ટેક્સ ચોરી કેસમાં અનિલ અંબાણીને બોમ્બે હાઈકોર્ટે આપી રાહત! દંડાત્મક કાર્યવાહી પર મુક્યો સ્ટે

10 June, 2026 04:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

Anil Ambani gets interim relief from Bombay HC: બોમ્બે હાઈકોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને કાળા નાણાં કાયદા હેઠળ દંડનીય કાર્યવાહી સામે વચગાળાનું રક્ષણ આપ્યું; અંબાણીએ કાયદાની જોગવાઈઓની બંધારણીય માન્યતાને પડકારી છે

અનિલ અંબાણીની ફાઇલ તસવીર

બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ ઉદ્યોગપતિ અનિલ અંબાણી (Anil Ambani)ને બ્લેક મની એક્ટ (Black Money Act) હેઠળ કથિત ટેક્સ ચોરીના મામલામાં પ્રોસિક્યુશન (ખટલો) અને દંડ જેવી દંડાત્મક કાર્યવાહીમાંથી વચગાળાની રાહત આપી છે. અંબાણીએ આ કાયદાની કેટલીક જોગવાઈઓની બંધારણીય માન્યતાને કોર્ટમાં પડકારી છે, હાઈકોર્ટે તેમની અરજી સ્વીકારી લીધી છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને એફિડેવિટ (સોગંદનામું) દાખલ કરવા નિર્દેશ આપ્યો છે.

અનિલ અંબાણીએ (Anil Ambani gets interim relief from Bombay HC) પોતાની અરજીમાં દલીલ કરી છે કે `બ્લેક મની (અઘોષિત વિદેશી આવક અને અસ્કયામતો) અને કર લાદવા અંગેનો અધિનિયમ, ૨૦૧૫` ની કેટલીક જોગવાઈઓ ભારતીય બંધારણના `અલ્ટ્રા વાયર્સ` એટલે કે બંધારણના અધિકારક્ષેત્રની બહાર અથવા તેની વિરુદ્ધ છે.

કેન્દ્ર સરકારને સોગંદનામું રજૂ કરવા આદેશ

જસ્ટિસ બી. પી. કોલાબાવાલા અને જસ્ટિસ ફિરદૌસ પૂનીવાલાની બેન્ચે અનિલ અંબાણીની અરજી સ્વીકારતા નોંધ્યું હતું કે, આ કાયદા વિરુદ્ધ હાઈકોર્ટમાં અન્ય અરજીઓ પણ પેન્ડિંગ છે, જેની અંતિમ સુનાવણી યોગ્ય સમયે કરવામાં આવશે. અદાલતે કેન્દ્ર સરકારને આ અરજી પર પોતાનો જવાબ રજૂ કરવા માટે એફિડેવિટ ફાઈલ કરવા જણાવ્યું છે.

હાઈકોર્ટે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે અંબાણી વિરુદ્ધ આકારણી આદેશ (એસેસમેન્ટ ઓર્ડર) પહેલાથી જ જાહેર થઈ ચૂક્યો છે અને તેમણે ઇનકમ ટેક્સ (Income Tax) કમિશનર સમક્ષ આ અંગે અપીલ કરી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે આ અપીલ પર આગળની કાર્યવાહી ચાલુ રાખી શકાય છે અને તેના પર ઓર્ડર પણ પાસ થઈ શકે છે, પરંતુ આ રિટ પિટિશનના અંતિમ નિકાલ સુધી અરજદાર (અનિલ અંબાણી) વિરુદ્ધ કેસ ચલાવવા કે દંડ વસૂલવા જેવી કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં.

આવકવેરા વિભાગનો શું છે આરોપ?

ઇનકમ ટેક્સ વિભાગે ૮ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ અનિલ અંબાણીને નોટિસ પાઠવીને આરોપ લગાવ્યો હતો કે, તેમણે સ્વિટ્ઝર્લેન્ડના બે બેંક ખાતાઓમાં રાખેલા રૂ. ૮૧૪ કરોડથી વધુના અઘોષિત નાણાં પર આશરે રૂ. ૪૨૦ કરોડની ટેક્સ ચોરી કરી છે. વિભાગની નોટિસ અનુસાર, અંબાણી પર બ્લેક મની એક્ટની કલમ ૫૦ અને ૫૧ હેઠળ કેસ ચલાવી શકાય છે, જેમાં મહત્તમ ૧૦ વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ છે.

આવકવેરા વિભાગે દાવો કર્યો છે કે અંબાણીએ `જાણીજોઈને` ટેક્સ ચોરી કરી છે અને પોતાના વિદેશી બેંક ખાતા તેમજ નાણાકીય હિતોની વિગતો ભારતીય કર સત્તાવાળાઓથી છુપાવી છે.

અનિલ અંબાણીનો પક્ષ

બીજી તરફ, અનિલ અંબાણીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે બ્લેક મની એક્ટ વર્ષ ૨૦૧૫માં અમલમાં આવ્યો હતો, જ્યારે જે વ્યવહારોની વાત કરવામાં આવી રહી છે તે આકારણી વર્ષ ૨૦૦૬-૦૭ અને ૨૦૧૦-૧૧ના સમયગાળાના છે. તેમની મુખ્ય દલીલ એ છે કે આ કાયદાની જોગવાઈઓને ભૂતકાળની અસરથી લાગુ કરી શકાય નહીં.

આવકવેરા વિભાગની નોટિસ મુજબ, અંબાણી બહામાસ સ્થિત `ડાયમંડ ટ્રસ્ટ` અને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં સ્થાપિત `નોર્ધન એટલાન્ટિક ટ્રેડિંગ અનલિમિટેડ` (NATU) નામની કંપનીઓના આર્થિક રોકાણકાર અને લાભાર્થી માલિક (બેનિફિશિયલ ઓનર) હતા. વિભાગનો આરોપ છે કે તેમણે પોતાના ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) મા આ વિદેશી અસ્કયામતોનો ખુલાસો ન કરીને કાયદાનો ભંગ કર્યો છે. કર સત્તાવાળાઓના મતે આ બંને ખાતામાં કુલ રૂ. ૮,૧૪,૨૭,૯૫,૭૪ની અઘોષિત રકમ છે, જેના પર રૂ. ૪,૨૦,૨૯,૦૪,૦૪૦નો ટેક્સ ચૂકવવાપાત્ર થાય છે.

anil ambani bombay high court mumbai high court mumbai business news income tax department