વિશ્વબજારોમાં ક્રૂડ-બૉમ્બ ફાટ્યો

10 March, 2026 09:25 AM IST  |  Mumbai | Anil Patel

બ્રેન્ટ ક્રૂડ ૧૧૯ ડૉલર વટાવી પોણાચાર વર્ષની ટોચે ગયું, વૉલ સ્ટ્રીટથી માંડીને દલાલ સ્ટ્રીટ સુધી વિશ્વભરનાં શૅરબજારો બ્લાસ્ટ થયાં

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

બ્રેન્ટ ક્રૂડ ૧૧૯ ડૉલર વટાવી પોણાચાર વર્ષની ટોચે ગયું, વૉલ સ્ટ્રીટથી માંડીને દલાલ સ્ટ્રીટ સુધી વિશ્વભરનાં શૅરબજારો બ્લાસ્ટ થયાં : સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ૨૪૯૫ પૉઇન્ટ પટકાઈ છેવટે ૧૩૫૩ પૉઇન્ટ ડૂલ, ૮.૫૮ લાખ કરોડનું ધોવાણ : સેન્સેક્સ-નિફ્ટીના પોણાબે ટકાની સામે જપાન, સાઉથ કોરિયા, તાઇવાન, ઇન્ડોનેશિયા, વિયેટનામ, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, ફિલિપીન્સ ત્રણથી સાડાછ ટકા તૂટ્યા : કરાચી શૅરબજારમાં દસ હજારી કડાકો : નિફ્ટી ખાતે વિપ્રો, સેન્સેક્સમાં રિલાયન્સ ટૉપ ગેઇનર : સૂર્યોદય બૅન્ક સિવાય તમામ ૪૦ બૅન્ક-શૅર માઇનસ

ઈરાનના મામલે ટ્રમ્પ ભારે ગોથું ખાઈ ગયા છે. ગણતરી એવી હતી કે ૫-૬ દિવસમાં ઈરાનનો ખેલ પાડી દઈશું, હવે ટ્રમ્પ કહે છે કે વૉર લાંબું, પાંચ-છ મહિના ચાલી શકે છે. રશિયા અને ચાઇના ઈરાનની પડખે ચડ્યા છે. ગલ્ફ કન્ટ્રીઝમાં પણ અમેરિકા સામે વિરોધનો સૂર શરૂ થઈ ગયો છે. વૉરનો વ્યાપ અને તીવ્રતા આગામી દિવસમાં વધવાની દહેશત છે. બ્રેન્ટ ક્રૂડ જે મિડ ફેબ્રુઆરી સુધી ૬૫ ડૉલર આસપાસ અને યુદ્ધ પહેલાં ૭૦ ડૉલર હતું એ રૉકેટ ગતિએ ઊછળીને ગઈ કાલે ઉપરમાં ૧૧૯.૪૬ ડૉલર થઈ ૧૫ ટકાની તેજીમાં ૧૦૬ ડૉલર ઉપર ચાલતું હતું. આપણી હાલત વધુ બદતર બની છે. ચૅનલોવાળાએ જેને મોદીનો માસ્ટર સ્ટ્રોક અને કૉર્પોરેટ અગ્રણીઓએ ફાધર ઑફ ઑલ ડીલ્સ ગણાવી જેના ઉપર નાગીન ડાન્સ કરવા માંડ્યા હતા એ ઇન્ટરિમ ટ્રેડ-ડીલ ભારતને હાલ બહુ ભારે પડી રહી છે. ટ્રેડ-ડીલની મુખ્ય શરત તરીકે આપણે વર્ષોથી રશિયા ખાતેથી સસ્તું ક્રૂડ આયાત કરતા હતા એ આયાત બંધ કરવા સહમત થઈ ટ્રમ્પને ખુશ કરી દીધા હતા. હવે વૉરને કારણે સપ્લાય ખોરવાઈ છે. અમેરિકાએ મહિના માટે ભારતને રશિયન ક્રૂડ આયાત કરવાની છૂટ આપી છે, પરંતુ રશિયા આજે ૫-૭ ડૉલર પ્રીમિયમ માગે છે. અગાઉ રશિયા આપણને બજાર ભાવથી ૧૦-૧૨ ડૉલર નીચા ભાવે તેલ આપતું હતું, હવે એને પ્રીમિયમ જોઈએ છે. આપણા માટે તો બાવાનાં બેઉ બગડ્યાં જેવું છે.

યુદ્ધની વધતી તીવ્રતા વચ્ચે ક્રૂડના ભાવમાં થયેલા ભડાકાના પરિણામે વિશ્વભરના શૅરબજારો ઊંધેકાંધ થયાં છે. એશિયા ખાતે ગઈ કાલે જૅપનીઝ નિક્કેઈ નીચામાં ૫૧,૪૦૮ થઈ સવાપાંચ ટકા કે ૨૮૮૯ પૉઇન્ટ તૂટી ૫૨,૭૩૨ બંધ રહ્યા છે. સાઉથ કોરિયા છ ટકા, તાઇવાન સાડાચાર ટકા, ઇન્ડોનેશિયા સાડાત્રણ ટકા, થાઇલૅન્ડ બે ટકા, સિંગાપોર બે ટકા, હૉન્ગકૉન્ગ દોઢ ટકો, મલેશિયા સવાબે ટકા, ઑસ્ટ્રેલિયા ૩ ટકા નજીક, ફિલિપીન્સ પાંચ ટકા, વિયેટનામ સાડાછ ટકા, ન્યુ ઝીલૅન્ડ ૩ ટકા, શ્રીલંકા સવાત્રણ ટકા સાફ થયું છે. એકમાત્ર ચાઇનીઝ માર્કેટ ૦.૭ ટકા જેવું સાધારણ નરમ હતું. પાકિસ્તાની શૅરબજાર નીચામાં ૧,૪૪,૧૧૯ થઈને રનિંગમાં ૧૦,૪૫૨ પૉઇન્ટના ધબડકામાં ૧,૪૭,૦૪૪ દેખાયું છે. યુરોપ પણ ખરાબ ઓપનિંગ બાદ રનિંગમાં દોઢથી ત્રણેક ટકા ડૂલ હતું. અમેરિકન ડાઉ શુક્રવારે એક ટકો ઘટીને ૪૭,૫૦૧ બંધ રહ્યો હતો. નૅસ્ડૅક દોઢ ટકા ખરડાઈ ૨૨,૩૮૭ થયો હતો. ગઈ કાલે રનિંગમાં ડાઉ ફ્યુચર નીચામાં ૪૬,૩૩૩ બતાવી ૭૬૯ પૉઇન્ટ તૂટી ૪૬,૭૯૮ તથા નૅસ્ડૅક ફ્યુચર ૨૪,૦૦૦ની નીચી સપાટી દેખાડી ૩૮૧ પૉઇન્ટની ખરાબીમાં ૨૪,૨૯૮ ચાલતો હતો. મતલબ કે સોમવારની રાત્રે અમેરિકન બજાર જબરું બગડશે. બિટકૉઇન છેલ્લા ૨૪ કલાકમાં નીચામાં ૬૫,૯૨૨ ડૉલર થઈ રનિંગમાં ૬૭,૫૪૮ ડૉલર ચાલતો હતો. હાજર અને વાયદામાં સોનું એકથી દોઢ ટકો નરમ હતું. ચાંદી ૮૫ ડૉલરે દેખાડી હતી. ડૉલર સામે રૂપિયો નીચામાં ૯૨.૩૬ થયો છે.

સેન્સેક્સ આગલા બંધથી ૧૮૬૨ પૉઇન્ટના ધબડકામાં ૭૭,૦૫૭ નીચે ખૂલી છેવટે ૧૩૫૩ પૉઇન્ટના કડાકામાં ૭૭,૫૬૬ તથા નિફ્ટી ૪૨૨ પૉઇન્ટ પટકાઈ ૨૪,૦૨૮ ગઈ કાલે બંધ થયો છે. આરંભથી અંત સુધી ડૂલ રહેલા બજારમાં શૅરઆંક નીચામાં ૭૬,૪૨૪ અને ઉપરમાં ૭૭,૭૧૧ થયો હતો. નિફ્ટીમાં ૨૩,૬૯૮ની ઇન્ટ્રા-ડે બૉટમ બની હતી. કંગાળ માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૬૪૪ શૅર સામે ચારગણો, ૨૬૩૧ જાતો માઇનસ હતી. માર્કેટકૅપ ૮.૫૮ લાખ કરોડ રૂપિયાના ધોવાણમાં હવે ૪૪૧.૧૦ લાખ કરોડ રહ્યું છે. તમામ સેક્ટોરલ લાલ થયાં છે. ઑટો ઇન્ડેક્સ ૨૩૨૫ પૉઇન્ટ કે ૩.૯ ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી ૪ ટકા, બૅન્ક નિફ્ટી ૩ ટકા કે ૧૭૬૩ પૉઇન્ટ, ઑઇલ–ગૅસ ૩.૧ ટકા, કૅપિટલ ગુડ્સ ૨.૨ ટકા, નિફ્ટી ડિફેન્સ ૨.૨ ટકા, મેટલ ૨.૬ ટકા, ફાઇનૅન્સ અઢી ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૨.૭ ટકા તૂટ્યો હતો. IT નજીવો નરમ હતો. 

એક્સ-બોનસ થતાં ક્યુપિડ તગડા વૉલ્યુમે ૧૪ ટકા ઉછળી ૯૨ બંધ

મહારાષ્ટ્રના નાશિક ખાતેની મેલ કૉન્ડોમ માર્કેટમાં અગ્રણી ખેલાડી ક્યુપિડ લિમિટેડ એક શૅરદીઠ ૪ બોનસમાં ગઈ કાલે બોનસ બાદ થતાં ઉપર ૯૩.૨૫ થઈ ૧૪ ટકા ઊછળી ૯૨ બંધ રહી છે. ફેસવૅલ્યુ એકની છે. કંપની અગાઉ જાન્યુઆરી ૨૪માં શૅરદીઠ એક પ્રમાણે તથા ઑગસ્ટ ૧૮માં પાંચ શૅરદીઠ એક લેખે બોનસ આપી ચૂકી છે. એપ્રિલ ૨૪માં ૧૦ના શૅરનું એકમાં વિભાજન કર્યુ હતું. પિઅર ગ્રુપમાં નવી દિલ્હીની આનોન્દિતા મેડિકૅર પોણો ટકો વધીને ૭૨૦ હતી. એનો SME IPO સપ્ટેમ્બર પચીસમાં શૅરદીઠ ૧૪૫ના ભાવે આવ્યો હતો. ૧ જાન્યુઆરી ૨૬માં શૅર ૧૦૩૭ના શિખરે ગયો હતો. પુણેની ટ્રેડિંગ કંપની મેકફોસ લિમિટેડ ૧૦ શૅરદીઠ એકના મેઇડન બોનસ વચ્ચે ઉપર ૯૪૦ થઈ ૫.૨ ટકા તૂટી ૮૯૦ રહી છે. આ કંપની ફેબ્રુઆરી ૨૦૨૩માં ૧૦ના શૅરદીઠ ૧૦૨ના ભાવથી ૨૪ કરોડનો BSE SME IPO લાવી હતી. કંપની મંગળવારે એક્સ બોનસ થવાની છે.

અનુપમ રસાયણ ૨૫.૮ ટકા હોલ્ડિંગ સાથે જેમાં સહપ્રમોટર્સ છે એ ટાનફેક ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરના પાંચ રૂપિયામાં વિભાજનમાં એક્સ સ્પ્લિટ થતાં ગઈ કાલે ઉપરમાં ૨૦૫૦ થઈ નજીવી સુધરીને ૧૯૮૬ રહી છે. BSE લિસ્ટેડ બીસીસી ફ્યુબા ઇન્ડિયા ૧૦ના શૅરદીઠ ૭૫ના ભાવે ૧૦ શૅરદીઠ ૧૪૪ રૂપિયાના ભાવે ૧૪ શૅરદીઠ પાંચના પ્રમાણમાં ૧૧મીએ એક્સ રાઇટ થવાની છે. ગઈ કાલે બીસીસી ફ્યુબા સવાછ ટકા તૂટી ૧૫૬ તથા પ્રભા એનર્જી ૩.૮ ટકા ગગડી ૧૫૩ બંધ હતી. પ્રભા એનર્જી બે વર્ષથી સતત ખોટમાં છે. બે વર્ષમાં એની કુલ આવક ૨૧૨ લાખની છે, સામે ખોટનો આંકડો ૨૬૧ લાખ રૂપિયાનો છે.

ખરાબ બજારમાં BSE લિમિટેડ અડધો ટકો સુધરી ૨૭૬૯ નજીક તો MCX પોણાબે ટકા વધીને ૨૫૭૭ બંધ થઈ છે. IT ઇન્ડેક્સ માત્ર ૨૭ પૉઇન્ટ જેવો નજીવો નરમ હતો, પણ Sના ૭૭માંથી ૨૦ શૅર જ પ્લસ હતા. આર. સિસ્ટમ્સ ૩૪૭ ગણા જંગી વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૩૦૯ વટાવી ૧૬ ટકાના ઉછાળામાં ૨૯૯ બંધ રહી અહીં મોખરે હતી. ઇન્ફોબિન્સ ૭ ટકા તૂટી છે.

સેડમૅક મેક્ટ્રોનિક્સ ૩૦ના ડિસ્કાઉન્ટમાં થઈ ૪૨ના પ્રીમિયમમાં

ગઈ કાલે મેઇનબોર્ડમાં ગુજરાતના હાલોલની રાજપૂતાના સ્ટેનલેસ ૧૦ના શૅરદીઠ ૧૨૨ની અપરબૅન્ડમાં ૨૫૫ કરોડનો મેઇન બોર્ડમાં ઇશ્યુ લાવી છે. ભરણું પ્રથમ દિવસે રીટેલમાં પાંચ ટકા સહિત કુલ ૩૦ ટકા ભરાયું છે. ગ્રેમાર્કેટમાં બે રૂપિયાથી શરૂ થયેલું પ્રીમિયમ હાલમાં ત્યાં જ ચાલે છે. SME સેગમેન્ટમાં રાજસ્થાનના ભીલવાડા ખાતેની એ​લ્ફિન ઍગ્રો ઇન્ડિયાનો પાંચના શૅરદીઠ ૪૭ના ભાવનો ૨૫૦૩ લાખનો BSE SME IPO આખા દિવસે રીટેલમાં ૬૦ ટકા સહિત કુલ ૧.૪ ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ઓડિશાની શ્રીનિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શન્સનો ૧૦ના શૅરદીઠ ૯૮ના ભાવનો ૨૦ કરોડનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ એક ગણો ભરાયો છે. એલ્ફિનમાં ઝીરો તેમ જ શ્રીનિવાસમાં પણ ઝીરો પ્રીમિયમ છે.

થાણેના ભિવંડી ખાતેની એસ્ટેક ઈ-કૉમર્સ ૧૦ના શૅરદીઠ ૧૧૨ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ પહેલેથી બોલાતા ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે NSE ખાતે ૧૧૨ ખૂલી ઉપરમાં ૧૧૭ અને નીચામાં ૧૧૨ થઈ ૧૧૨ બંધ થતાં એમાં ઝીરો લિ​સ્ટિંગ ગેઇન મળ્યો છે. પુણેની સેડમૅક મેક્ટ્રોનિકસ બુધવારે લિસ્ટેડ થશે. ગ્રેમાર્કેટમાં એમાં પ્રીમિયમમાંથી ડિસ્કાઉન્ટમાં અને ડિસ્કાઉન્ટમાંથી પ્રીમિયમમાં અવરજવર કરતા રહેવાની વિચિત્ર ઊથલપાથલ ચાલુ છે. હાલ ૪૨નું પ્રીમિયમ બોલાય છે. ભરણું રીટેલમાં ફક્ત ૨૦ ટકા ભરાયું હતું. શુક્રવારે સાડાસાત ટકા લિ​સ્ટિંગ લૉસમાં ૬૬ ઉપર બંધ થયેલી મુંબઈના ઘાટકોપર-વેસ્ટની સ્ટ્રાઇડર્સ ઇમ્પેક્સ ગઈ કાલે ૬૩નું નવું બૉટમ બતાવી પાંચ ટકા તૂટી ત્યાં જ બંધ થઈ છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી યાપ ડિજિટલ સાડાત્રણ ટકા ગગડી ૧૩૫, ઓ​મ્નિટેક એ​ન્જિનિયરિંગ ૧૭૬ના તળિયે જઈ ૧૯૦, PNGS રેવા ડાયમન્ડ ૨.૩ ટકા ઘટીને ૩૮૫, શ્રીરામ ટ્વિસ્ટેક્સ પાંચ ટકા તૂટી ૬૦ બંધ થઈ છે.

TCS ૬૫ મહિનાની, HDFC બૅન્ક ૧૪ મહિનાની નીચી સપાટીએ

હિન્દુસ્તાન યુનિલીવરના આઇસક્રીમ બિઝનેસના ડી-મર્જરથી અસ્તિત્વમાં આવેલી ક્વૉલિટી વૉલ્સ ઇન્ડિયાએ ક્વૉર્ટર-ટુ ક્વૉર્ટર ધોરણે ૩૦.૬ ટકા ઘટાડામાં ૨૨૭ કરોડની આવક મેળવી છે. નેટલૉસ ૧૦૦ કરોડથી વધીને ૧૭૮ કરોડને વટાવી ગઈ છે. શૅર ૨૪નું વર્સ્ટ લેવલ બતાવી ૩.૨ ટકા ઘટી પચીસ ઉપર બંધ થયો છે. આઇઆરબી ઇન્ફ્રાની ટોલ રેવન્યુ ૨૧.૬ ટકા વધી ગયામહિને ૭૪૬ કરોડ વટાવી ગઈ છે. શૅર નીચામાં ૩૯.૭૫ થઈ પોણો ટકો ઘટીને ૪૦.૪૪ હતો. એમક્યૉર ફાર્મા ૨૬ ગણા કામકાજે ઉપરમાં ૧૫૫૬ વટાવી ૭.૪ ટકા વધી ૧૫૨૦ બંધમાં એ-ગ્રુપમાં ઝળકી છે. આધાર હાઉસિંગ સાડાછ ટકા, શ્રીરેણુકા શુગર ચાર ટકા તથા સુપ્રીમપેટ્રો ૩.૪ ટકા પ્લસ હતી. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ નીચામાં ૫૧૭ બતાવી ૧૪ ટકા ખરડાઈ ૫૨૨ રહી છે. રેઇન ઇન્ડસ્ટ્રીઝ ૧૨.૮ ટકા તથા તેજસ નેટ ૮.૪ ટકા ગગડી હતી. સેફાયર ફૂડ્સ ૧૭૪ના ઑલટાઇમ તળિયે જઈને ૯.૩ ટકા બગડી ૧૭૫ થઈ છે.

સેન્સેક્સ નિફ્ટી ખાતે ખરાબીમાં તાતા મોટર્સ સાડાપાંચ ટકા, અલ્ટ્રાટેક ૫.૨ ટકા કે ૬૨૭ રૂપિયા, મારુતિ સુઝુકી ૪.૭ ટકા કે ૬૬૨ રૂપિયા, આઇશર ૩૫૪ રૂપિયા કે પોણા પાંચ ટકા, મહિન્દ્ર ૪.૪ ટકા, બજાજ ઑટો ૪૩૩ રૂપિયા કે સાડાચાર ટકા, સ્ટેટ બૅન્ક ચારેક ટકા, ઇન્ડિગો ૩.૮ ટકા, અદાણી પોર્ટસ ૩.૮ ટકા, તાતા સ્ટીલ ૩.૮ ટકા, JSW સ્ટીલ સવાત્રણ ટકા, કોટક બૅન્ક ૩.૫ ટકા, લાર્સન ૨.૮ ટકા, જિયો ફાઇનૅ​ન્શિયલ ૩ ટકા, ONGC ૨.૯ ટકા, ICICI બૅન્ક પોણાત્રણ ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ બે ટકા બગડીને મોખરે હતી. HDFC બૅન્ક ૮૨૩ની ૧૪ મહિનાની બૉટમ બનાવી ૨.૧ ટકા ઘટીને ૮૩૯ બંધમાં બજારને ૨૩૧ પૉઇન્ટ નડી છે. ICICI બૅન્ક એમાં ૨૧૭ પૉઇન્ટ તથા સ્ટેટ બૅન્ક ૧૫૮ પૉઇન્ટના ઉમેરાનું કારણ બની છે. રિલાયન્સ નીચામાં ૧૩૬૯ થયા પછી સારા કામકાજે ઉપર ૧૪૨૯ થઈ ૧૪૨૪ બંધ આપી બજારને ૧૧૦ પૉઇન્ટ ફળ્યો છે. વિપ્રો ૧.૭ ટકા તથા ઇન્ફી અડધો ટકો સુધરી હતી. અપોલો હૉસ્પિટલ પોણો ટકો વધીને ૭૭૭૯ હતી. TCS ૨૫૦૫ની ૬૫ મહિનાની બૉટમ બતાવી સવા ટકો ઘટી ૨૫૨૮ હતી. ઇન્ડિગો ૪૦૭૫ની ૧૬ મહિનાની નીચી સપાટીએ જઈને ૩.૮ ટકા ગગડી ૪૨૩૬ હતી.

દિલ્હીની ઇનોવિઝન અગ્રેસિવ પ્રાઇસ સાથે આજે મૂડીબજારમાં

આજે નવી દિલ્હીની ઇનોવિઝન લિમિટેડ ૧૦ના શૅરદીઠ ૫૪૮ની અપરબૅન્ડમાં કુલ ૭૨૩ કરોડનો ઇશ્યુ મેઇન બોર્ડમાં કરવાની છે. એમાંથી ૬૮ કરોડ ઑફર ફોર સેલ પેટે પ્રમોટર્સના ઘરમાં જશે. પ્રમોટર્સની શૅરદીઠ પડતર માત્ર ૧૬૬ પૈસા છે. ઇશ્યુ બાદ ઇ​ક્વિટી વધી ૨૩૫૫ લાખ થશે. પ્રમોટર્સ હોલ્ડિંગ ૭૫ ટકા રહેશે. ૨૦૦૭માં સ્થપાયેલી આ કંપની મેન પાવર સર્વિસિસ પ્રોવાઇર તેમ જ ટોલ પ્લાઝા મૅનેજમેન્ટ ક્ષેત્રે કામ કરે છે. દેશભરનાં ૨૩ રાજ્ય તેમ જ પાંચ કેન્દ્રશાસિત પ્રદેશમાં ડૂલ ૩૫ ઑફિસ અને ૧૪,૧૪૬ કર્મચારી મારફત એ કામકાજ કરે છે. ઇશ્યુમાં QIB પોર્શન માત્ર એક ટકા તથા રીટેલ પોર્શન ૬૫ ટકા છે એ અનોખી બાબત કહી શકાય. કંપનીએ ગયા વર્ષે ૭૫ ટકા વધારામાં ૮૯૬ કરોડ જેવી આવક ઉપર ૧૮૨ ટકાથી વધુ વૃદ્ધિદરમાં ૨૯ કરોડ પ્લસનો નેટ નફો બતાવ્યા પછી ચાલુ વર્ષે પ્રથમ ૬ મહિનામાં ૪૮૩ કરોડની આવક ઉપર ૨૦ કરોડ  ચોખ્ખો નફો દર્શાવ્યો છે. છેલ્લા દોઢ વર્ષમાં દેવું ૪૮ કરોડથી વધીને ૧૧૨ કરોડને વટાવી ગયું છે. ઇશ્યુમાંથી ૫૧ કરોડ દેવાની પરત ચુકવણીમાં તથા ૧૧૯ કરોડ વર્કિંગ કૅપિટલમાં કંપની વાપરવાની છે.

છેલ્લા દોઢ વર્ષના સુપર પ્રૉફિટ પછી પણ ઇશ્યુ પ્રાઇસ ગયા વર્ષની કમાણી પ્રમાણે ૪૪.૫નો તથા પ્રથમ ૬ મહિનાની અર્નિંગના ધોરણે ૩૨.૨૫નો અતિ ઊંચો પીઈ બતાવે છે. કંપની તરફથી પીઅરગ્રુપમાં ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ, અપડેટર સર્વિસિસ, એસઆઇએસ લિમિટેડ, ક્વેસ કૉર્પ અને હાઇવે ઇન્ફ્રા જેવી કંપનીઓનાં નામ અપાયાં છે. હાલ ક્રિસ્ટલ ઇન્ટિગ્રેટેડ ૧૦ના શૅર સામે ૩૪૨ની બુકવૅલ્યુ સાથે માત્ર ૧૭.૪ના પીઈ ઉપર મળે છે. કંપની વર્ષે ૧૨૧૩ કરોડની આવક અને ૬૨૩૩ લાખ નફો કરે છે. વર્ષે ૧૫૯૨ કરોડની આવક તથા ૭૯૩૩ લાખ નફો કરતી અપડેટર સર્વિસિસ ૧૩.૪ના પીઈ ઉપર તથા વર્ષે ૪૧૮ કરોડની આવક ઉપર ૧૯૬૬ લાખ નફો કરતી હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફક્ત સાડાદસના પીઈ ઉપર મળે છે. ઇનોવિઝન લિમિટેડમાં ગ્રેમાર્કેટ ખાતે પ્રીમિયમ શરૂ થયું નથી. 

business news middle east crisis oil prices sensex nifty share market stock market national stock exchange bombay stock exchange