બ્રિટનનું ઇન્ફ્લેશન નવેસરથી ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ઘટ્યા મથાળેથી વધારો

23 June, 2022 05:04 PM IST  |  Mumbai | Mayur Mehta

બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે છ મહિનામાં પાંચ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ પણ ઇન્ફ્લેશનમાં વધારો

પ્રતીકાત્મક તસવીર

બ્રિટનનું ઇન્ફ્લેશન નવેસરથી ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ઘટ્યા મથાળેથી વધારો જોવા મળ્યો હતો. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બરથી અત્યાર સુધીમાં પાંચ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા છતાં ઇન્ફ્લેશન બેકાબૂ હોવાથી સોનામાં ઘટાડો અટક્યો નહોતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૪૧ રૂપિયા વધ્યું હતું. જોકે ચાંદી પ્રતિ કિલો ૩૩૩ રૂપિયા ઘટી હતી.  

વિદેશી પ્રવાહ 
અમેરિકી ડૉલરની મજબૂતીને કારણે સોનું વર્લ્ડ માર્કેટમાં સતત ચોથા સેશનમાં બુધવારે સવારે ઘટતું રહ્યું હતું. બુધવારે બ્રિટનના મે મહિનાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થયા હતા જેમાં ઇન્ફ્લેશન વધીને ૯.૧ ટકા આવતાં સોનામાં નવેસરથી લેવાલી નીકળી હતી. તાજેતરમાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પાંચમી વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા હોવા છતાં ઇન્ફ્લેશન ઘટવાને બદલે વધતાં સોનામાં લેવાલી વધી હતી. જોકે ડૉલરની મજબૂતીને કારણે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
બ્રિટનનું ઇન્ફ્લેશન મે મહિનામાં વધીને નવી ૪૦ વર્ષની ઊંચાઈએ ૯.૧ ટકાએ પહોંચ્યું હતું જે એપ્રિલ મહિનામાં નવ ટકા હતું. બ્રિટનનું ઇન્ફ્લેશન ઘટાડવા બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ડિસેમ્બરથી અત્યાર સુધીમાં પાંચ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા છે છતાં ઇન્ફ્લેશન સતત વધી રહ્યું છે. અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ મેમાં ૩.૪ ટકા ઘટ્યું હતું જે સતત ચોથા મહિને ઘટાડો હતો અને એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ૨૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં આક્રમક વધારો થઈ રહ્યો હોવાથી એની અસરે મૉર્ગેજ રેટ સતત વધી રહ્યા હોવાથી ઘર ખરીદવાની પ્રક્રિયામાં મોટો ઘટાડો નોંધાયો છે, એની અસર હોમસેલ્સ પર પડી રહી છે. બ્રિટનમાં ફૅક્ટરી ઑર્ડરનો ઇન્ડેક્સ જૂનમાં ઘટીને ૧૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૨૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૨૨ પૉઇન્ટની હતી. યુરો એરિયાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ એપ્રિલને અંતે ૫.૪ અબજ યુરોએ પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૩૨.૩ અબજ યુરોની સરપ્લસ હતી. આમ, યુરો એરિયાનું કરન્ટ અકાઉન્ટ સ્ટેટ્સ સરપ્લસમાંથી ડેફિસિટમાં ગયું છે. પોલૅન્ડનું ઇન્ફ્લેશન મે મહિનામાં વધીને ૨૭ વર્ષની ઊંચાઈએ ૨૪.૭ ટકાએ પહોંચ્યું હતું જે એપ્રિલમાં ૨૪.૧ ટકા હતું અને માર્કેટની ધારણા ૨૪.૮ ટકાની હતી. અમેરિકામાં જૉબમાર્કેટ બાદ હવે હાઉસિંગ માર્કેટમાં પણ ઇન્ટરેસ્ટ રેટ વધારાની અસર જોવા મળી રહી છે. આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારાને પગલે દરેક સેક્ટર ધીમે-ધીમે મંદી તરફ સરકી રહ્યો છે, જેને કારણે સોનામાં લૉન્ગ ટર્મ ખરીદીનું આકર્ષણ વધશે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
કાળઝાળ મોંઘવારીથી પ્રજાને બચાવવા હાલ દુનિયાની દરેક સરકાર રાત-દિવસ એક કરી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે સતત લંબાઈ રહેલા યુદ્ધને કારણે ક્રૂડ તેલ, નૅચરલ ગૅસ સહિતની એનર્જી સપ્લાય હજી વધુ તૂટવાની શક્યતા છે. એમાં વળી અમેરિકાએ રશિયાને ભીડવવા નવેસરથી પ્રયત્નો શરૂ કરતાં આગામી દિવસોમાં મોંઘવારી વધશે એ નક્કી છે. અમેરિકન પબ્લિકમાં મોંઘવારી સામે વિરોધ વધી રહ્યો હોવાથી બાઇડન અને ફેડ બંને મોંઘવારીને ઘટાડવા શ્રેણીબદ્ધ મીટિંગ કરીને રસ્તો શોધવા પ્રયત્નશીલ છે. પ્રેસિડન્ટ બાઇડને અમેરિકાની ટૉપ લેવલની સાત ઑઇલ કંપનીઓના વડાને તાબડતોડ બોલાવ્યા છે અને ટૂંક સમયમાં ગૅસોલીન (પેટ્રોલ) પરનો ટૅક્સ નાબૂદ કરવા કવાયત હાથ ધરી છે. અમેરિકામાં હાલ મોંઘવારી સાડીચાલીસ વર્ષની ઊંચાઈએ પહોંચી છે. ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસના ભાવ દર બીજે કે ત્રીજે દિવસે એકધારા વધી રહ્યા છે. રૉયટર્સ દ્વારા વિશ્વના ટૉપમોસ્ટ ઇકૉનૉમિસ્ટોને કરાયેલા સર્વેમાં એવું તારણ નીકળ્યું છે કે ફેડ જુલાઈમાં ૭૫ બેસિસ પૉઇન્ટ અને સપ્ટેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે. ત્યાર બાદ નવેમ્બર સુધી દરેક મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ વધારશે. ફેડરલ રિઝર્વે માર્ચમાં ૨૫ બેસિસ પૉઇન્ટ, મેમાં ૫૦ બેસિસ પૉઇન્ટ અને જૂનમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા છે જેને કારણે હાલ કરન્સી બાસ્કેટમાં ડૉલરનું મૂલ્ય ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું છે. ફેડ હજી વધુ ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો ડૉલર વધુ મજબૂત થશે. વળી બૅન્ક ઑફ જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ અને ઇઝી મૉનિટેરી પૉલિસીનું સ્ટૅન્ડ કાયમ રાખ્યું હોવાથી ડૉલરની તેજીને જૅપનીઝ યેનની નબળાઈનો પૂરેપૂરો ટેકો મળશે. આ સ્થિતિમાં સોનું ડૉલરની મજબૂતીને કારણે ઘટશે અને ઇન્ફ્લેશનના વધારાને કારણે ફરી વધશે જે બ્રિટનના ઇન્ફ્લેશનના ડેટા બાદ સાબિત થયું છે આથી સોનામાં મોટા ઘટાડાની શક્યતા નથી, પણ ડૉલર અને બૉન્ડ યીલ્ડની મજબૂતીથી ધીમો ઘસારો ચાલુ રહેશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૧,૧૫૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૦,૯૫૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૦,૭૪૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

ભારત ગોલ્ડ રીસાઇક્લિંગમાં વિશ્વનો ચોથા ક્રમનો સૌથી મોટો દેશ બન્યો

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર હવે ભારત વિશ્વમાં ગોલ્ડ રીસાઇક્લિંગમાં ચોથા ક્રમનો સૌથી મોટો દેશ બન્યો છે. અહીં છેલ્લાં પાંચ વર્ષમાં ૧૧ ટકા સોનું માર્કેટમાં જૂના સોનામાંથી થઈ રહ્યું છે. સોનાના ઊંચા ભાવને કારણે અનેક ગ્રાહકો હવે જૂના સોનાના દાગીના વેચીને નવા દાગીના બનાવવા તરફ વળી રહ્યા છે. ગોલ્ડ રીસાઇક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ હવે ભારતમાં ૪૪૦ અબજ ડૉલરની બની ચૂકી છે. ગોલ્ડ રીસાઇક્લિંગમાં ૮૫ ટકા હિસ્સો જૂના દાગીના વેચીને નવા દાગીના બનાવવાનો છે. ૨૦૨૧માં ૭૫ ટન ગોલ્ડનું રીસાઇક્લિંગ થયું હતું.

business news