નિરાશાવાદીઓ ખોટા પડ્યા છે અને ભારત ફરી એક વાર ખીલી ઊઠ્યું છે

01 September, 2026 07:07 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતના અર્થતંત્રમાં ૭.૮ ટકાનો ઉછાળો, નરેન્દ્ર મોદીએ એને ઐતિહાસિક સિદ્ધિ ગણાવતાં કહ્યું...

નરેન્દ્ર મોદી

ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-’૨૭ (FY૨૭)ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં ૭.૮ ટકાનો જંગી ઉછાળો નોંધાયો હતો. સોમવારે જાહેર થયેલા આ આંકડાઓ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરતાં એને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી છે. વડા પ્રધાને સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે ઑઇલ પ્રાઇસ શૉક અને સપ્લાય-ચેઇનની સમસ્યાઓ છતાં દેશના લોકોની સામૂહિક તાકાતથી આ ગ્રોથ શક્ય બન્યો છે. તેમણે ટીકાકારો પર પ્રહાર કરતાં કહ્યું હતું કે નિરાશાવાદીઓ ખોટા પડ્યા અને ભારત ફરી એક વાર ખીલી ઊઠ્યું છે.
મિનિસ્ટ્રી ઑફ સ્ટૅટિસ્ટિક્સ ઍન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન (MoSPI)ના ડેટા મુજબ એપ્રિલથી જૂન વચ્ચે રિયલ GDP ૮૧.૩૬ લાખ કરોડ રૂપિયા રહ્યો છે. નોંધનીય છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ પ્રથમ ક્વૉર્ટરમાં ૭ ટકાના ગ્રોથનો અંદાજ આપ્યો હતો જેને અર્થતંત્રએ આસાનીથી પાર કરી લીધો છે.

આ ઉપરાંત નૉમિનલ GDPમાં ૧૦.૩ ટકા અને રિયલ ગ્રોસ વૅલ્યુ ઍડેડમાં ૮.૨ ટકાનો વધારો નોંધાયો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ આ જંગી ઉછાળાનો શ્રેય દેશવાસીઓની સખત મહેનત અને નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) સરકારના આર્થિક સુધારાઓને આપ્યો છે. 

business news indian economy narendra modi indian government india