બ્રેન્ટ ક્રૂડ 75 ડૉલરની નજીક, હવે 80 ડૉલર થવાની આગાહી

18 June, 2021 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એમકે વેલ્થ મૅનેજમેન્ટના મતે બ્રેન્ટ ટૂંકમાં ૭૮થી ૮૯ ડૉલરની સપાટી હાંસલ કરશે : અમેરિકન ડૉલરમાં મજબૂતાઈ અને ક્રૂડતેલની માગ વધી

પ્રતીકાત્મક તસવીર

ક્રૂડતેલની બજારમાં તેજીની આગેકૂચ યથાવત્ છે. વૈશ્વિક બજારમાં અમેરિકન ડૉલરમાં ઝડપથી સુધારો થતાં બ્રેન્ટ ૭૫ ડૉલરની નજીક પહોંચી ગયું હતું. હવે એનલિસ્ટો ટૂંકમાં બ્રેન્ટ વધીને ૮૦ ડૉલર થવાની આગાહીઓ કરી રહ્યા છે. ગોલ્ડમેન સાક્સે પણ અગાઉ તેજીની આગાહી કરી હતી.

એમકે વેલ્થે પોતાનાં રિસર્ચ રિપોર્ટમાં તેજીનાં કારણો જણાવતાં કહ્યું હતું કે અમેરિકા, યુરોપ અને બીજા એશિયાના અગ્રણી દેશોમાં હવે ઇકૉનૉમી વેગ પકડી રહી છે અને ક્રૂડતેલની માગમાં વધારો થાય તેવી ધારણા છે. ઇકૉનૉમીની સ્થિતિમાં સુધારો થવાને પગલે હવે આગળ ઉપર ઓપેક અને તેના સાથી દેશોની ટૂંકમાં બેઠક મળી રહી છે, જેમાં શું નિર્ણય લેવાય છે તેના પર સૌની નજર છે. બીજી તરફ ક્લાયમેન્ટ ચેન્જ સામે લડાઈ પણ ક્રૂડતેલની બજાર પર પ્રેશર લાવે છે.

ક્રૂડતેલની તેજી-મંદી માટે એક મહત્ત્વનું કારણ અમેરિકા અને ઈરાન વચ્ચેની ન્યુક્લિયર ડીલમાં સમાધાન થવા જઈ રહ્યું હોવાથી પુરવઠામાં વધારો જોવા મળી શકે છે.

આગામી દિવસોમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ ૬૮થી ૭૦ ડૉલર વચ્ચે સપોર્ટ લેવલ મળી શકે છે. જો આ સપાટી નહીં તૂટે તો આગળ પર ભાવ ફરી વધે તેવી ધારણા છે.

વિશ્વમાં કોરોના વાઇરસના કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે અને લૉકડાઉન હળવું થવા લાગ્યું છે. ભારતમાં પણ હવે જૂન મહિનાથી સ્થિતિ સુધરી હોવાથી ક્રૂડતેલની માગમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ક્રૂડતેલના ભાવમાં વન-વે તેજી આવી શકે છે. જોકે અમેરિકન ફેડરલ બૅન્કની બેઠકમાં શું નિર્ણય લેવાય છે તેના પર ચાલનો મોટો આધાર રહેલો છે.

business news