પખવાડિયામાં જિયોમાં હિસ્સો વેચી ૬૦,૬૯૭ કરોડ રૂપિયા ઊભા કર્યા

09 May, 2020 01:41 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

પખવાડિયામાં જિયોમાં હિસ્સો વેચી ૬૦,૬૯૭ કરોડ રૂપિયા ઊભા કર્યા

ફાઇલ ફોટો

ઑક્ટોબર ૨૦૧૯માં કંપનીના ચૅરમૅન મુકેશ અંબાણીએ માર્ચ ૨૦૨૧ સુધીમાં રિલાયન્સને સંપૂર્ણ દેવાંમુક્ત કરવામાં આવશે એવી જાહેરાત બાદ રિલાયન્સ પોતના બિઝનેસમાં અલગ અલગ રીતે હિસ્સો કે ભાગીદાર શોધી નાણાં ઊભાં કરવામાં આવી રહ્યાં છે. એકદમ આક્રમક રીતે જિયોમાં હિસ્સો વેચી કંપનીએ ત્રણ સપ્તાહથી ઓછા સમયમાં ૬૦,૬૯૭ કરોડની રકમ ઊભી કરી લીધી છે. 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શુક્રવારે જિયો પ્લૅટફૉર્મ બિઝનેસમાં વધુ એક વખત હિસ્સો વેચવાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે વિસ્ટા ઇક્વિટી પાર્ટનર દ્વારા ૧૧,૩૬૭ કરોડ રૂપિયાનું રોકાણ કરી ટેલિકોમ બિઝનેસમાં ૨.૩૨ ટકા હિસ્સો લેવામાં આવ્યો છે. આ સોદામાં જિયો પ્લૅટફૉર્મનું ઇક્વિટી મૂલ્ય ૪.૯૧ લાખ કરોડ રૂપિયા અને એન્ટરપ્રાઈઝ મૂલ્ય ૫.૧૬ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. વિસ્ટા ઇક્વિટી પાર્ટનર એક રોકાણ કરતી ફર્મ છે જે સોફ્ટવેર, ડેટા જેવી કંપનીઓમાં રોકાણ કરે છે. કંપનીનું કુલ રોકાણ લગભગ ૫૭ અબજ ડૉલર જેટલું છે જે વિવિધ કંપનીઓમાં રોકાયેલું છે. જિયો અને વિસ્ટાની ભાગીદારી વ્યવસાયને જરૂરી સોફ્ટવેર, ડેટામાં કાર્યરત રહેશે.
છેલ્લા એક પખવાડિયામાં રિલાયન્સ દ્વારા જિયો પ્લૅટફૉર્મમાં હિસ્સો વેચી ૬૦,૬૯૭ કરોડ રૂપિયાની જંગી રકમ ઊભી કરવામાં આવી છે. છેલ્લા એક પખવાડિયામાં રિલાયન્સ દ્વારા જિયો પ્લૅટફૉર્મમાં ૧૩.૪૬ ટકા હિસ્સો વેચવામાં આવ્યો છે.
ગત વર્ષે રિલાયન્સે તેના ટેલિકોમ બિઝનેસને ત્રણ ભાગમાં વહેંચી દીધો હતો. જિયો પ્લૅટફૉર્મ કે જે રિલાયન્સની મોબાઇલ સેવામાં વપરાતી દરેક અૅપ જેમ કે જિયો સિનેમા, સાવન, જિયો મ્યુઝિક, જિયો ન્યુઝ જેવી અૅપની માલિક છે. આ ઉપરાંત પ્લૅટફૉર્મની પેટા કંપનીઓમાં મોબાઈલ સેવા આપતી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ, ટાવર સેવા માટે રિલાયન્સ જિયો ઇન્ફ્રાટેલ અને ઓપ્ટિકલ ફાઇબર માટેની ત્રણ કંપનીઓનો સમાવેશ થાય છે. ફેસબુક સીધા જ જિયો પ્લૅટફૉર્મમાં હિસ્સો ખરીદી રહી છે એટલે તેને મોબાઈલ અૅપ, ટેલિકોમ, ટેલિકોમ ટાવર અને ઓપ્ટિકલ ફાઇબર બિઝનેસનો પણ લાભ મળી શકે છે. જિયો પ્લૅટફૉર્મ ઉપર અંદાજે ૨૬,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. રિલાયન્સના ટેલિકોમ બિઝનેસનો ઓપરેટિંગ નફો (વ્યાજ, ઘસારો, ટૅક્સ ચૂકવાયા પહેલા) ડિસેમ્બર ૨૦૧૯ના અંતે પૂર્ણ થયેલા નવ મહિનામાં ૨૨,૩૦૦ કરોડ રૂપિયા હતો.
રિલાયન્સના ત્રણ મોટા સોદા
આજે વિસ્ટા ઇક્વિટી દ્વારા જિયો પ્લૅટફૉર્મમાં ૨.૩૨ ટકા હિસ્સો ૧૧,૩૬૭ કરોડમાં ખરીદવાની જાહેત કરવામાં આવી છે. તા. ૪ મે : સિલ્વર લેક દ્વારા જિયો પ્લૅટફૉર્મમાં ૧.૧૫ ટકા હિસ્સા માટે ૫૬૫૫.૭૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું. આ સોદામાં જિયોનું મૂલ્ય ૪.૯૦ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું તા. ૨૨ એપ્રિલ : ફેસબુક દ્વારા જિયો પ્લૅટફૉર્મમાં ૯.૯૯ ટકા હિસ્સો ખરીદવા માટે ૪૩,૫૭૪ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી. આ સોદામાં જિયોનું મૂલ્ય ૪.૬૨ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવ્યું હતું.

mukesh ambani business news