Air Asiaના વિમાનો ભારતમાં ઉડશે કે નહીં?

07 October, 2020 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Air Asiaના વિમાનો ભારતમાં ઉડશે કે નહીં?

ફાઈલ તસવીર

એરલાઈન્સ કંપનીઓને કોરોના મહામારીની કેટલી માઠી અસર પડી છે તે હવે દેખાવા લાગ્યા છે. એશિયામાં બજેટ એરલાઈનની ક્રાંતિ લાવનાર એર એશિયા ભારતમાં પોતાનો કારોબાર સમેટી લેશે એવા સંકેત નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યા હતા.

એર એશિયાએ ચંદીગઢથી પોતાની ફ્લાઈટ બંધ કરવા બાબતે નિવેદન આપતા પુરીએ કહ્યું હતું કે એર એશિયાનું કામકાજ બંધ થવાનું છે તેની પેરેન્ટ કંપનીમાં અમૂક મુશ્કેલીઓ છે. આ સંકેત સ્પષ્ટ કરે છે કે એર એશિયા ભારતમાંથી વેપાર સમેટી ભારતમાં કારોબાર બંધ કરવા જઈ રહી છે. એર એશિયાની ભારતીય કંપની એર એશિયા ઈન્ડિયામાં મોટો હિસ્સો તાતા ગ્રૃપનો છે. મલેશિયાની આ એરલાઈન એક સમયે એશિયામાં સૌથી સસ્તી વિમાન સેવા ઉપલબ્ધ કરાવતી હતી જેણે એરલાઇન્સ ક્ષેત્રમાં ક્રાંતિ લાવી હતી . કોરોના સંકટને કારણે એરલાઈન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

એર એશિયા કંપની જાપાનમાં પણ પોતાનો કારોબાર બંધ કરવાનું વિચારી રહી છે. ભારતમાં તેની હિસ્સેદારી 6.8 ટકા છે . એરલાઇન્સ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 3000થી પણ વધારે છે. તાતાની એર એશિયામાં 51 ટકા ભાગીદારી છે જે હવે 49 ટકાની ભાગીદારી પણ ખરીદવા વિચાર કરી રહી છે.

તાતા સન્સે એર એશિયામાં રોકાણ કરવા માટે તૈયાર છે પરંતુ સંયુક્ત સાહસ ભાગીદાર મલેશિયન એલાઈન્સ કંપની એરએશિયા બરહાદે કંપનીમાં રોકાણ કરવામાં અસમર્થતા દર્શાવી છે. આ સંયુક્ત સાહસમાં તાતા સન્સની 51 ટકા અને એર એશિયા બરહાદની 49 ટકા હિસ્સેદારી છે. તાતા આમાં ઑપ્શીનલી કન્વર્ટિબલ ડિબેન્ચર (ઓસીડી) દ્વારા રોકાણ કરશે, જેનાથી તાતા સન્સને પછીથી દેવાને ઈક્વિટીમાં બદલવાની મંજૂરી હશે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર, તાતા સન્સે ઓસીડી દ્વારા પહેલાથી જ લગભગ રૂ.550 કરોડનું રોકાણ કર્યું છે. ગત સપ્તાહે તાતા સન્સની બોર્ડ મિટીંગમાં ઓસીડી દ્વારા રૂ.300 કરોડ એકત્ર કરવા સહિત અન્ય રોકાણ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જો બન્ને નવા રોકાણને ઈક્વિટીમાં બદલી નાખવામાં આવે તો એર એશિયા ઈન્ડિયામાં તાતા ગ્રુપની હિસ્સેદારી લગભગ 70 ટકા થઈ જશે અને એર એશિયા બરહાદની હિસ્સેદારી ઘટીને 30 ટકા જેટલી રહી જશે.

business news covid19 coronavirus