મ્યુચ્યુઅલ ફન્ડને સેબીએ આપેલા બૂસ્ટરથી ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન બદલાશે

23 September, 2021 01:53 PM IST  |  Mumbai | Jayesh Chitalia

ઇક્વિટી માર્કેટ હાલ ભલે વૉલેટાઇલ હોય. સેબી તરફથી આવેલા આ અહેવાલને પગલે મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી યોજનાઓને વધુ લાભ થશે.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગના અચ્છે દિન આવ્યા છે, નિયમન તંત્ર સેબી એક એવો નિયમ લાવ્યું છે કે મ્યુચ્યુઅલ ફન્ડ કંપનીઓમાં કામ કરતા જુનિયર કર્મચારીઓએ તેમના પગારના ૧૦ ટકા રોકાણ આ ૧ ઑક્ટોબરથી મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં કરવાનું રહેશે. 
સેબીના સરક્યુલર મુજબ આ કર્મચારીઓ ૩૫ વર્ષથી નાની ઉંમરના હોવા જોઈશે અને કોઈ ઉચ્ચ હોદો ધરાવતા ન હોવા જોઈએ. આ નવો નિયમ સેબી ૧ ઑક્ટોબરથી લાગુ કરી રહ્યું છે, જે ઑક્ટોબર ૨૦૨૨થી ૧૫ ટકા અને ઑક્ટોબર ૨૦૨૩થી ૨૦ ટકા સુધી કરાશે. આમ જુનિયર સ્ટાફ માટે એક ફરજિયાત બચતનો વિકલ્પ ખૂલશે. અહીં એ નોંધવું ખાસ જરૂરી છે કે આ કર્મચારી કોઈ પણ ડિપાર્ટમેન્ટનો હેડ હોવો જોઈએ નહીં. આમ કરવાનો ઉદ્દેશ તેને કોઈ ઇન્સાઇડ ઇન્ફર્મેશનનો લાભ કે તક મળી શકે નહીં. જોકે ઉચ્ચ અધિકારીઓનાં રોકાણ માટે સેબીની લૉક-ઇન માર્ગરેખા છે.
ઇક્વિટી માર્કેટ હાલ ભલે વૉલેટાઇલ હોય. સેબી તરફથી આવેલા આ અહેવાલને પગલે મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી યોજનાઓને વધુ લાભ થશે, કારણ કે આ યુવા વર્ગ સહજ રીતે જ ઇક્વિટીલક્ષી યોજના વધુ પસંદ કરશે અને તેમણે ઇક્વિટી વધુ પસંદ કરવી પણ જોઈએ. મજાની વાત એ કે આ યુવા વર્ગનું રોકાણ પણ લાંબા ગાળાનું રહેશે, જે ફન્ડ ઉદ્યોગ અને સ્ટૉક માર્કેટ માટે સારું કહી શકાય. આ સાથે એ પણ નોંધવું રહ્યું કે ફન્ડામેન્ટલ્સથી મજબૂત કંપનીઓના શૅરોનું આકર્ષણ વધશે. 
ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન બદલાશે
વીતેલા વર્ષોમાં મોટા ભાગના લોકો પોતાના પગારમાંથી મોટે ભાગે બૅન્કોની એફડીમાં, પીપીએફ (પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ) અથવા વિવિધ સરકારી યોજનાઓમાં રોકાણ કરતા રહ્યા છે, જેમાં તેમને મોંઘવારી સામે ટકી શકે એવું વળતર મળતું નથી, જ્યારે કે લાંબા ગાળે કરલાભ પણ ઘટતા જવાની શક્યતા છે, તેને બદલે અત્યારથી લોકો પોતાની બચત મ્યુચ્યુઅલ ફન્ડના યુનિટસ તરફ વાળતા જાય એ સલાહભર્યું છે. અલબત્ત, મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં ૩૫ની અંદરની ઉંમરના કર્મચારીઓની સંખ્યા હાલ કેટલી હશે એ સવાલ છે, પરંતુ આગળ જતા આ વધી શકે છે. સેબી આ બાબત શૅરબજારના કર્મચારીઓ માટે પણ વિચારી શકે છે, તેમને પણ મ્યુચ્યુઅલ ફન્ડની યોજનામાં રોકાણ કરવાનું કહી શકાય છે. અલબત્ત આમાં ફરજિયાત રોકાણની બાબતે સવાલ ઊભા થઈ શકે છે.
સેબીનો ઉદ્દેશ શું છે?
મ્યુચ્યુઅલ ફન્ડના કર્મચારીઓને આ રોકાણ માટે ભલામણ કરવાનું કહેવા પાછળ સેબીનો ઉદ્દેશ એ  છે કે તેઓ પોતાની નોકરીમાં ફન્ડની કામગીરીમાં વધુ ધગશથી કાર્ય કરે, ફન્ડની યોજનાની સારી કામગીરીથી તેમને લાભ થઈ શકે અને નબળી કામગીરીથી તેમને નુકસાન પણ થઈ શકે એ વિચાર આ કર્મચારીઓ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ફન્ડ મૅનેજર્સ માટે પણ આ બાબત મહત્ત્વની બને છે. જ્યારે પણ કર્મચારીઓનું પોતાનું હિત પણ સામેલ થઈ જાય ત્યારે કર્મચારીઓનો અભિગમ બદલાઈ જતો હોય છે, જેમ કંપનીઓમાં સ્ટૉક ઑપ્શનની ઑફરથી, એટલે કે પોતાની જ કંપનીના શૅર ધરાવ્યા બાદ કર્મચારીઓ પોતાના કામ બાબત વધુ જવાબદાર યા સભાન બને તેમ મ્યુ. ફન્ડમાં પણ થઈ શકે છે.
ક્યાંક મૂંઝવણો પણ ખરી
સેબીએ ફન્ડ મૅનેજર્સ અને સીઈઓ સ્તરના અધિકારીઓ માટે ૧ ઑક્ટોબરથી ૨૦ ટકા રોકાણની શરત લાગુ કરી છે, જોકે તેમનું આ રોકાણ ત્રણ વર્ષ માટે લૉક-ઇન રહેશે. જે કર્મચારીઓ ઓલરેડી રોકાણ ધરાવે જ છે, તેમના પગારમાં આ રકમ ફરજિયાત કાપવાની અને ફન્ડની યોજનામાં રોકવાની ફરજ પડાશે નહીં. અન્યથા જુનિયર કર્મચારીઓના કેસમાં તેમના પગારમાંથી ૧૦ ટકા રકમ ફન્ડની યોજનામાં રોકાણ માટે કપાઈ જશે. જોકે આ નાના-મોટા કર્મચારીઓ માટે ફરજિયાત રોકાણનો નિયમ તેમના ફાઇનૅન્શિયલ પ્લાનિંગમાં બાધારૂપ બની શકે છે, તેમનું રોકાણ આયોજન કંઈક જુદા ઉદ્દેશ ધરાવતું હોઈ શકે. લૉક-ઇનની જોગવાઈ પણ તેમને બંધનકર્તા લાગી શકે. સેબીના આ આદેશ-સરક્યુલર સામે હાલ તો સવાલો અને મૂંઝવણો ઊભી થઈ છે, તેમાં રોકાણની ફ્લેક્સિબિલિટી મળવી જોઈએ એવી અપેક્ષા પણ વ્યકત થઈ રહી છે. 
જાણકારો માને છે કે સેબીએ નાણાં ખાતાને સરકારી કર્મચારીઓ માટે પણ આવા રોકાણનો નિયમ લાગુ કરવાનું કહેવું જોઈએ. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં લાંબા ગાળા માટે નાણાપ્રવાહ આવતો રહે તો એ દેશની ફાઇનૅન્શિયલ માર્કેટ માટે સારી બાબત છે. જોકે મ્યુચ્યુઅલ ફન્ડ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ સબ્જેકટ ટુ રિસ્કની વાત પણ યાદ રાખવાની રહેશે.

સવાલ તમારા…

સેબી આવો નિયમ શા માટે લાગુ કરી રહ્યું છે?
સેબી જુનિયર કર્મચારીઓ-સિનિયર અધિકારીઓના પોતાના રોકાણ મારફત તેમને ફન્ડની કામગીરી માટે વધુ જવાબદાર બનાવવા ઇચ્છે છે. આ પગલાંથી યુવા કર્મચારીઓમાં એક સેવિંગ-ઇન્વેસ્ટમેન્ટ હેબિટ પણ આપોઆપ ડેવલપ થશે. સરકારી યોજનાઓમાં કે બૅન્કોની એફડીમાં રોકાણ પરના વ્યાજદર ઘટવાના આમાં ભાવિ સંકેત પણ છે.

business news