કોરોનાના કેસ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું સુધર્યું

14 January, 2021 02:47 PM IST  |  Mumbai | Mayur Mehta

કોરોનાના કેસ વધતાં વર્લ્ડ માર્કેટમાં સોનું સુધર્યું

તસવીર સૌજન્ય જાગરણ

અમેરિકામાં જો બાઇડન ૨૦ જાન્યુઆરીએ સત્તારૂઢ થયા બાદ મૅગા રિલીફ પૅકેજ જાહેર કરે એવી શક્યતા અને કોરોનાના કેસ વિશ્વના અનેક દેશોમાં સતત વધી રહ્યા હોવાથી એની અસરે વર્લ્ડ માર્કેટમાં સોનું સુધર્યું હતું, પણ સ્થાનિક માર્કેટમાં સોનું ઘટ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૮૫ રૂપિયા અને ચાંદીનો ભાવ ૧૧૭ રૂપિયા ઘટ્યો હતો.
વિદેશી પ્રવાહો
અમેરિકામાં બાઇડન દ્વારા ૨૦ જાન્યુઆરીથી સત્તાનાં સૂત્રો સંભાળવામાં આવશે. બાઇડન સત્તાનાં સૂત્રો સંભાળશે કે તરત જ મૅગા રિલીફ પૅકેજની ઘોષણા કરવામાં આવશે એવું અત્યારે બધા માની રહ્યા છે. બાઇડનને હવે સેનેટમાં પણ બહુમતિ મળી ચૂકી હોવાથી મૅગા રિલીફ પૅકેજ આડે કોઈ વિઘ્ન આવી શકે એમ નથી. મૅગા રિલ‌ીફ પૅકેજથી ઇન્ફલેશન વધવાની શક્યતાએ બુધવારે વર્લ્ડ માર્કેટમાં સોનાના ભાવ વધ્યા હતા. કોરોના વાઇરસનો વૅક્સિનેશન પ્રોગ્રામ ઝડપથી આગળ વધી રહ્યો છે, પણ એની સામે સંક્રમિત કેસની સંખ્યા પણ વધી રહી હોવાથી યુરોપ અને એશિયાના અનેક દેશોમાં લૉકડાઉન લાદવામાં પણ આવ્યું છે. આ તમામ બાબતોની સંયુક્ત અસરરૂપે સોનું છેલ્લા બે દિવસમાં ઘટ્યા ભાવથી ૨૦ ડૉલર સુધરી ગયું હતું.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો ઇકૉનૉમિક ઓપ્ટિમિઝમ ઇન્ડેક્સ જાન્યુઆરીમાં ૧.૧ ટકા વધીને ૫૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબર પછી પ્રથમ વખત ૫૦ પૉઇન્ટની ઉપર રહ્યો હતો. અમેરિકાનું ઇન્ફલેશન ડિસેમ્બરમાં વધીને ૧.૪ ટકાએ પહોંચ્યું હતું, જે નવેમ્બરમાં ૧.૨ ટકા હતું તેમ જ ટ્રેડની ધારણા ૧.૩ ટકાની હતી, મન્થ્લી બેઝ પર અમેરિકાનું ઇન્ફલેશન ૦.૪ ટકા વધ્યું હતું. અમેરિકામાં ગેસોલીનના ભાવમાં ૬૦ ટકા વધારો થતાં એની અસર ઇન્ફલેશન પર જોવા મળી હતી. અમેરિકામાં હાલમાં રોજના ૧૨.૫ લાખ લોકોને કોરોનાની વૅક્સિન આપવામાં આવી રહી હોવાથી ઇકૉનૉમિક રિકવરીની આશા વધી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં ૯૨.૭ લાખ લોકોને કોરોનાની વૅક્સિન અપાઈ ચૂકી છે. જર્મનીમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી હાલમાં લૉકડાઉનનો અમલ ચાલુ છે. જર્મનીના સત્તાવાળાઓ માર્ચ સુધી લૉકડાઉન લંબાવવાની વિચારણા કરી રહ્યા છે. અમેરિકન ઇકૉનૉમિક કન્ડિશન રિકવરીના સંકેતોથી આગામી દિવસોમાં ઇન્ફલેશન વધી શકે છે. ઇન્ફલેશનના વધારા સામે સોનું બેસ્ટ હેજિંગ ટુલ્સ હોવાથી સોનામાં ખરીદદારી વધતી રહેશે.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ
લંડનની ફાઇનૅન્શિયલ સર્વિસ કંપની આઇજી (ઇન્વેસ્ટર ગોલ્ડ ઇન્ડેક્સ) કંપનીના ઍનૅલિસ્ટે જણાવ્યું હતું કે રીઅલ યીલ્ડ નેગેટિવ હોવાથી અમેરિકી ડૉલર સતત ઘટતો રહેશે, જેને કારણે સોનામાં ખરીદીનું આકર્ષણ સતત વધી રહ્યું છે. બાઇડન સત્તાનાં સૂત્રો સંભાળશે ત્યાર બાદ પહેલી પ્રાયોરિટી ઇકૉનૉમિક સિચ્યુએશનને સુધારવા મૅગા રિલીફ પૅકેજની જાહેરાત કરવાની રહેશે. મૅગા રિલીફ પૅકેજને કારણે ઇન્ફલેશન સતત વધતું રહેશે. નેગેટિવ રીઅલ યીલ્ડ અને ઇન્ફલેશનનો વધારો સોનાના ભાવને સતત ઊંચે લઈ જશે. ફેડ ઇન્ટરેસ્ટ રેટને લૉન્ગ ટર્મ ઝીરો નજીક રાખશે તો સોનામાં લૉન્ગ ટર્મ તેજી જોવા મળશે.

business news joe biden