કોરોનાના વધતા કેસને કારણે બે મહિનાનો સૌથી મોટો ઘટાડો

23 February, 2021 11:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોનાના વધતા કેસને કારણે બે મહિનાનો સૌથી મોટો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

દેશના કેન્દ્રીય બજેટ બાદ નવા જોમ સાથે આગળ વધેલા શૅરબજારમાં હવે સ્થાનિક અને વૈશ્વિક પરિબળો હાવી થઈ જતાં નબળાઈ પ્રવેશી ગઈ છે. ગયા સપ્તાહથી શરૂ થયેલા ઘટાડાનો દોર વધુ ગંભીર બનતાં સોમવારે સતત પાંચમા સત્રમાં તીવ્ર વૉલેટિલિટી વચ્ચે મુખ્ય ઇન્ડેક્સમાં મોટી તારાજી સર્જાઈ હતી.

વૈશ્વિક બજારોમાં બૉન્ડની ઊપજ અને ભારતમાં કોરોનાના વધી રહેલા કેસને લીધે બજારમાં હવે સાર્વત્રિક વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૅલ્યુએશન ઘણાં ઊંચા જવાથી રોકાણકારો પ્રૉફિટ બુકિંગ કરશે અને બજારમાં કન્સોલિડેશન આવવાની શક્યતા છે એવું ઘણા દિવસોથી બોલાઈ રહ્યું હતું, પણ બજાર ઘટવાની શરૂઆત ચાર સત્ર પહેલાં થઈ હતી.

દેશી-વિદેશી બધાં પરિબળોને અનુલક્ષીને સોમવારે એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ૧૧૪૫.૪૪ પૉઇન્ટ (૨.૨૫ ટકા)નો કડાકો બોલાઈ ગયો હતો અને આંક ૫૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડીને ૪૯,૭૪૪.૩૨ પૉઇન્ટ પર પહોંચ્યો હતો. નિફ્ટી૫૦ ઇન્ડેક્સ ૩૦૬.૦૫ પૉઇન્ટ (૨.૦૪ ટકા) ઘટીને ૧૪,૬૭૫.૭૦ પર પહોંચ્યો હતો. બન્ને ઇન્ડેક્સમાં પાંચ સત્રમાં ૪ ટકા કરતાં વધુનો ઘટાડો આવ્યો છે. બજારનો ઘટાડો બે મહિનાનો સૌથી મોટો ઘટાડો હતો. આની પહેલાં ગત ૨૧ ડિસેમ્બરે સેન્સેક્સમાં ૧૪૦૭ પૉઇન્ટનો ઘટાડો આવ્યો હતો. વર્ષ ૨૦૧૫ પછી એકંદરે ૧૮ દિવસ એવા આવ્યા છે જેમાં સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ કરતાં વધુ તૂટ્યો છે.

બજારને નીચે લઈ જવામાં વૈશ્વિક પરિબળો સામેલ હતા. એશિયન શૅરોમાંથી ચીનના બ્લુચિપ શૅરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. યુરોપિયન અને અમેરિકન બજારોમાં ઘટાડાનું ચિત્ર દેખાઈ રહ્યું છે.

ભારત અને અમેરિકામાં બૉન્ડની ઊપજ વધી રહી હોવાથી ઇક્વિટીના રોકાણકારોની ચિંતા વધી છે. અમેરિકામાં સરકારી બૉન્ડની ઊપજ ગત ૨૭ ઑગસ્ટ બાદ સૌથી વધુ પ્રમાણમાં વધી છે. દસ વર્ષની ટ્રેઝરી નોટ્સ પરની ઊપજ ૧.૩૮ ટકા સુધી પહોંચી છે, જે ૪૩ બેઝિસ પૉઇન્ટનો વધારો સૂચવે છે.

ભારતમાં કોરોનાના કેસમાં થયેલો વધારો વધુ એક પરિબળ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા મુજબ દેશમાં સતત પાંચમા દિવસે ઍક્ટિવ કેસમાં વધારો થયો છે. સોમવારે નવાં ઇન્ફેક્શનનું પ્રમાણ ૧૪,૧૯૯ કેસનું રહ્યું હતું. મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે એક જ દિવસમાં ૧૦૦૦ કરતાં વધારે કેસ નોંધાયા હતા.

ભારત ક્રૂડ ઑઇલની આયાત પર નિર્ભર હોવાથી તેના વધી રહેલા આંતરરાષ્ટ્રીય ભાવને કારણે રોકાણકારો ચિંતિત છે. કોરોના રોગચાળાને કારણે ઘટી રહેલી ક્રૂડની માગ હવે પાછી વધી રહી હોવાથી ભાવ પણ વધ્યા છે.

વિશ્લેષકો કહે છે કે ભારતીય બજારમાં વૅલ્યુએશન ઊંચાં ગયાં હોવાથી કરેક્શન આવવાની પૂરેપૂરી શક્યતા હતી. હાલના સંજોગોમાં પ્રૉફિટ બુકિંગ થાય એ સહજ પ્રતિક્રિયા છે. દરમ્યાન ફ્યુચર્સ ઍન્ડ ઑપ્શન્સની મહિનાની એક્સ્પાયરી નજીક આવી એની પણ બજાર પર અસર છે. બજાર ઘટે તેની પહેલાં નફો અંકે કરી લેવાની વૃત્તિ સ્પષ્ટ દેખાઈ રહી છે.

સેન્સેક્સને નીચે લઈ જવામાં હેવીવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બૅન્ક અને ઇન્ફોસિસનો ફાળો હતો, જે અનુક્રમે ૩.૫૨ ટકા, ૩.૦૪ ટકા, ૩.૬૯ ટકા, ૨.૨૫ ટકા અને ૨.૦૬ ટકા ઘટ્યા હતા. સેન્સેક્સમાં માત્ર ત્રણ સ્ટૉક્સ - ઓએનજીસી, એચડીએફસી બૅન્ક અને કોટક બૅન્ક વધ્યા હતા, જેમાં અડધાથી એક ટકા જેટલો મામૂલી સુધારો થયો હતો. આ ઇન્ડેક્સમાં ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ નુકસાન ડૉ. રેડ્ડી (૪.૭૭ ટકા), મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર (૪.૫૧ ટકા), ટેક મહિન્દ્ર (૪.૪૨ ટકા), ઇન્ડસઇન્ડ બૅન્ક (૪.૨૫ ટકા), એક્સિસ બૅન્ક (૩.૯૬ ટકા), લાર્સન ઍન્ડ ટુબ્રો (૩.૬૮ ટકા), મારુતિ (૩.૩૦ ટકા), એચસીએલ ટેક (૩.૨૧ ટકા), પાવરગ્રિડ (૩.૧૪ ટકા) અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (૨.૪૫ ટકા)ને થયું હતું. નિફ્ટી૫૦ના મુખ્ય ઘટેલા સ્ટૉક્સમાં આઇશર મોટર્સ (૫.૧૮ ટકા) સામેલ હતો. નોંધનીય છે કે મિડ કૅપ અને સ્મૉલ કૅપમાં મુખ્ય ઇન્ડેક્સ કરતાં ઓછો ઘટાડો થયો હતો. બીજી બાજુ ઇન્ડિયા વૉલેટિલિટી ઇન્ડેક્સ ૧૪.૪૭ ટકા વધીને ૨૫.૪૭ પહોંચ્યો હતો.

સેન્સેક્સમાં ઇન્ટ્રાડે ધોરણે

૧૩૬૯ પૉઇન્ટનો ઉતાર-ચડાવ

સેન્સેક્સ ઇન્ટ્રાડે ધોરણે નીચામાં ૪૯,૬૧૭.૩૭ અને ઉપરમાં ૫૦,૯૮૬.૦૩ સુધી ગયો હતો. આમ દિવસ દરમ્યાન તેમાં ૧૩૬૯ પૉઇન્ટનો ઉતાર-ચડાવ થયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં

૩.૭૨ લાખ કરોડનો ઘટાડો

બીએસઈ પર કુલ માર્કેટ કૅપમાં ૩.૭૨ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં આંક ૨૦૦.૨૬ લાખ કરોડ રૂપિયા થયો હતો. બ્રોડ બેઝ્ડ ઇન્ડેક્સમાંથી બીએસઈ મિડ કૅપ ૧.૩૪ ટકા, બીએસઈ સ્મૉલ કૅપ ૧.૦૧ ટકા અને બીએસઈ ઑલ કૅપ ૧.૮૦ ટકા અને બીએસઈ લાર્જ કૅપ ૨.૦૧ ટકા ઘટ્યા હતા. સેક્ટોરલ ઇન્ડેક્સમાંથી ટેક ૨.૫૩ ટકા, રિયલ્ટી ૨.૮૮ ટકા, કૅપિટલ ગુડ્સ ૨.૨૧ ટકા, આઇટી ૨.૫૮ ટકા, હેલ્થકૅર ૧.૯૭ ટકા, ફાઇનૅન્સ ૧.૭૩ ટકા ઘટ્યા હતા. એનએસઈ પર નિફ્ટી મેટલ ૧.૬ ટકા વધવા સિવાય બીજા બધા ઇન્ડેક્સ ઘટ્યા હતા. નિફ્ટી મીડિયા ૩.૪ ટકા ઘટ્યો હતો.

બીએસઈના ‘એ’ ગ્રુપમાંથી સોનાટા સોફ્ટવેર ૧૭.૦૬ ટકા, હિન્દુસ્તાન કોપર ૧૪.૪૯ ટકા, વૈભવ ગ્લોબલ ૧૧.૨૯ ટકા અને આઇઆઇએફએલ હોલ્ડિંગ ૯.૯૯ ટકા ઘટ્યા હતા.

ડેરિવેટિવ્ઝ રિપોર્ટ

બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સોમવારે કુલ ૩,૨૦,૪૯૮.૮૬ કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું. કુલ ૭૨,૮૧૩ સોદાઓમાં ૨૬,૨૨,૩૨૭ કૉન્ટ્રૅક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ ૩૨,૩૦,૩૭૦ કૉન્ટ્રૅક્ટસના ઓપન ઇન્ટરેસ્ટ રહ્યા હતા. ઇન્ડેક્સ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટસમાં ૧૦.૯૯ કરોડ રૂપિયાના ૫૭ સોદામાં ૯૫ કૉન્ટ્રૅક્ટસનાં કામકાજ થયાં હતાં. ઇન્ડેક્સ કૉલ ઑપ્શનના ટ્રેડ થયેલા ૬૪,૦૭૩ સોદામાં ૨૧,૯૩,૫૫૬ કૉન્ટ્રૅક્ટ સાથે ૨,૭૬,૪૮૭.૬૬ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું. ઇન્ડેક્સ પુટ ઑપ્શનના ટ્રેડ ૮૬૮૩ સોદામાં ૪,૨૮,૬૭૬ કૉન્ટ્રૅક્ટ સાથે ૪૪,૦૦૦.૨૧ કરોડ રૂપિયાનું કામકાજ થયું હતું.

ટેક્નિકલ દૃષ્ટિએ

વિશ્લેષકો કહે છે કે નિફ્ટીમાં દૈનિક ચાર્ટ પર બેરિશ બેલ્ડ હોલ્ડ પ્રકારની કૅન્ડલ રચાઈ છે. છેલ્લાં ચાર સત્રમાં ઉપલી અને નીચલી સપાટી સતત નીચે જઈ રહી છે. ૧૪,૮૦૦ની નીચે નબળાઈ છે. ઉપરમાં પહેલાં ૧૫,૦૦૦ અને પછી ૧૫,૧૫૦નું રેઝિસ્ટન્સ છે. વૉલેટિલિટી ઇન્ડેક્સમાં થયેલી તોતિંગ વૃદ્ધિ પણ ચિંતાનો વિષય છે.

બજાર કેવું રહેશે?

હાલ કરેક્શન અને વૈશ્વિક માહોલને જોતાં બજારમાં ઘટાડાનું વલણ ચાલુ રહેવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ગુરુવારે થનારી એક્સ્પાયરી અને કોરોનાના કેસની સંખ્યા એ બન્ને પરિબળો હાલ હાવી રહેવાની ધારણા છે.

business news