સાવધાન! શૅરબજારમાં પાંચમાંથી માત્ર એક જ કંપની સારું વળતર આપે છે

28 October, 2019 11:40 AM IST  |  મુંબઈ

સાવધાન! શૅરબજારમાં પાંચમાંથી માત્ર એક જ કંપની સારું વળતર આપે છે

માર્કેટમાં રોકાણ કરતા પહેલા સાવધાન

ભારતીય શૅરબજારમાં ડિસેમ્બર ૨૦૧૭થી જૂન ૨૦૧૯ના સમયગાળામાં માત્ર કેટલીક કંપનીઓના સહારે જ સેન્સેક્સ અને નિફ્ટી ઊછળેલા જોવા મળી રહ્યા છે. આવી ટોચની કંપનીઓના શૅર ધરાવતા રોકાણકારોને જ ફાયદો થયો છે, બાકીના રોકાણકારો પોતાના પરસેવાની કમાણી ગુમાવી રહ્યા છે. સૌથી મોટું નુકસાન સ્મોલ કૅપ અને મીડિયમ કૅપ કંપનીઓના રોકાણકારોને થયું છે.
સામ્કો સિક્યૉરિટીઝ દ્વારા તાજેતરમાં એક અભ્યાસ રજૂ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસ પણ સ્વીકારે છે કે માત્ર ૧૭ ટકા કંપનીઓ કે પાંચમાંથી એક જ ઇક્વિટીમાં રોકાણના જોખમ સામે અપેક્ષિત વળતર આપે છે. આ અભ્યાસ અનુસાર ૫૫ ટકા કંપનીઓમાં વળતર મળતું નથી, ૭૦ ટકા જેટલી કંપનીઓ બૅન્ક ફિક્સ ડિપૉઝિટ જેટલું વળતર આપે છે અને માત્ર ૧૭ ટકા કંપનીઓ બજારમાં ૧૫ ટકા કે તેથી વધારે વળતર આપે છે.
ડિસેમ્બર ૨૦૧૭ અને જૂન ૨૦૧૯ વચ્ચે કુલ ૨૭૬૦ કંપનીઓના માર્કેટ કૅપનો અભ્યાસ કરતા જાણવા મળ્યું છે કે નુકસાન થયું હોય કે જે કંપનીઓનું બજારમૂલ્ય ઘટ્યું હોય તેવી કંપનીઓની સંખ્યા ફાયદો થયો હોય તેવી કંપનીઓ કરતાં ત્રણ ગણી વધારે છે. કુલ ૧૦૩૪ કંપનીઓ એવી છે કે જેમાં રોકાણકારોની સંપત્તિ (માર્કેટ કૅપ) ૧૦ કરોડ રૂપિયા કે તેથી વધારે ઘટી હોય. આ સંપત્તિમાં ૧૦ કરોડ રૂપિયાથી વધારો થયો હોય તેવી માત્ર ૩૫૬ કંપનીઓ છે.
સંપત્તિ સર્જનનું માપદંડ વધારે કડક બનાવીએ તો ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે માર્કેટ કૅપ વધ્યું હોય તેવી કંપનીઓની સંખ્યા ૨૦૭ જેટલી છે જ્યારે તેની સામે ૧૦૦ કરોડ રૂપિયાથી વધારાનું નુકસાન થયું હોય તેવી કંપનીઓની સંખ્યા ૫૩૪ કે બમણાથી પણ વધારે છે. ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધારે માર્કેટ કૅપમાં નુકસાન થયું હોય તેવી કંપનીઓની સંખ્યા ૧૫૩ છે જ્યારે ૧૦૦૦ કરોડથી વધારે માર્કેટ કૅપમાં વૃદ્ધિ થઈ હોય તેવી કંપનીઓની સંખ્યા ૯૪ છે. આમ, દરેક રીતે જોઈએ તો નુકસાન થયું હોય તેવી કંપનીઓની સંખ્યા આ દોઢ વર્ષના સમયગાળામાં વધારે અને ફાયદો થયો હોય તેની સંખ્યા ઓછી છે.

આ પણ જુઓઃ આ પણ વાંચોઃ બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની હાજરીમાં શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થયું

આંકડાઓની માયાજાળમાં સૌથી ચોંકાવનારો ખુલાસો તો હજી બાકી છે. ડિસેમ્બર ૨૦૧૭ સામે જૂન ૨૦૧૯માં આ બધી ૨૭૬૦ કંપનીઓ મળી શૅરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં ૭,૩૨,૫૪૦ કરોડ રૂપિયાનો વધારો થયો છે, પણ જો ટોચની પાંચ કંપનીઓ કે જેમાં માર્કેટ કૅપ વધ્યું છે તે કાઢી નાખો તો સંપત્તિસર્જનમાં ૧,૭૬,૧૮૪ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ જાય છે. આ પાંચ કંપનીઓનું માર્કેટ કૅપ આ સમયગાળામાં ૯,૦૮,૭૨૪ કરોડ રૂપિયા વધ્યું છે.

સેબીએ લાર્જ, મીડિયમ અને સ્મોલ કૅપમાં મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ વધારે સુદૃઢ બનાવવા લાવેલા નિયમોના કારણે આ સ્થિતિ પેદા થઈ હોવાનું કેટલાક બજાર વિશ્લેષકો માને છે. આ માન્યતા પુરવાર કરવા માટે કંપનીઓના માર્કેટ કૅપના આંકડા (જે અસોસીએશન ઑફ મ્યુચ્ય્યુઅલ ફંડ - આમ્ફી - દ્વારા દર છ મહિનાથી સરેરાશના આધારે બહાર પાડવામાં આવે છે)ના આધારે હાથ ધરેલા અભ્યાસમાં આ માન્યતા સાચી પુરવાર થાય છે.
સેબીએ નવી વ્યાખ્યા કરી ટોચની ૧૦૦ કંપનીઓને લાર્જ કૅપ, એ પછીની ૨૫૦ મિડ કૅપ અને અગાઉની ટોચની ૩૫૦ કંપનીઓ સિવાયની બધી કંપનીઓને સ્મોલ કૅપ જાહેર કરી હતી. આ પછી નાની અને મધ્યમ કદની કંપનીઓમાં ફન્ડસનું રોકાણ ઘટી રહ્યું છે. મ્યુચ્યુઅલ ફંડ અને વિદેશી સંસ્થાઓ ભેગા મળી લગભગ ૨૦ લાખ કરોડ રૂપિયાનું રોકાણ ભારતીય શૅરબજારમાં ધરાવે છે, પણ ઉપલબ્ધ આંકડા અનુસાર તેનું ૭૭ ટકા રોકાણ ભારતની ટોચની ૫૦ કંપનીઓમાં જ થાય છે.
આ વ્યાખ્યા અનુસાર ટોચની ૧૦૦ કંપનીઓમાંથી ૫૧માં રોકાણકારોએ નાણાં ગુમાવ્યાં છે જ્યારે ૪૯માં વળતર મેળવ્યું છે. એ પછીની ૨૫૦ કંપનીઓમાંથી ૧૪૮માં રોકાણકારોએ નાણાં ગુમાવ્યાં છે અને ૧૦૨માં વળતર મેળવ્યું છે. સૌથી નાની કંપનીઓમાં માત્ર ૪૫૮માં વળતર મળ્યું છે જ્યારે ૧૩૧૩માં નાણાં ગુમાવવા પડ્યાં છે.

business news