કોઈ પણ પ્રકારનો વીમો એજન્ટ મારફત જ લેવાને પ્રાધાન્ય આપવું જોઈએ

22 June, 2022 06:59 PM IST  |  Mumbai | Nisha Sanghvi

આ વખતે આપણે વાચક નિખિલ પોપટના સવાલના આધારે વાત કરવાના છીએ. તેમણે પૂછેલા સવાલ પરથી સૌને મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે

પ્રતીકાત્મક તસવીર

આ વખતે આપણે વાચક નિખિલ પોપટના સવાલના આધારે વાત કરવાના છીએ. તેમણે પૂછેલા સવાલ પરથી સૌને મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે.
સવાલ આ પ્રમાણે હતોઃ
‘મેં એક વર્ષ પહેલાં પહેલી વાર મેડિક્લેમ કઢાવ્યો. એના ૧૧મા મહિને મારી દીકરીને ટાઇપ-વન ડાયાબિટીઝ થયો હોવાનું નિદાન થયું. તેને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી. અમારા મેડિક્લેમનું જે રીતે સેટલમેન્ટ થયું એનાથી અમને સંતોષ નથી. આથી હું મારી મેડિક્લેમ પૉલિસી બીજી કંપનીમાં પોર્ટ કરવાનું વિચારી રહ્યો છું. મહેરબાની કરીને જણાવો કે મારે પૉલિસી પોર્ટ કરાવવી કે નહીં? પોર્ટ કરવાથી કંઈ નુકસાન થશે? પોર્ટિંગ ક્યારે કરી શકાશે? એજન્ટ પાસે મેડિક્લેમ લેવો સારો કે પછી મેડિક્લેમ કંપની પાસેથી ડાયરેક્ટ પૉલિસી લેવી? અમે મુંબઈમાં રહીએ છીએ. કઈ કંપની ગ્રાહકોના ક્લેમ વિશે યોગ્ય નિર્ણય લે છે એ પણ જણાવવા વિનંતી.’
આ પ્રશ્નના ઉત્તરમાં જણાવવાનું કે સામાન્ય રીતે બાળકોને થતા ડાયાબિટીઝને ટાઇપ-વન ડાયાબિટીઝ કહેવાય છે. આ સ્થિતિમાં સ્વાદુપિંડ ઘણું ઓછું ઇન્સ્યુલિન બનાવે છે અથવા જરાય બનાવી શકતું નથી. આ બીમારીનો કોઈ કાયમી ઇલાજ નથી. આથી લોહીમાં શુગરનું પ્રમાણ નિયંત્રિત રાખવા માટેની સારવાર કરવામાં આવે છે.
મેડિક્લેમ પૉલિસી લીધા બાદ બીમારીનું નિદાન થયું હોવાથી એના પ્રી અને પોસ્ટ હૉસ્પિટલાઇઝેશનનો ખર્ચ પૉલિસી હેઠળ આવરી લેવાયો છે. તમારે પહેલું કન્સલ્ટેશન પેપર હાથવગું રાખવું, જેથી ભવિષ્યમાં પૉલિસી હેઠળનો કોઈ ક્લેમ રિજેક્ટ થાય નહીં. પૉલિસી રિન્યુ કરાવતી વખતે વીમા કંપનીને જાણ કરી દેવી, જેથી તેઓ પૉલિસીમાં એની નોંધ કરી લે.
પોર્ટિંગ બાબતે કહેવાનું કે તમને સંતોષ થાય નહીં એ રીતે મેડિક્લેમ સેટલ કરવામાં આવ્યો એ એક કારણસર પોર્ટિંગ કરાવાય નહીં. તમને એ જણાવી દેવું ઘટે કે પૉલિસીના રિન્યુઅપની પહેલાંના ૪૫ દિવસ અગાઉ પોર્ટિંગ કરાવી શકાય છે. તમારી દીકરીના કેસમાં પોર્ટિંગ વખતે પ્રીમિયમ લાગુ થશે, કારણ કે એની બીમારીનું નિદાન થઈ ચૂક્યું છે. 
હૉસ્પિટલાઇઝેશનના ખર્ચ બાબતે જણાવવાનું કે પૉલિસીના દસ્તાવેજમાંના નિયમો અને શરતોની જાણકારી પહેલેથી લઈ લેવી જોઈએ. તમારી દીકરીનો ક્લેમ ૧૧મા મહિને આવ્યો અને પૉલિસીના રિન્યુઅલનો સમય આવી ગયો હોવાથી તમને પોસ્ટ હૉસ્પિટલાઇઝેશનના દિવસોનું પેમેન્ટ આપવામાં આવ્યું નહીં હોય. કોઈ પણ વીમા કંપની ત્યારે જ ક્લેમ પાસ કરે છે, જ્યારે તમારી પાસે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન, તેમણે લખી આપેલાં ટેસ્ટના રિપોર્ટ, દવો વગેરે સાથે દરેકનું બિલ જોડવામાં આવ્યું હોય. તમારા કિસ્સામાં શું બન્યું હતું એ જોવું પડે. 
પૉલિસી એજન્ટ પાસે લેવી કે કેમ એ વિશેના તમારા સવાલના જવાબમાં જણાવવાનું કે હંમેશાં કોઈ પણ પ્રકારનો વીમો એજન્ટ મારફતે જ લેવાને પ્રાધાન્ય આપવું જોઈએ, કંપનીની વેબસાઇટ પરથી નહીં. વીમો એ સર્વિસ ઉદ્યોગનો ભાગ છે અને ગ્રાહકોને હંમેશાં કોઈ ને કોઈ સર્વિસની જરૂર પડતી હોય છે. ક્લેમના સેટલમેન્ટ વખતે પણ એજન્ટો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા હોય છે, જેથી તમારે કોઈ ઝંઝટ કરવી ન પડે. 
પરિવારની આરોગ્ય વીમા પૉલિસી લેતી વખતે ધ્યાનમાં રાખવું કે રૂમ રેન્ટ, વેઇટિંગ પિરિયડ વગેરેનાં નિયમો અને શરતોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરી લેવો જોઈએ અને એના આધારે નક્કી થતા પ્રીમિયમને સમજી લેવું જોઈએ. રૂમ રેન્ટની બાબતે ખાનગી અને સરકારી કંપનીઓનાં નિયમો અને શરતોમાં ઘણા તફાવત હોય છે. આથી દરેક કંપનીની પૉલિસી બાબતે અભ્યાસ કરી લેવો જોઈએ.

business news