News In Shorts: ઔદ્યોગિક ક્ષેત્રના મહત્વના સમાચાર વાંચો એક ક્લિકમાં

13 January, 2022 02:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેડરલ બૅન્કને એના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે ૭૦૦ કરોડ રૂપિયા એકઠા કરવા માટે મંજૂરી મળી ગઈ છે. 

મિડ-ડે લોગો

બૉન્ડ મારફતે ૭૦૦ કરોડ એકઠા કરવા ફેડરલ બૅન્કને બોર્ડની મંજૂરી

ફેડરલ બૅન્કને એના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ દ્વારા પ્રાઇવેટ પ્લેસમેન્ટ ધોરણે ૭૦૦ કરોડ રૂપિયા એકઠા કરવા માટે મંજૂરી મળી ગઈ છે. 
બોર્ડે બુધવારે મળેલી બેઠકમાં આ મંજૂરી આપી હોવાનું બૅન્કે નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું છે. પ્રવર્તમાન કાયદાઓ મુજબ નૉન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સમાં રોકાણ કરવાની પાત્રતા ધરાવતા રોકાણકારોને બૉન્ડ ફાળવવામાં આવશે. નાણાંનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવશે એની જાહેરાત કરવામાં આવી નથી.

ઈઝમાય ટ્રિપના બોર્ડે બોનસ શૅર માટે મંજૂરી આપી

ઑનલાઇન ટ્રાવેલ પ્લૅટફૉર્મ ઈઝમાય ટ્રિપના બોર્ડ ઑફ ડિરેક્ટર્સે શૅરધારકોને બોનસ શૅર આપવાની મંજૂરી આપી દીધી છે. ૧૨ જાન્યુઆરીના રોજ મળેલી બેઠકમાં બોર્ડે દરેક શૅર દીઠ એક ફુલ્લી પેઇડઅપ બોનસ શૅર આપવાનું નક્કી કર્યું હતું. કંપનીના નિવેદનમાં જણાવાયા મુજબ નફામાંથી રખાયેલા ફ્રી રિઝર્વમાંથી બોનસ શૅર આપવામાં આવશે. આ ભલામણ અંગે પોસ્ટલ બૅલટ દ્વારા શૅરધારકોની મંજૂરી મેળવવામાં આવશે.  અહીં નોંધવું ઘટે કે ઈઝમાય ટ્રિપે વર્તમાન નાણાકીય વર્ષના બીજા ક્વૉર્ટરમાં નફામાં ચારગણી વૃદ્ધિ નોંધાવી હતી. તેણે માર્ચ ૨૦૨૧માં લિસ્ટિંગ થયા બાદ બે વખત વચગાળાનાં ડિવિડંડ જાહેર કર્યાં છે. હાલમાં જ તેણે યોલોબસ, સ્પ્રી હૉસ્પિટાલિટી અને ટ્રાવિયેટ નામની કંપનીઓ હસ્તગત કરાયાની જાહેરાત કરી હતી. 

વિપ્રોનો સ્ટૅન્ડઅલોન ચોખ્ખો નફો ૮.૬૭ ટકા ઘટ્યો

ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ક્ષેત્રની વિપ્રો કંપનીએ જણાવ્યા મુજબ ગત ૩૧ ડિસેમ્બરે પૂરા થયેલા ક્વૉર્ટરમાં એનો સ્ટૅન્ડઅલોન ચોખ્ખો નફો ૮.૬૭ ટકા ઘટીને ૨૪૧૯.૮ કરોડ રૂપિયા રહ્યો છે. ગયા વર્ષે આ જ અરસામાં નફો ૨૬૪૯.૭ કરોડ રૂપિયા હતો.કંપનીએ જણાવ્યું છે કે તેની કામકાજી આવક વાર્ષિક ધોરણે ૨૧.૨૯ ટકા વધીને ૧૫,૨૭૮ કરોડ રૂપિયા થઈ છે. કન્સોલિડેટેડ ધોરણે આવક ૨૦,૩૧૩ કરોડ રૂપિયા થઈ છે, જે ક્વૉર્ટરલી ધોરણે ૩.૩ ટકા અને વાર્ષિક ધોરણે ૨૯.૬ ટકા વધારે છે. કંપનીની કન્સોલિડેટેડ ચોખ્ખી આવક ૨૯૭૦ કરોડ રૂપિયા થઈ છે, જે ક્વૉર્ટરલી ધોરણે ૧.૩ ટકા વધારે છે. વિપ્રોના સીઈઓ અને એમડી થિયેરી ડેલાપોર્ટેએ કહ્યું છે કે કંપનીએ સતત પાંચમા ક્વૉર્ટરમાં આવક અને માર્જિનની બાબતે સારી કામગીરી બજાવી છે. ઑર્ડરનું બુકિંગ પણ નોંધપાત્ર છે. ગત ૧૨ મહિનામાં ૧૦૦ મિલ્યન ડૉલરથી વધુ આવક આપનારા સાત નવા ગ્રાહકો ઉમેરવામાં આવ્યા છે.

business news