શૅરબજારની તેજીને કારણે દેશમાં નાણાકીય અસ્થિરતાનું મોટું જોખમ

23 June, 2021 03:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિઝર્વ બૅન્ક પછી હવે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ પણ આપી ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

થોડા સમય પહેલાં રિઝર્વ બૅન્કે શૅરબજારમાં આવેલા ઉછાળા બાબતે સાવધાની વ્યક્ત કરી હતી અને હવે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)ના અર્થશાસ્ત્રીઓએ પણ આ જોખમ સામે ચેતવણી આપી છે.

એસબીઆઇના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે ગયા વર્ષે કુલ રાષ્ટ્રીય પેદાશ (જીડીપી)માં ઘટાડો થવા છતાં ભારતીય કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન અન્ય મોટાં અર્થતંત્રોની તુલનાએ સૌથી વધુ ઝડપે વધ્યું છે. આ કારણસર નાણાકીય સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે. રીટેલ રોકાણકારોએ માર્કેટમાં વધુ રસ લેવાનું શરૂ કર્યું છે. ગત નાણાકીય વર્ષમાં આ રોકાણકારોની સંખ્યામાં ૧.૪૨ કરોડનો વધારો થયો હતો. ગયા બે મહિનામાં એટલે કે એપ્રિલ અને મેમાં બીજા ૪૪ લાખ રોકાણકારો ઉમેરાયા છે. આ પરિવર્તન ટકાઉ છે કે કામચલાઉ એવો સવાલ એસબીઆઇની એક નોંધમાં ઊભો કરવામાં આવ્યો છે.

આ અર્થશાસ્ત્રીઓએ કહ્યા મુજબ દેશમાં અન્ય નાણાકીય સાધનોમાં વળતર ઓછું મળી રહ્યું હોવાથી, વૈશ્વિક સ્તરે નાણાંની પ્રવાહિતા પુષ્કળ વધી ગઈ હોવાથી તથા લોકો વધુ સમય ઘરમાં રહેવા લાગ્યા હોવાથી ઇક્વિટી માર્કેટમાં ઉછાળો આવ્યો હોઈ શકે છે.

૩૦ મુખ્ય શૅરોનો બનેલો એસઍન્ડપી બીએસઈ સેન્સેક્સ ગયા વર્ષના એપ્રિલમાં જોવા મળેલા ૨૮,૦૦૦ પૉઇન્ટના સ્તરેથી વધીને હાલ ૫૨,૦૦૦ પૉઇન્ટની ઉપર ચાલી રહ્યો છે. વાસ્તવિક અર્થતંત્રમાં કોઈ મોટો સુધારો થયો ન હોવા છતાં શૅરબજારમાં તેજી છે. તેને લીધે નાણાકીય સ્થિરતા સામે જોખમ ઊભું થયું છે.

ભારતમાં સેન્સેક્સ ગયા વર્ષે ૧.૮ ગણો વધ્યો છે. તેની તુલનાએ રશિયામાં ૧.૬૪ ગણો, બ્રાઝિલમાં ૧.૬૦ ગણો અને ચીનમાં ૧.૫૯ ગણો વધારો થયો છે.

દેશના અન્ય મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી ૫૦નું વિશ્લેષણ કરીને એસબીઆઇની નોંધમાં કહેવામાં આવ્યું છે કે ગયા એક વર્ષમાં નાણાકીય સેવાઓના સ્ટૉક્સનું માર્કેટ કૅપ સૌથી વધુ પ્રમાણમાં (૧૫૭ લાખ કરોડ રૂપિયા) વધ્યું છે. ત્યાર બાદ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી, ઑઇલ ઍન્ડ ગૅસ, કન્ઝ્યુમર ગુડ્સ, ઑટોમોબાઇલ્સ, મેટલ્સ અને ફાર્માનો ક્રમ આવે છે.

આ નોંધમાં જણાવવામાં આવ્યું છે કે કુલ ઘરગથ્થુ બચતમાંથી શૅર અને ડિબેન્ચરમાં કરાયેલા રોકાણનો હિસ્સો ૨૦૧૯-’૨૦ના ૩.૪ ટકાના સ્તરથી વધીને પાછલા નાણાકીય વર્ષમાં ૪.૮થી ૫ ટકા થયો હોવાની શક્યતા છે. આ જ રીતે કુલ રાષ્ટ્રીય પેદાશમાં આ પ્રમાણ ૦.૪ ટકાથી વધીને ૦.૭ ટકા થઈ ગયું છે.

business news