26 June, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઈરાન-ઇઝરાયલની લડાઈના વાતાવરણમાં વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં આવેલો ઘટાડો ક્ષણજીવી નીવડ્યો હતો અને સોમવારે સાંજ સુધીમાં માર્કેટમાં નોંધપાત્ર રિકવરી આવી ગઈ હતી. એક સમયે બિટકૉઇન ૯૮,૦૦૦ ડૉલરના સ્તરે પહોંચી ગયો હતો, પણ આ લખાઈ રહ્યું છે ત્યારે ભાવ ૧,૦૨,૪૭૪ ડૉલર ચાલી રહ્યો છે. ઇથેરિયમમાં પણ ચોવીસ કલાકના ગાળામાં ૪.૬૦ ટકાનો વધારો થતાં ભાવ ૨૩૦૬ ડૉલર ચાલી રહ્યો છે. કુલ માર્કેટ કૅપ ચોવીસ કલાકના ગાળામાં ૧.૯૪ ટકા વધીને ૩.૧૪ ટ્રિલ્યન ડૉલર થયું હતું.
નોંધનીય છે કે ભૂરાજકીય તંગદિલીની સ્થિતિમાં પણ સંસ્થાકીય રોકાણકારોએ ડિજિટલ ઍસેટ્સમાં નાણાં રોકવાનું ચાલુ રાખ્યું છે. પરિણામે સતત દસમા સપ્તાહે નેટ રોકાણ થતાં કુલ આંકડો ૧૫.૧ બિલ્યન ડૉલર થયો હતો. નિષ્ણાતોનો મત છે કે માર્કેટમાં કોઈ પણ કારણસર ઘટાડો આવશે તો એને ખરીદીની તક માનવામાં આવશે. પાછલા સપ્તાહે બિટકૉઇનમાં ૧.૧ બિલ્યન ડૉલરનું રોકાણ આવ્યું હતું. ઇથેરિયમમાં ૨.૨ બિલ્યન ડૉલરનું કુલ રોકાણ આવ્યું છે, જેમાંથી ગયા અઠવાડિયાનું રોકાણ ૧૨૪ મિલ્યન ડૉલર છે. વર્ષ ૨૦૨૧ના મધ્ય ભાગથી અત્યાર સુધીમાં ઇથેરિયમમાં સતત રોકાણ વધતું ગયું છે.