નાણાકીય વર્ષ 2019-20માં શૅરબજારમાં લગભગ 15 ટકા વળતર છૂટવાની સંભાવના

08 April, 2019 11:59 AM IST  |  | બ્રોકર-કૉર્નર - દેવેન ચોકસી

નાણાકીય વર્ષ 2019-20માં શૅરબજારમાં લગભગ 15 ટકા વળતર છૂટવાની સંભાવના

શૅર માર્કેટ

ગયા મહિને ભારતીય શૅરબજારમાં ૫થી ૬ ટકાનો ઉછાળો આવ્યો હતો. સ્કાયમેટ વેધશાળાએ ભારતમાં ચોમાસું નબળું રહેવાનો અહેવાલ આપ્યો તેને પગલે બે દિવસ બજાર પણ નબળું રહ્યું હતું, પરંતુ ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થિરતા આવી હતી.

દેશના અર્થતંત્રની વૃદ્ધિ ધીમી ગતિએ થઈ રહી છે. મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્રનો ઇન્ડેક્સ છ મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યો છે. રિઝર્વ બૅન્કે પણ વૃદ્ધિને તેજી આપવા માટે ધિરાણના નીતિવિષયક વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો છે. તેણે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશનો વૃદ્ધિદર વર્તમાન નાણાકીય વર્ષમાં ૭.૨ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ, તેણે ૭.૪ ટકાનો અંદાજ આપ્યો હતો.

દરમ્યાન, સર્વોચ્ચ અદાલતે બૅન્કોની ડેટને લગતી સમસ્યાના હલ માટે રિઝર્વ બૅન્ક દ્વારા બહાર પડાયેલા પરિપત્રને રદ કર્યો છે, પરંતુ કેન્દ્રીય બૅન્ક બીજો કોઈ રસ્તો કરશે એવું જણાય છે.

વૈશ્વિક વહેણ

ચીન અને અમેરિકા વચ્ચે વેપારયુદ્ધની સ્થિતિ હળવી કરવા માટે સતત વાટાઘાટો થઈ રહી છે. હવે એમાં પ્રગતિ થતાં આગામી એક મહિનાની અંદર વેપાર કરાર કરવામાં આવે એવું શક્ય છે. તેમની આ હિલચાલ તથા ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત્ રાખવાનું જાહેર કર્યું એને કારણે ભારતીય શૅરબજાર પર સાનુકૂળ અસર થઈ છે. ચીન અને અમેરિકા વચ્ચે ફરીથી વેપારસંબંધી આશા જાગી હોવાથી બ્લુચિપ સ્ટૉક્સમાં આ વર્ષે ૨૭ ટકા કરતાં વધુ વૃદ્ધિ થઈ છે.

ક્ષેત્રવાર અંદાજ

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી : ગાર્ટનર રિસર્ચના અહેવાલ અનુસાર વૈશ્વિક સ્તરે વર્ષ 20૧૯માં ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પાછળ લગભગ ૩.૮ ટ્રિલ્યન ડૉલરનો ખર્ચ થવાની ધારણા છે. વિfવભરમાં કંપનીઓ હવે અદ્યતન તંત્રજ્ઞાન વાપરવા લાગી છે. ઇન્ટરનેટ ઑફ થિંગ્સ અને ક્લાઉડ આધારિત એન્ટરપ્રાઇઝ ઍપ્લિકેશન સૉફ્ટવેરનું ચલણ વધ્યું છે. આથી આગામી સમયમાં કંપનીઓનો ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પાછળનો ખર્ચ વધવાનું અનુમાન છે.

હાલના બિઝનેસ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી પર આધારિત થવા લાગ્યા છે. આ ક્ષેત્રમાં એકંદરે સ્થિરતા રહેશે. મોટાં અને નવાં રોકાણો બાબતે અનિશ્ચિતતા છે. જોકે, ટેક્નૉલૉજીમાં ઘણી પ્રગતિ થવાની છે.

ભાવિ દિશા

વર્તમાન કૅલેન્ડર વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૧૭ ટકા અને ૧૫ ટકા વધ્યા છે. એમાંથી લગભગ ૭ ટકા વૃદ્ધિ એકલા માર્ચ મહિનામાં થઈ છે. નજીકના સમયમાં જો વૈશ્વિક અર્થતંત્ર અને લોકસભાની ચૂંટણીના પરિણામમાં પ્રતિકૂળ વાતાવરણ સર્જા‍શે તો જ બજારમાં આંચકા લાગશે. લાંબા ગાળાની વાત કરીએ તો, નાણાકીય વર્ષ 20૧૯-20માં શૅરબજારમાં લગભગ ૧૫ ટકા વળતર છૂટવાની સંભાવના છે. તેનું એક કારણ કંપનીઓની આવકમાં થનારી વૃદ્ધિ હશે.

આ પણ વાંચો : તમને કેવી રીતે મદદ કરી શકે છે નિયમિત બચત?

રિઝર્વ બૅન્કે ઘટાડેલા વ્યાજદર, બૅન્કોની પ્રવાહિતાની સ્થિતિમાં સુધારો, રૂપિયાના મૂલ્યમાં સુધારો તથા બૅન્કોની બૅડ લોન માટેના પ્રોવિઝનિંગની સમાપ્તિ એ બધાં પરિબળોને પગલે ભારતીય બજારોમાં વધુ રોકાણ આવવાની શક્યતા છે.

(લેખક કે. આર. ચોકસી શૅર્સ ઍન્ડ સિક્યૉરિટીઝના મૅનેજિંગ ડિરેક્ટર છે)

sensex bombay stock exchange