08 February, 2025 07:11 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
ભારતી હેક્સાકૉમનો ત્રિમાસિક નફો ૨૩ ટકા કે ૪૮ કરોડ રૂપિયા વધ્યો એમાં શૅર પોણાબાર ટકા અને માર્કેટ કૅપ ૭૭૫૦ કરોડ રૂપિયા વધી ગયું : બૅન્કિંગ, ફાઇનૅન્સ, FMCG, કૅપિટલ ગુડ્સ જેવાં રેટ સેન્સિટિવ સેક્ટર નરમ, રિયલ્ટી તથા કન્ઝ્યુમર ગુડ્સ તાજેતરની ખરાબી પછી સુધારામાં : BSEમાં તમામ, બારમાંથી બાર સરકારી બૅન્કો માઇનસ : રોકડું તથા બ્રૉડર માર્કેટ વધુ ઢીલું થતાં માર્કેટબ્રેડ્થમાં બૂરાઈ વધી : કોચિન શિપયાર્ડ નફામાં ઘટાડાથી નરમ, મઝગાવ ડૉક સારા પરિણામે સામાન્ય સુધર્યો : રાઇટ્સ વર્ષની નીચી સપાટીએ
નવા સુકાની સંજય મલ્હોત્રાના નેજા હેઠળ રિઝર્વ બૅન્કે ધારણા મુજબ વ્યાજદર ઘટાડ્યો છે. મે-૨૦૨૦ પછી રેપોરેટમાં જાહેર થયેલો આ પ્રથમ ઘટાડો જોકે બજારને મૂડમાં લાવી શક્યો નથી. સેન્સેક્સ સતત ત્રીજા દિવસની નરમાઈમાં ૧૯૮ પૉઇન્ટ ઘટી ૭૭,૮૬૦ તથા નિફ્ટી ૪૩ પૉઇન્ટની કમજોરીમાં ૨૩,૫૬૦ બંધ થયો છે. બજાર ઇન્ટ્રા-ડેમાં તો ૭૮,૩૫૭ની એની ટૉપથી ૯૮૧ પૉઇન્ટ બગડી નીચામાં ૭૭,૪૭૬ની અંદર ઊતરી ગયું હતું. બન્ને બજારનાં બહુમતી સેક્ટોરલ નરમ હતાં. રેટ સેન્સિટિવ સેક્ટરમાં બૅન્ક નિફ્ટી અડધા ટકા નજીક, FMCG ઇન્ડેક્સ સવા ટકો, ફાઇનૅન્સ બેન્ચમાર્ક અડધો ટકો, કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પોણો ટકો ડાઉન થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી દોઢ ટકા નજીક ડૂલ થયો છે, અત્રે ૧૨માંથી એકમાત્ર સેન્ટ્રલ બૅન્ક સુધરી હતી અને એ પણ ફક્ત છ નવા પૈસા, તાજેતરની ખરાબી બાદ કન્ઝ્યુમર ગુડ્સ ઇન્ડેક્સ સવા ટકો બાઉન્સ થયો છે, ઑટો ઇન્ડેક્સ અડધા ટકાથી વધુ પ્લસ હતો. ભારતી ગ્રુપના શૅરોના જોરમાં ટેલિકૉમ ઇન્ડેક્સ અઢી ટકા રણક્યો છે. મેટલમાં પણ ૨.૪ ટકાની મજબૂતી હતી. એનર્જી બેન્ચમાર્ક એક ટકો, ઑઇલ-ગૅસ સવા ટકો, નિફ્ટી મીડિયા એક ટકો માઇનસ હતા. રોકડું તથા બ્રૉડર માર્કેટ વધુ નબળું પડતાં માર્કેટ બ્રેડ્થ વધુ બગડી છે. NSEમાં વધેલા ૧૦૪૨ શૅર સામે ૧૭૫૬ જાતો ઘટી છે. બજારનું માર્કેટ કૅપ ૧.૦૩ લાખ કરોડના ઘટાડે ૪૨૩.૯૪ લાખ કરોડ નજીક રહ્યું છે.
રેપોરેટમાં ઘટાડાના પગલે હોમલોન, વાહનલોન કે પર્સનલ લોન સહિતનું ધિરાણ સસ્તું થવાની વાર્તા શરૂ થઈ ગઈ છે, પરંતુ રેપોરેટ માત્ર ૦.૨૫ ટકા ઘટ્યો છે. આથી ધિરાણદરમાં કેટલો ઘટાડો ક્યારે થાય છે એ જોવું રહ્યું. ધિરાણદરના મુકાબલે થાપણદરમાં થનારો ઘટાડો અવશ્ય મોટો હશે એ લખી રાખજો. વિશ્વબજારોની વાત કરીએ તો એશિયન માર્કેટ બહુધા આગળ વધ્યાં છે. થાઇલૅન્ડ દોઢ ટકો, ચાઇના એક ટકો, હૉન્ગકૉન્ગ એક ટકાથી વધુ, સિંગાપોર અને તાઇવાન પોણો ટકો જેવા પ્લસ હતા. ઇન્ડોનેશિયા બે ટકા અને જપાન પોણા ટકા જેવું માઇનસ થયું છે. યુરો કૅપ રનિંગમાં નામ જોગ વધઘટે ફ્લૅટ દેખાયું છે. બિટકૉઇન એકાદ ટકાના સુધારે ૯૭,૫૦૧ ડૉલર હતો. બ્રૅન્ટ ક્રૂડ ૭૫ ડૉલરે સ્થિર રહ્યું છે.
બજેટ પછીનું પ્રથમ સપ્તાહ બજારે પૉઝિટિવ ટ્રેન્ડ સાથે પૂરું કર્યું છે. વીકલી ધોરણે સેન્સેક્સ ૩૫૯ પૉઇન્ટ તથા નિફ્ટી ૫૧ પૉઇન્ટ પ્લસ થયો છે. FIIનો મૂડ બદલાયો નથી. ગુરુવારે એણે આશરે ૩૫૫૦ કરોડની રોકડી કરી છે. આ સાથે ૬ ફેબ્રુઆરી સુધીના કામકાજના પાંચ દિવસમાં FIIની નેટ વેચવાલી ૯૭૦૯ કરોડને વટાવી ગઈ છે. સરકાર અને એના પાળીતા વિદ્વાનો, સ્વાર્થી ઉદ્યોગપતિઓ તથા અભણ કટારલેખરો જે બજેટની વાહવાહી કરી રહ્યા છે એનાથી ધોળિયા જરાય અંજાયા નથી. શનિવારે દિલ્લીનાં ચૂંટણી-પરિણામ છે. એક્ઝિટ પોલ પ્રમાણે BJPનો વિજય લગભગ નક્કી છે. મતલબ કે BJPની જીત બજારમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે. એટલે સોમવારે આ મુદ્દો બજાર માટે નૉન-ઇવેન્ટ બની જાય છે, પરંતુ
BJP રાબેતા મુજબ હારે તો? તો બજાર અવશ્ય દુખી થશે. નબળા બજારને ઘટવા માટેનું સ્પષ્ટ કારણ મળી જશે.
તાતા સ્ટીલ ટૉપ ગેઇનર, અન્ય મેટલ શૅરો પણ મજબૂત
ચોખ્ખા નફામાં બમણાને બદલે પાંચ ગણો વધારો હાંસલ કરનાર ભારતી ઍરટેલ બમણા કામકાજે સાડાત્રણ ટકાની તેજીમાં ૧૬૭૮ નજીકનો બંધ આપી બજારને સર્વાધિક ૧૩૪ પૉઇન્ટ ફળી છે. તો ICICI બૅન્કે સવાટકાની નરમાઈમાં ૯૨ પૉઇન્ટની હાનિ કરી છે. HDFC બૅન્ક પોણો ટકો તો સ્ટેટ બૅન્ક બે ટકા બગડી હતી. બૅન્કિંગ ક્ષેત્રના ૪૧માંથી ૧૨ શૅર જ સુધર્યા છે. ઉજજીવન બૅન્ક સવાચાર ટકા, ફેડરલ બૅન્ક અઢી ટકા, ઉત્કર્ષ બૅન્ક અને કરૂર વૈશ્ય બૅન્ક સવા ટકો અપ હતી. ટેલિકૉમ બેન્ચમાર્ક અઢી ટકા રણક્યો એમાં ભારતી ગ્રુપનો સિંહફાળો હતો. ભારતી હેક્સાકૉમનો ત્રિમાસિક નફો ૨૩ ટકા વધી ૨૬૧ કરોડ થયો છે જે અગાઉ ૨૧૩ કરોડ હતો. નફામાં ૪૮ કરોડ રૂપિયાના આ વધારામાં ભારતી હેક્સાકૉમનો શૅર ગઈ કાલે ૪૪ ગણા વૉલ્યુમમાં ઉપરમાં ૧૫૦૦ થઈ પોણા બાર ટકા કે ૧૫૫ રૂપિયાની તેજીમાં ૧૪૬૬ બંધ થયો છે, માર્કેટ કૅપ ૭૭૫૦ કરોડ રૂપિયાના ઉછાળે ૭૩,૩૧૦ કરોડ થઈ ગયું છે. ઇન્ડ્સટાવર બે ટકા મજબૂત હતી. MTNL પોણાત્રણ ટકા બાઉન્સ થઈ છે.
તાતા સ્ટીલ સવાચાર ટકા પ્લસની મજબૂતીમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે, JSW સ્ટીલ ૩.૪ ટકા, ટ્રેન્ટ સવાત્રણ ટકા, હિન્દાલ્કો બે ટકા, બજાજ ઑટો દોઢ ટકા, મહિન્દ્ર પોણાબે ટકા, ઝોમૅટો બે ટકા, અલ્ટ્રાટેક દોઢ ટકો, ટેક મહિન્દ્ર તથા NTPC સવા ટકો પ્લસ હતા. સેન્સેક્સ ખાતે ૨.૪ ટકાના ઘટાડે આઇટીસી તથા નિફ્ટીમાં ૨.૮ ટકા લપસીને ONGC વર્સ્ટ પર્ફોમર બની છે. અદાણી પોર્ટ્સ દોઢ ટકા નજીક, ટીસીએસ સવા ટકો, રિલાયન્સ ૧.૨ ટકા, પાવર ગ્રીડ એક ટકો, બ્રિટાનિયા પોણાબે ટકા, અપોલો હૉસ્પિટલ્સ અને શ્રીરામ ફાઇનૅન્સ સવા ટકા નજીક તેમ જ ભારત ઇલેક્ટ્રૉનિક્સ એકાદ ટકો કટ થઈ છે. જિયો ફાઇનૅન્સ સર્વિસિસ અડધા ટકાની નરમાઈમાં ૨૪૯ થઈ છે. અદાણી એન્ટરપ્રાઇઝ સવા ટકા નજીક સુધરી છે. અદાણી પાવર બે ટકા જેવી ગગડી ૪૯૪ હતી. અદાણી ગ્રીન તથા અદાણી ટોટલ પોણો ટકો અને અદાણી વિલ્મર એક ટકો ડાઉન હતી.
NCC, બિકાજી અને સોનાટામાં કડાકો, સ્વિગી નવા તળિયે
બિકાજી ફૂડ્સનો ત્રિમાસિક નફો ૪૦ ટકા જેવો ગગડી ૨૮ કરોડની અંદર આવી જતાં શૅર લિસ્ટિંગ પછી બે વર્ષના મોટા કડાકામાં નીચામાં ૬૩૮ થઈ દસેક ટકા તૂટી ૬૫૯ બંધ થયો છે. નફામાં ૩૨ કરોડ રૂપિયાનો આ ઘટાડો માર્કેટ કૅપની રીતે રોકાણકારોને ૧૮૨૩ કરોડમાં પડ્યો છે. કોચિન શિપપયાર્ડનો નફો ૨૭ ટકા ઘટીને આવતાં શૅર સાડાત્રણ ટકા બગડી ૧૩૬૧ રહ્યો છે. સામે મઝગાવ ડૉકનો નફો ૩૦ ટકા વધવા છતાં શૅર દોઢ ટકો સુધર્યો છે. ગાર્ડનરિચ બે ટકા ડાઉન હતી. સોનાટા સૉફ્ટવેરનાં પરિણામ સાવ સુસ્ત આવ્યાં છે. માર્જિન ઉપર ભીંસ જોવાઈ છે. સાથે-સાથે માર્ચ કવૉર્ટર પણ નબળું જવાનું ગાઇડન્સિસ કંપનીએ આપ્યું છે. એમાં શૅર ૪૪૫ની બે વર્ષની બૉટમ બનાવી ૧૧ ટકા લથડી ૪૯૦ના બંધમાં આઇટી સેગમેન્ટમાં ટૉપ લૂઝર બન્યો છે. ઇન્ફોસિસ તરફથી મૈસૂર ખાતેના કૅમ્પાસમાં આશરે ૪૦૦ જેટલા ટ્રેઇનીની છટણી કરાઈ છે. શૅર પોણો ટકો ઘટી ૧૯૦૩ બંધ હતો. કંપની કહે છે કે કૉન્ટ્રૅક્ટ પ્રમાણે સળંગ ત્રણ અસેસમેન્ટમાં નિષ્ફળ જવા બદલ ટ્રેઇનીને છૂટા કર્યા છે. સામો પક્ષ કહે છે કે કંપનીએ જાણીજોઈને અમે પાસ જ ન થઈ શકીએ એ પ્રકારનું ટફ અસેસમેન્ટ કર્યું છે.
એલઆઇસી બે સિંગલ ડિજિટની અપેક્ષા સામે ૧૭ ટકાના વધારામાં ૧૧,૦૫૬ કરોડનો ત્રિમાસિક નફો બજાર બંધ થયા પછી જાહેર કર્યો છે. શૅર પરિણામ પહેલાં દોઢ ટકો ઘટી ૮૧૬ હતો. નબળા રિઝલ્ટની ખરાબી આગળ વધારતાં સ્વિગી ૩૭૫ નીચે વર્સ્ટ લેવલે જઈ બે ટકા ઘટી ૩૮૧ બંધ થઈ છે. NCC લિમિટેડનો નફો ૧૨ ટકા ઘટી ૧૯૩ કરોડ થયો છે. નુવામાએ ટાર્ગેટ પ્રાઇસ ૩૮૨થી ઘટાડી ૨૮૨ કરી નાખી છે. શૅર સાડાબાર ટકાના કડાકામાં ૨૦૭ બંધ આપી એ-ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યો છે. ઓલા ઇલેક્ટ્રિકની ખોટ ૩૭૬ કરોડથી વધી ૫૬૪ કરોડ થતાં ભાવ અઢી ટકા ખરડાઈ ૭૦ થયો છે.