દેશમાં બિયર બનાવતી કંપનીઓ 60000 ટન જવની આયાત કરશે

07 May, 2021 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં જવની અછતને પગલે ભાવ આસમાની ઊંચાઈએ પહોંચ્યા

ફાઈલ તસવીર

દેશમાં આલ્કોહૉલ અને બિયર સહિતની માગમાં વધારો થઈ રહ્યો હોવાથી આ પ્રકારનાં પીણાં બનાવતી કંપનીઓને જવની મોટી અછત પડી રહી છે, જેને પગલે ભારતીય કંપની ૬૦ હજાર ટન જવની આયાત કરશે. આ માટે કંપનીઓએ આર્જેન્ટિના સાથે વેપાર પણ કરી લીધા છે.

બજારનાં સૂત્રો સાથે સંકળાયેલા વર્ગે જણાવ્યું હતું કે આર્જેન્ટિનાથી જવના સોદા થઈ ગયા છે અને આગામી મહિનાની શરૂઆતમાં ગુજરાતના અદાણી પોર્ટ-મુન્દ્રા પર આ જવ આવી જશે. સ્થાનિક બજારમાં ભાવ ખૂબ ઊંચા હોવાથી આયાતી જવમાં હાલ પડતર લાગી હોવાથી વપરાશકાર ઉદ્યોગકારોએ મોટા પાયે આયાત વેપાર કર્યા છે.

દેશમાં જવના ભાવ એપ્રિલ મહિનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૨૦ ટકા જેવા વધી ગયા છે. જયપુરમાં હાજર બજારમાં જવના ભાવ હાલમાં વધીને ૧૮૫૦થી ૧૯૦૦ રૂપિયાની વચ્ચે ક્વોટ થઈ રહ્યા છે. જવનું સૌથી મોટું ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે, પંરતુ આ વર્ષે ત્યાં પાક ઓછો થયો છે અને ખેડૂત પાસે માલ બહુ ન હોવાથી હવે આવકો ઘટવા લાગી છે. આગામી ૧૦થી ૧૫ દિવસમાં આવકો પૂરી પણ થઈ જશે. હાલમાં મર્યાદિત માત્રામાં જસ્ટ સ્ટૉક પડ્યો છે.

રાજસ્થાનમાં દૈનિક ૧૦૦થી ૨૦૦ ગૂણી માંડ આવક થાય છે, જે ગયા વર્ષે ૧૮થી ૨૦ હજાર ગૂણી થતી હતી. જવની અછતને પગલે આગામી દિવસોમાં ભાવ હજી વધીને ૨૦૦૦ રૂપિાયની ઉપર પહોંચી શકે છે. મોલ્ટ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઉનાળામાં જવની વધુ ખરીદી કરવામાં આવતી હોય છે અને સ્થાનિક પુરવઠો ઓછો હોવાથી આયાત પર આધાર રાખવો પડ્યો છે.

business news