અનિલ અંબાણીને મોટી રાહત, બોમ્બે હાઈકોર્ટે ટેક્સ ચોરીના કેસમાં કાર્યવાહી ન કરવાનો આપ્યો આદેશ

26 September, 2022 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોમ્બે હાઈકોર્ટે સોમવારે આવકવેરા વિભાગને બ્લેક મની એક્ટ હેઠળ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતી કારણ બતાવો નોટિસ પર 17 નવેમ્બર સુધી કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો

ફાઇલ તસવીર

420 કરોડની કરચોરીના મામલામાં બોમ્બે હાઈકોર્ટે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને મોટી રાહત આપી છે. કોર્ટે આવકવેરા વિભાગને અનિલ અંબાણી સામે 17 નવેમ્બર સુધી કડક કાર્યવાહી ન કરવા જણાવ્યું છે.

બોમ્બે હાઈકોર્ટે સોમવારે આવકવેરા વિભાગને બ્લેક મની એક્ટ હેઠળ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરતી કારણ બતાવો નોટિસ પર 17 નવેમ્બર સુધી કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો હતો.

8 ઑગસ્ટ, 2022 ના રોજ આવકવેરા વિભાગે અંબાણીને બે સ્વિસ બેન્ક ખાતાઓમાં રાખવામાં આવેલા 814 કરોડ રૂપિયાથી વધુના અઘોષિત નાણાં પર કથિત રીતે 420 કરોડ રૂપિયાની કરચોરી કરવા બદલ નોટિસ ફટકારી હતી. વિભાગે 63 વર્ષીય અનિલ અંબાણી પર "ઇરાદાપૂર્વક" ચોરી કરવાનો આરોપ મૂક્યો છે અને કહ્યું છે કે તેમણે ભારતીય કર સત્તાવાળાઓને તેમના વિદેશી બેન્ક ખાતા અને તેમના નાણાકીય હિતોની વિગતો જાહેર કરી નથી.

વિભાગની સૂચના અનુસાર, બ્લેક મની (અનડિસક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) ટેક્સ એક્ટ 2015ની કલમ 50 અને 51 હેઠળ અંબાણી સામે કાર્યવાહી થઈ શકે છે, જેમાં દંડ સાથે વધુમાં વધુ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. અંબાણીએ આ મહિનાની શરૂઆતમાં નોટિસને પડકારતી અરજી સાથે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બ્લેક મની એક્ટ 2015માં લાગુ કરવામાં આવ્યો હતો. કથિત વ્યવહારો આકારણી વર્ષ 2006-2007 અને 2010-2011 સાથે સંબંધિત છે. અંબાણીની તરફેણમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ રફીક દાદાએ રજૂઆત કરી હતી કે કાયદાની જોગવાઈઓ પાછળના સમયમાં અસર કરી શકે નહીં.

બીજી તરફ આવકવેરા વિભાગ તરફથી હાજર રહેલા એડવોકેટ અખિલેશ્વર શર્માએ અરજીનો જવાબ આપવા માટે સમય માગ્યો હતો. જસ્ટિસ એસવી ગંગાપુરવાલા અને જસ્ટિસ આરએન લદ્દાની ડિવિઝન બેન્ચે આને મંજૂરી આપી અને અરજી પર સુનાવણી માટે 17 નવેમ્બરની તારીખ નક્કી કરી.

કોર્ટે આ સમય દરમિયાન એમ પણ કહ્યું હતું કે, "આવકવેરા વિભાગ આગામી તારીખ સુધી અરજદાર (અંબાણી) સામે કારણ બતાવો નોટિસ હેઠળ કોઈ મોટી કાર્યવાહી કરશે નહીં."
અનિલ અંબાણીની કંપની ખરીદવા માટે દેવાથી દબાયેલા ઉદ્યોગપતિઓ આગળ આવ્યા છે. પિરામલ ગ્રુપ અને ઝ્યુરિચ ઈન્સ્યોરન્સ રિલાયન્સ કેપિટલની પેટાકંપની રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સને ખરીદવા માટે સંયુક્ત સાહસ બનાવવા જઈ રહ્યા છે. અજય પિરામલ પિરામલ ગ્રુપના ચેરમેન છે. અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીની પુત્રી ઈશાના લગ્ન પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પિરામલે મુંબઈમાં અનિલ અંબાણીના બંગલાને પણ વેચાતો બચાવ્યો હતો.

business news anil deshmukh bombay high court