કોરોનાકાળમાં સોપારીના ભાવમાં ૭૦ ટકાનો ઉછાળો આવ્યો

29 July, 2021 01:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેશમાં ગત વર્ષે એપ્રિલ ૨૦૨૦માં લૉકડાઉન લાદવામાં આવ્યું ત્યારે સોપારીના ઑક્શન ભાવ મથકોએ સરેરાશ ૨૦૦થી ૨૫૦ રૂપિયા પ્રતિ કિલો બોલાયા હતા

પ્રતીકાત્મક તસવીર

કોરોનાકાળમાં છેલ્લા એક વર્ષમાં સોપારીના ભાવમાં ઝડપી તેજી આવી છે અને ભાવ છેલ્લા એક વર્ષમાં સરેરાશ ૭૦ ટકા વધી ગયા છે. આગામી દિવસોમાં સોપારીના ભાવ હજી વધે એવી સંભાવના જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

દેશમાં ગત વર્ષે એપ્રિલ ૨૦૨૦માં લૉકડાઉન લાદવામાં આવ્યું ત્યારે સોપારીના ઑક્શન ભાવ મથકોએ સરેરાશ ૨૦૦થી ૨૫૦ રૂપિયા પ્રતિ કિલો બોલાયા હતા, જે તાજેતરમાં વધીને ૪૦૦થી ૪૫૦ રૂપિયાની સપાટી પર પહોંચ્યા છે. જૂની સોપારીના ભાવ તો પ્રતિ કિલો ૫૦૦થી ૫૨૦ રૂપિયા સુધી ક્વૉટ થયા હતા.

સોપારીમાં તેજી અંગે જાણકારો કહે છે કે સોપારીની ગેરકાયદે આયાત અટકી ગઈ છે અને છેલ્લાં થોડાં વર્ષમાં એનાં ઉત્પાદન ઉપર પણ અસર પહોંચી છે. બીજી તરફ સોપારીની માગમાં જબ્બર વધારો થયો છે. પરિણામે ભાવ ઊંચકાયા છે.

સેન્ટ્રલ સોપારી અને કોકો માર્કેટિંગ અને પ્રોસેસિંગ કો-ઑપરેટિલ લિમિટેડ (કેમ્પકો)ના અધિકારીઓ કહે છે કે ગેરકાયદે આયાત ઉપર સરકારી દેખરેખને પગલે સોપારીના ભાવમાં સુધારો થયો છે. ઘરઆંગણે પણ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. સોપારીના પાકમાં રોગ-જીવાત આવી હોવાથી આ વર્ષે પણ ઉત્પાદનમાં ૩૦ ટકાનો ઘટાડો થાય એવી સંભાવના રહેલી છે, જેને પગલે ભાવ હજી વધે એવી સંભાવના નકારી શકાય એમ નથી.

જેમની પાસે જૂનો સ્ટૉક પડ્યો એ જૂની સોપારી હોલસેલમાં ૫૦૦ રૂપિયાથી નીચે વેચાણ થતી નથી.

business news