બૅન્કિંગ, ફાર્મા અને ઑટોના સહારે નિફ્ટી ૧૧૮૮૯

28 October, 2020 12:18 PM IST  |  Mumbai | Mumbai correspondent

બૅન્કિંગ, ફાર્મા અને ઑટોના સહારે નિફ્ટી ૧૧૮૮૯

પ્રતીકાત્મક તસવીર

એમએસસીઆઇ દ્વારા વૈશ્વિક ફન્ડસના ભારતમાં રોકાણના માપદંડ ગણાતા ઇન્ડેકસમાં ફેરફારની જાહેરાત સાથે પસંદગીની કંપનીઓમાં ઉછાળો આવ્યો હોવાથી, કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં હજી એક આર્થિક પૅકેજ જાહેર કરે એવી ચર્ચા વચ્ચે ભારતીય શૅરબજારમાં ગઈ કાલે પ્રત્યાઘાતી ઉછાળો આવ્યો હતો. વિદેશી ફન્ડસની છેલ્લા ત્રણ મહિનામાં સૌથી મોટી ખરીદી ગઈ કાલે જોવા મળી હતી. ગઈ કાલે વિદેશી ફન્ડસની ૩૫૧૫ કરોડ રૂપિયાની આક્રમક ખરીદી હતી, સામે સ્થાનિક ફન્ડસની ૧૫૭૧ કરોડ રૂપિયાની વેચવાલી હતી. સ્થાનિક ફન્ડસની સતત ૧૧મા દિવસે પણ વેચવાલી હતી. જોકે આજની ખરીદી લાર્જ-કૅપ અને પસંદગીની કંપનીઓ પૂરતી સીમિત હતી. સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં ઘટાડો જોવા મળ્યો હતો.
દિવસના એક તબક્કે આગલા બંધથી સેન્સેક્સ ૧૬૭ પૉઇન્ટ ઘટ્યા બાદ બૅન્કિંગ, ઑટો, ફાર્માની ખરીદીના સહારે ૫૪૪ પૉઇન્ટ ઊછળ્યો હતો. નિફ્ટી પણ દિવસની નીચી સપાટીથી ૧૬૬ પૉઇન્ટ ઊછળ્યો હતો. સત્રના અંતે સેન્સેક્સ ૩૭૬.૬ પૉઇન્ટ કે ૦.૯૪ ટકા વધી ૪૦૫૨૨.૧૦ અને નિફ્ટી ૧૨૧.૬૫ પૉઇન્ટ કે ૧.૦૩ ટકા વધી ૧૧૮૮૯ની સપાટીએ બંધ રહ્યા હતા. આજની તેજીમાં કોટક મહિન્દ્ર બૅન્ક, એશિયન પેઈન્ટ, એચડીએફસી બૅન્ક, બજાજ ફાઇનૅન્સ અને એક્સીસ બૅન્કનો ફાળો હતો. જ્યારે ઇન્ફોસિસ, એચડીએફસી, ટીસીએસ અને આઇટીસી નરમ હતા.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના બધા ૧૧ ક્ષેત્રોમાંથી  ખાનગી બૅન્કો, ફાઇનૅન્શિયલ, ફાર્મા અને ઑટો સહિત આઠમાં વૃદ્ધિ જોવા મળી હતી. સામે રીઅલ એસ્ટેટ, આઇટી અને સરકારી બૅન્કોમાં ઘટાડો જોવા મળ્યો હતો.  એક્સચેન્જ  ઉપર ૪૦ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને આઠ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૭૯ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૦૭ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૧૦૪ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૫૯ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૧૦ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૨૨૫માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૬૦ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૧.૬૫ ટકા ઘટ્યા હતા. મંગળવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૧,૧૮,૧૭૪ કરોડ વધી ૧૫૯.૭૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
કોટક મહિન્દ્રની આગેવાનીએ ખાનગી બૅન્કો ઊછળી, સરકારી બૅન્કો નરમ
નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ગઈ કાલે ૨.૮૮ ટકા વધ્યો હતો, પણ સરકારી બૅન્કોમાં ૦.૯૨ ટકાનો ઘટાડો અને ખાનગી બૅન્કોમાં ૩.૧૩ ટકાનો વધારો જોવા મળ્યો હતો. આજના ટ્રેડિંગમાં કોટક મહિન્દ્ર બૅન્કનો શૅર સૌથી વધુ ઊછળ્યો હતો. સોમવારે સારા પરિણામ પછી ઊછળેલા દેશની ચોથા ક્રમની ખાનગી બૅન્કોના શૅરમાં ગઈ કાલે વધારે વિદેશી મૂડીપ્રવાહ આવશે એવી ધારણાએ સતત ખરીદી જોવા મળી હતી. નવેમ્બર ૨૦૨૦થી અમલમાં આવે તે રીતે એમએસઆઇસીએ ભારતીય કંપનીઓના શૅરમાં વિદેશી રોકાણની મર્યાદાના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
આ ફેરફારના કારણે કોટક મહિન્દ્રમાં લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાનો નવો મૂડીપ્રવાહ આવશે એવી ધારણાએ શૅર ઊછળ્યા હતા. કોટક મહિન્દ્રનો શૅર ગઈ કાલે ૧૧.૭૦ ટકા વધ્યો હતો. તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૦ની તાજેતરની નીચી સપાટી ૧૨૪૫.૯૦ સામે શૅરનો ભાવ એક જ મહિનામાં ૨૭ ટકા જેટલો વધ્યો છે. અન્ય ખાનગી બૅન્કોમાં સિટી યુનિયન બૅન્ક ૩.૧૨ ટકા, એક્સીસ બૅન્ક ૨.૮૧ ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૨.૬૧ ટકા, એચડીએફસી બૅન્ક ૧.૯૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૪૫ ટકા અને આરબીએલ બૅન્ક ૦.૧૪ ટકા વધીને બંધ આવ્યા હતા.
સરકારી બૅન્કોમાં પંજાબ નૅશનલ બૅન્ક ૧.૬૧ ટકા, કૅનરા બૅન્ક ૧.૫૧ ટકા, યુનિયન બૅન્ક ૧.૪૪ ટકા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૧.૧૪ ટકા, ઇન્ડિયન બૅન્ક ૦.૫ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૦.૪૪ ટકા અને બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૧૩ ટકા ઘટ્યા હતા. સામે ઇન્ડિયન ઓવરસીઝ ૦.૫૪ ટકા અને બૅન્ક ઑફ બરોડા ૦.૩૫ ટકા વધ્યા હતા.
ત્રણ દિવસના ઘટાડા પછી ફાર્મામાં પણ ખરીદી
 ત્રણ સત્રથી સતત ઘટી રહેલા ફાર્મા શૅરોમાં ગઈ કાલે નીચા મથાળે થોડી ખરીદી જોવા મળી હતી. છેલ્લા ત્રણ સત્રમાં નિફ્ટી ફાર્મા ૨.૬ ટકા ઘટ્યા બાદ ગઈ કાલે ૧.૫૬ ટકા વધ્યો હતો. કંપનીઓમાં ડીવીઝ ફાર્મા ૩.૬૫ ટકા, આલ્કેમ લેબ ૩.૫૪ ટકા, સિપ્લા ૩.૧૯ ટકા, ડૉ. રેડ્ડીઝ ૨.૬૫ ટકા, બાયોકોન ૨.૦૬ ટકા, ઓરોબિંદો ફાર્મા ૧.૪૨ ટકા, કેડીલા હેલ્થ ૦.૮૧ ટકા વધ્યા હતા. સામે સન ફાર્મા ૦.૮૪ ટકા, લુપીન ૧.૦૪ ટકા અને ટોરેન્ટ ફાર્મા ૧.૯૩ ટકા ઘટ્યા હતા.
વિક્રમી લાંબી તેજી પછી આઇટી શૅરોમાં નરમ હવામાન
ઇન્ફર્મેશન ટેકનૉલૉજી શૅરોમાં છેલ્લા ૧૦ ટ્રેડિંગ સત્રથી સતત નરમ હવામાન જોવા મળી રહ્યું છે. એ અગાઉ સતત ૧૨ સત્ર સુધી બે દાયકામાં પ્રથમ વખત વધ્યા બાદ હવે ૧૦માંથી આઠ ટ્રેડિંગમાં નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૬.૫ ટકા ઘટ્યો છે. પ્રોફિટ બુકિંગ, અમેરિકામાં ચૂંટણી પહેલાં રાજકીય અનિશ્ચિતતા અને કોરોના વાઇરસના વધી રહેલા કેસના કારણે બિઝનેસને અસર થશે એવી ધારણાએ શૅર ઘટી રહ્યા છે. ગઈ કાલે નિફ્ટી આઇટી ઇન્ડેક્સ ૧.૧૪ ટકા ઘટ્યો હતો. લાર્સન એન્ડ ટુબ્રો ઇન્ફોટેક ૨.૫૫ ટકા, ટીસીએસ ૧.૯૯ ટકા, ઇન્ફોસિસ ૧.૬૧ ટકા, વિપ્રો ૧.૪૬ ટકા, માઇન્ડટ્રી ૦.૮૬ ટકા ઘટીને બંધ આવ્યા હતા. સામે ટેક મહિન્દ્ર ૧.૦૯ ટકા, કોફોર્જ ૦.૫૮ ટકા અને એચસીએલ ટેક ૦.૨૬ ટકા વધ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
આગામી બોર્ડ બેઠકમાં નાણાભંડોળ એકત્ર કરવાના વિકલ્પ વિચારશે એવી જાહેરાત સાથે આઇડીબીઆઇ બૅન્કના શૅર ૧.૯૪ ટકા ઘટ્યા હતા. સામે મન્નાપુરમ ફાઇનૅન્સના શૅર નવા ભંડોળ એકત્ર કરવાની જાહેરાત સાથે ૧.૦૫ ટકા વધ્યા હતા.
બીજા ક્વૉર્ટરમાં નફો ૩૧૮ ટકા અને આવક ૧૭ ટકા વધી હોવાથી સીએટ ટાયર્સના શૅર ૧.૩૫ ટકા વધ્યા હતા. નફો ૨૮૮ ટકા અને આવક ૭૬ ટકા વધી હોવાથી એન્જલ બ્રોકિંગના શૅર ૨૦ ટકા વધ્યા હતા. ફિનોલેક્સનો નફો ૧૬.૬ ટકા અને આવક ૧.૬ ટકા વધી હોવાથી શૅરનો ભાવ ૩.૯૭ ટકા વધ્યો હતો.

એમએસઆઇસીએ ફ્રી ફ્લોટમાં ફેરફાર કરતાં શૅરબજારમાં નવો વિદેશી મૂડીપ્રવાહ આવશે

નવેમ્બર ૨૦૨૦થી અમલમાં આવે તે રીતે એમએસઆઇસીએ ભારતીય કંપનીઓના શૅરમાં વિદેશી રોકાણની મર્યાદાના નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. વૈશ્વિક નાણાં સંસ્થાઓ રોકાણ માટે એમએસઆઇસીના કેટલાક ઇન્ડેક્સના આધારે અથવા તો ઇન્ડેક્સ જેવા જ પોર્ટફોલિયો થકી જ ભારત સહિત વિશ્વની બજારોમાં રોકાણ કરે છે. એમએસઆઇસી વિશ્વમાં ઇન્ડેક્સ આપતી સૌથી મોટી કંપની છે અને તેના ઇન્ડેક્સના આધારે લગભગ ૧૫ ટ્રિલ્યન ડૉલરના મૂલ્યની એસેટ્સમાં રોકાણ થયું છે.
ભારત સરકારની વિદેશી મૂડીરોકાણની મર્યાદાઓના પ્રમાણે ભારતની શૅરબજારમાં લિસ્ટેડ કંપનીઓ (કે જે એમએસઆઇસી ઇન્ડિયા, એશિયા એક્સ જપાન વગેરે) ઇન્ડેક્સમાં સમાવિષ્ટ છે તેના આધારે ફરી ફ્લોટ ગણવામાં આવશે. જેમ કે ઑઈલ અૅન્ડ ગૅસ ક્ષેત્રમાં ભારત ૧૦૦ ટકા વિદેશી મૂડીરોકાણ આવકારે છે તો તેમાં એ પ્રકારે ફેરફાર કરવામાં આવશે. જોકે સરકારની કુલ મર્યાદા સામે કંપનીના બોર્ડે પણ વિદેશી મૂડીરોકાણની મંજૂરી આપવી જોઇશે. કંપનીના શૅરહોલ્ડિંગમાં વિદેશી રોકાણ હોય કે નહીં પણ બોર્ડે આપેલી મંજૂરી જેટલો ફ્રી ફ્લોટ ગણવામાં આવશે.
ઉદાહરણ તરીકે અદાણી ગ્રીનમાં બોર્ડની મર્યાદા ૨૪ ટકાની છે અને તેમાં ૨૨.૪૩ ટકા રોકાણ વિદેશી શૅરહોલ્ડરનું છે તો હજુ ૧.૫૭ ટકા રોકાણ આવી શકે છે, કોટક મહિન્દ્ર બૅન્કમાં ૪૫ ટકાની બોર્ડે મર્યાદા નક્કી કરી છે, પણ વાસ્તવિક રોકાણ ૪૨.૨૩ ટકા છે તો ૨.૨૭ ટકા નવું રોકાણ આવી શકે છે.
આ ફેરફારથી મોર્ગન સ્ટેન્લીના મતે કેટલીક ભારતીય કંપનીઓમાં ૨.૫ અબજ ડૉલરનું કુલ રોકાણ આવી શકે છે. સ્થાનિક બ્રોકરેજ હાઉસ એમકેના મતે લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કોટક મહિન્દ્ર બૅન્કમાં કે ૮૦૦ કરોડ રૂપિયાનું રોકાણ અદાણી ગ્રીનમાં આવી શકે છે.

business news