રિલાયન્સ રિટેલમાં અમેરિકન કંપની સિલ્વર લેકનું 7500 કરોડ રૂપિયાનું રોકાણ

09 September, 2020 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રિલાયન્સ રિટેલમાં અમેરિકન કંપની સિલ્વર લેકનું 7500 કરોડ રૂપિયાનું રોકાણ

મુકેશ અંબાણી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે(RIL) જાહેરાત કરી છે કે અમેરિકાની પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ સિલ્વર લેક તેની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ(RRVL)માં 7,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલામાં કંપનીને રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો મળશે. આ પહેલા સિલ્વર લેકે રિલાયન્સની ટેક કંપની જિયો પ્લેટફોર્મમાં પણ રોકાણ કર્યું હતું. 

સિલ્વર લેકની સાથે થયેલી આ ડીલ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે સિલ્વર લેકની સાથે થઈ રહેલી પાર્ટનરશીપથી લાખો લોકોની સાથે નાના વેપારીઓને ફાયદો મળશે. અમારું માનવું છે કે ટેકનોલોજી આ ક્ષેત્રમાં અત્યંત જરૂરી ફેરફાર લાવવામાં મહત્વનું યોગદાન આપશે.

રિપોર્ટના જણાવ્યા મુજબ સિલ્વર લેકનું આ રોકાણ રિલાયન્સ રિટેલની 4.21 લાખ કરોડ રૂપિયાની વેલ્યુના આધારે કરવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તેની રિટેલ સબ્સિડિયરી રિલાયન્સ રિટેલનો 10 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. આ હિસ્સાનું વેચાણ નવા શેરના તરીકે કરાશે.

રિટેલ કારોબારમાં છવાઈ જવાની તૈયારીમાં મુકેશ અંબાણી
ક્રુડથી લઈને ટેલિકોમ કારોબાર કરનાર રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી ભારતમાં રિટેલ કારોબારમાં છવાઈ જવાની તૈયારીઓ કરી રહ્યાં છે. તેના વિસ્તાર માટે મુકેશ અંબાણી સંભવિત રોકાણકારોને શોધી રહ્યાં છે. તાજેતરમાં જ એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાની જાણીતી રિટેલ કંપની વોલમાર્ટ ઈન્ક પણ રિલાયન્સ રિટેલમાં હિસ્સો ખરીદવા માટે વાતચીત કરી રહી છે. વોલમાર્ટ ઈન્કે 2018માં જ ભારતની જાણીતી ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટને પણ ખરીદી હતી.

રિલાયન્સ રિટેલ અને ફ્યુચર ગ્રુપની ડીલ 24713 કરોડમાં થઈ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમેટેડ(RRVL) ફ્યુચર ગ્રુપની રિટેલ એન્ડ હોલસેલ બિઝનેસ અને લોજિસ્ટિક્સ એન્ડ વેરહાઉસિંગ બિઝનેસનું અધિગ્રહણ કરવા જઈ રહી છે. તેનાથી રિલાયન્સ, ફ્યુચર ગ્રુપના બિગ બજાર, ઈઝી ડે અને FBBના 1800થી વધુ સ્ટોર્સ સુધી પહોંચ વધારશે, જે દેશના 420 શહેરોમાં ફેલાયેલા છે. આ ડીલ 24713 કરોડમાં ફાઈનલ થઈ છે.

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સબસિડિયરી કંપની છે. આ રિલાયન્સ ગ્રુપની તમામ રિટેલ કંપનીઓની હોલ્ડિંગ કંપની છે.આ કંપની વિશ્વની સૌથી ઝડપી આગળ વધનારી રિટેલ કંપનીઓમાં 56માં ક્રમે છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશની સૌથી મોટી પ્રાઈવેટ કંપની છે. તેનું વાર્ષિક ટર્નઓવર 659205 કરોડ રૂપિયા છે. કંપનીને 31 માર્ચ 2020ના રોજ પુરા થયેલા નાણાંકીય વર્ષમાં 39880 કરોડ રૂપિયાનો નફો થયો હતો.

mukesh ambani reliance business news