ફેડનું એલાન, વ્યાજદર ત્રણ વરસ ઝીરો રહેશે:મહત્તમ રોજગારી માટે ફેડ કમિટેડ

21 September, 2020 10:37 AM IST  |  Mumbai | Biren Vakil

ફેડનું એલાન, વ્યાજદર ત્રણ વરસ ઝીરો રહેશે:મહત્તમ રોજગારી માટે ફેડ કમિટેડ

કરન્સી

ફેડની મીટિંગમાં ફેડ ચૅરમૅન પોવેલે કહ્યું કે વ્યાજદરો ૨૦૨૩ સુધી શૂન્ય નજીક રહેશે. ફેડ મહત્તમ રોજગારી અને બે ટકા જેવો ફુગાવો લાવવા કમિટેડ છે, ઇકૉનૉમીને સપોર્ટ આપવા તમામ ટૂલ્સ વાપરશે. આમ તો ફેડનાં વિધાનો ૧૫ ઑગસ્ટની જૅક્સન હૉલ મીટિંગનું રીપિટેશન હતું, પણ આ વખતે એમાં ફેડનું કન્વિક્શન દેખાયું છે. બજારો કદાચ એટલે નિરાશ થયાં કે ફેડે બૉન્ડ બાઇંગ- ક્યુઈ પૉલિસી અને યિલ્ડ કર્વ વિશે વિગતો ન આપી. ફુગાવો બે ટકા કેમ લાવવો એ પ્રશ્નનો સંતોષકારક જવાબ પોવેલ પાસે નહોતો અથવા તો તેમને આપવો નહોતો. નૅસ્ડૅક, ડાઉ સહિત આગેવાન બજારોમાં વેચવાલી આવી, જે વેચવાલીનું ફોકસ ટેકહેવી શૅરો ફેંગમેન શૅરો હતા. મારા મતે ફેડની પૉલિસી સ્વયં સ્પષ્ટ છે. બજારે કદાચ ફેડને અન્ડરએસ્ટિમેટ કરી છે કે બજારના અનુભવીઓ કહે છે કે નેવર ફાઇટ વીથ ધ ફેડ. ફેડ પોતાનો ગોલ કે મેન્ડેટ નક્કી કરે પછી એ પૂરો કરવા કોઈ પણ હદે જાય છે એ પાછલાં ૫૦ વર્ષનો ઇતિહાસ કહે છે.

વૈશ્વિક બજારોની વાત કરીએ તો ચીન-અમેરિકા વચ્ચેની ટેકવૉર-કોલ્ડ વૉર પર કરન્સી બજારોનું ફોકસ છે સાથોસાથ યુકેની યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ કેવી રહે એના પર પણ બજારની નજર છે. અમેરિકાએ ચીની ઍપ ટીકટૉક અને વીચેટ ડાઉનલોડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીને વળતાં પગલાં માટે ચીમકી આપી છે. અમેરિકી આર્થિક અને પર્યાવરણ સચિવ તાઇવાન ગયા એટલે ચીન ભુરાયું થતાં તાઇવાનની સ્પેસમાં ૧૮ ફાઇટર મોકલ્યાં. સરકાર તરફી અખબાર ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે આ ઉડાનો તાઇવાન પર કબજા માટેનું રિહર્સલ હતું. મૉક ડ્રિલ નહોતી. એક મહિનામાં બીજી વાર અમેરિકી ઉચ્ચ અધિકારી તાઇવાન આવ્યા છે. અમેરિકાએ પેસિફિકમાં લશ્કરી કાફલાની જમાવટ કરી છે. ભારતે પણ લદ્દાખ સરહદે સૈન્યબળ વધાર્યું છે. અમેરિકાએ અતિઆધુનિક બી-2 બૉમ્બર એશિયામાં તહેનાત કર્યાં છે, જે તાઇવાન અને ભારત બન્નેને સહાય કરી શકે એમ છે. એકસાથે ૧૬ અણુબૉમ્બ ફેંકી શકે એવા આ વિમાનો રડારમાં પકડાતાં નથી. બાલ્ટિક સમુદ્રમાં રશિયા અને નાટો વચ્ચે તંગદિલી વધતાં અમેરિકાએ પોજિડોન મેરિટાઇમ નેવી વિમાનો તહેનાત કર્યાં છે, જે નાટોના સપોર્ટમાં રહેશે. મેડિટેરિયન સીમાં પણ ગ્રીસ અને ટર્કી વચ્ચે યુદ્ધના ભણકારા ગાજે છે. જોકે સૌથી વધુ તનાવ સાઉથ ચાઇના સીમાં ચીન-તાઇવાન વચ્ચે છે.

કરન્સી બજારોની વાત કરીએ તો રૂપિયો ૭૩-૭૩.૭૫ની રેન્જમાં અથડાઈ છેલ્લે ૭૩.૪૫ બંધ રહ્યો છે. ફૉરેકસ રિઝર્વ ૩૫૩ મિલ્યન ડૉલર ઘટીને ૫૪૧ અબજ ડૉલર રહી છે. રૂપિયામાં શૉર્ટ ટર્મ રેન્જ ૭૨.૮૫-૭૪.૨૦ છે. સપોર્ટ લેવલ ૭૩.૩૭, ૭૩.૧૦, ૭૨.૮૫ અને રેઝિસ્ટન્સ ૭૩.૭૫, ૭૩.૯૭, ૭૪.૨૦ છે. ક્રૉસ ય્રેડમાં રૂપિયો યુરો અને પાઉન્ડ સામે પણ સીમિત દાયરામાં અથડાઈ રહ્યો છે. એકંદરે ઇન્ટરબૅન્ક બજારમાં કારોબાર સુસ્ત છે.

વૈશ્વિક બજારોમાં ચીની યુઆન સ્ટાર પર્ફોર્મર હતો. ચીન કોરોનાથી મુકત થઈ ગયું છે અને ફૅક્ટરીઓ ધમધમે છે. ચીનમાં આર્થિક રિકવરી ઘણી ઝડપી છે. ચીન સોયાબીન, પામતેલ, મકાઈથી માંડીને મેટલ્સ અને આયર્ન ઓર જેવી કૉમોડિટીઝમાં જબ્બર ખરીદી કરે છે. એમ છતાં યુઆન મજબૂત રહેવાથી એના આયાતખર્ચમાં ઘટાડો છે. યુઆન એક સપ્તાહમાં ૬.૮૬થી વધી ૬.૭૬ થયો છે. એક વર્ષમાં ૭.૨૦થી સુધરીને ૬.૭૬ થયો છે. યેન ૧૦૬.૨૦થી સુધરીને ૧૦૪.૧૫ થયો છે. એશિયામાં સૌથી નબળી કરન્સી ટર્કી લીરા રહી છે. ટર્કીમાં ઇકૉનૉમી રફેદફે થઈ ગઈ છે.

યુરોપમાં પાઉન્ડમાં મામૂલી સુધારો હતો. યુકે ઈયુથી કોઈ પણ ડિલ કર્યા વિના છૂટું પડે તો એને હાર્ડ બ્રેક્ઝિટ કહેવાય. પાઉન્ડની રેન્જ ૧.૨૭-૧.૩૧ છે. યુરોની રેન્જ ૧.૧૬૬૬-૧.૨૦૮૦ છે. યુરો-રૂપિયાની રેન્જ ૮૬.૬૦-૮૮.૮૦ છે. પાઉન્ડ રૂપાની રેન્જ ૯૩.૭૦-૯૬.૬૦ છે. યેનની રેન્જ ૧૦૩.૭૦-૧૦૫.૭૦ છે. ડોલેક્સની રેન્જ ૯૧.૮૦-૯૪.૮૦ છે. ગોલ્ડની રેન્જ ૧૯૨૫-૨૦૨૫ ડૉલર છે.

business news