વિદેશપ્રવાસ પાછળ બે લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ કરનારે આવકવેરા રિટર્ન ભરવું પડે છે

24 May, 2022 05:06 PM IST  |  Mumbai | Nitesh Buddhadev

કરદાતાએ વર્ષ દરમ્યાન કરાયેલા વિદેશપ્રવાસ પર જો બે લાખ કે તેનાથી વધારે રૂપિયા ખર્ચ થયો હોય તો તેની જાણકારી આવકવેરાના રિટર્નમાં આપવાની હોય છે

વિદેશપ્રવાસ પાછળ બે લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ કરનારે આવકવેરા રિટર્ન ભરવું પડે છે

જેમ-જેમ કોરોના રોગચાળાની અસર ઓછી થતી જાય છે તેમ-તેમ લોકો વિદેશમાં ફરવા જવા લાગ્યા છે. શું તમને ખબર છે કે તમે વિદેશપ્રવાસ કરો તો આવકવેરાના રિટર્નમાં તેની વિગતો લખવાની હોય છે?
કરદાતાએ વર્ષ દરમ્યાન કરાયેલા વિદેશપ્રવાસ પર જો બે લાખ કે તેનાથી વધારે રૂપિયા ખર્ચ થયો હોય તો તેની જાણકારી આવકવેરાના રિટર્નમાં આપવાની હોય છે. આ ખર્ચ તેમણે પોતાના પર કે અન્ય કોઈના પર કર્યો હોય તોપણ તેની વિગતો લખવી જરૂરી છે. 
ઉદાહરણ તરીકે શ્રીમતી મધુબહેન માર્ચ ૨૦૨૨માં દુબઈ ગયાં હતાં અને તેમાં તેમણે ૨.૧ લાખ રૂપિયા ખર્ચ્યા. એમની બિઝનેસ-વ્યવસાયની આવક ૨.૪ લાખ રૂપિયા છે અને તેથી એમને લાગે છે કે એમણે આવકવેરાનું રિટર્ન ભરવાની જરૂર નથી. એમનો આ વિચાર સ્વાભાવિક છે, કારણ કે સામાન્ય રીતે લોકોની એવી સમજ છે કે જ્યારે કરપાત્ર આવક હોય ત્યારે જ કરવેરાનું રિટર્ન ભરવાનું હોય છે. જોકે ફાઇનૅન્સ બિલ ૨૦૧૯માં સરકારે આવકવેરા રિટર્ન ભરવાને લગતા નિયમોમાં ફેરફાર જાહેર કર્યા હતા. તેને પગલે જે વ્યક્તિઓ-એચયુએફ નીચે પ્રમાણેની શ્રેણીમાં આવતી હોય એમણે આવકવેરા રિટર્ન ભરવાનું હોય છે :
૧. જેમનું વીજ વપરાશનું બિલ એક લાખ રૂપિયા કરતાં વધારે આવ્યું હોય.
૨. પોતાના કે અન્ય કોઈ વ્યક્તિના વિદેશ પ્રવાસ પાછળ પોતે ૨ લાખ રૂપિયા કે તેથી વધુ ખર્ચ કર્યો હોય.
૩. કરન્ટ અકાઉન્ટમાં એક કરોડ રૂપિયા કરતાં વધારે રકમ જમા કરવામાં આવી હોય.
૪. આવકવેરા કાયદાની કલમ ૫૪ હેઠળ વિવિધ જોગવાઈઓના આધારે લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન્સ ટૅક્સમાંથી મુક્તિનો લાભ મેળવવા માટે ક્લેમ કરવામાં આવ્યો હોય.
આ સુધારો એ સુનિશ્ચિત કરે છે કે જે લોકો મોટા પ્રમાણમાં ખર્ચ કરવાની ક્ષમતા ધરાવે છે તેઓ ટૅક્સ ભરવામાંથી અને આવકવેરા રિટર્ન ભરવાથી બચી ન જાય. નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ માટે, મધુબહેને વિદેશપ્રવાસ પાછળ બે લાખ રૂપિયા કરતાં વધુ ખર્ચ કર્યો છે તેથી તેમણે આવકવેરા રિટર્ન ભરવું પડશે અને ખર્ચની વિગતો તેમાં લખવાની રહેશે. 
હવે ધારો કે શ્રીમતી મીનાબહેન માર્ચ ૨૦૨૨માં દુબઈ ગયાં હતાં અને એમનો ખર્ચ ૨.૧ લાખ રૂપિયા થયો હતો. એમની પોતાની કોઈ આવક નથી અને તેઓ નિયમિતપણે આવકવેરા રિટર્ન ભરતાં નથી. એમના પ્રવાસનો સંપૂર્ણ ખર્ચ એમના દીકરા અલ્પેશે ઉપાડ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨માં અલ્પેશે, ભલે બીજાના માટે ખર્ચ કર્યો હોય, તેમણે બે લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ કર્યો હોવાથી આવકવેરા રિટર્નમાં તેની જાણકારી આપવાની રહેશે. 
વધુ એક ઉદાહરણ લઈએ. આશાબહેન માર્ચ ૨૦૨૨માં કંપની દ્વારા પ્રાયોજિત ટ્રિપમાં દુબઈ ગયાં હતાં અને કંપનીએ એમના પ્રવાસ પાછળ ૨.૧ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એમને લાગે છે કે વિદેશપ્રવાસ કર્યો છે અને ખર્ચ ૨ લાખ રૂપિયા કરતાં વધારે થયો છે તેથી એમણે આવકવેરા રિટર્ન ભરવું પડશે. હકીકતમાં એમના પ્રવાસનો ખર્ચ કંપનીએ કર્યો હોવાથી એમણે રિટર્નમાં વિદેશપ્રવાસની વિગતો આપવાની કોઈ જરૂર રહેતી નથી. જો દુબઈથી તેઓ પોતાના ખર્ચે અબુધાબી ગયાં હોત અને ત્યાં પોતાના ખિસામાંથી ૨.૫ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોત તો એમણે રિટર્ન ભરવું પડ્યું હોત. 
અહીં એ પણ જણાવવું રહ્યું કે જો વિદેશી ચલણમાં ચુકવણી કરવામાં આવી હોય અને વિનિમય દર પ્રમાણે એ ખર્ચ ૨ લાખ રૂપિયા કે તેનાથી વધુ મૂલ્યનો થયો હોય તોપણ તેની જાણ રિટર્ન દ્વારા કરવાની હોય છે.

સવાલ તમારા…

નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ દરમ્યાન હું નેપાળ ગયો હતો અને ૮૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ થયો હતો. પછી હું દુબઈ ગયો જ્યાં મેં ૧ લાખ રૂપિયા અને પછી સિંગાપોરની મુલાકાત વખતે ૯૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો. દરેક જગ્યાએ ૨ લાખ રૂપિયા કરતાં ઓછો ખર્ચ છે, પણ કુલ ખર્ચ ૨ લાખ રૂપિયા કરતાં વધારે છે. શું દરેક દેશમાં ૨ લાખ રૂપિયા કરતાં ઓછો ખર્ચ હોય તોપણ રિટર્ન ભરવું પડે?
હા, તમામ વિદેશપ્રવાસ માટે ૨ લાખ રૂપિયાની ખર્ચમર્યાદા રાખવામાં આવી છે. આથી તમારે નાણાકીય વર્ષ ૨૦૨૧-’૨૨ના રિટર્નમાં તમારા ખર્ચની જાણકારી આપવાની રહેશે.

business news income tax department