયા આઇએનએક્સના પ્રારંભથી અત્યાર સુધીમાં ૮૨૨ અબજ યુએસ ડૉલરનું ટ્રેડિંગ થયું છે એ જોતાં આગામી સમયમાં ઘણા સહભાગીઓ આઇએફએસસી પ્રતિ આકર્ષાશે અને ઇન્ડિયા આઇએનએક્સ વિશ્વભરના ખેલાડીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું પસંદગીનું કેન્દ્ર બની રહેશે.’

business news bombay stock exchange