ટેલિકૉમ કંપનીએ RS 1.4 લાખ કરોડ ન ચૂકવતાં કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરાશે

15 February, 2020 07:49 AM IST  |  Mumbai

ટેલિકૉમ કંપનીએ RS 1.4 લાખ કરોડ ન ચૂકવતાં કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરાશે

સુપ્રીમ કોર્ટ

કાયદાકીય ક્ષેત્રે એજીઆર તરીકે જાણીતા એક કેસમાં દેશની ટેલિકૉમ કંપનીઓને ૨૩ જાન્યુઆરી સુધીમાં સરકારનાં બાકી નીકળતાં નાણાં અંદાજે ૧.૪ લાખ કરોડ ચૂકવી આપવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે સરકારના જ ડેસ્ક પરના એક અધિકારીએ કોર્ટના આગામી આદેશ સુધી વસૂલાત પર પ્રતિબંધ મૂકીને કંપનીઓને રાહત આપતાં અને એ ગંભીર બાબત કોર્ટના ધ્યાનમાં આવતાં કોર્ટે કેન્દ્ર સરકાર સામે કદાચ પહેલી વાર એવી કડકમાં કડક ફટકાર લગાવી હશે જેમાં કોર્ટે ભારે નારાજગી સાથે એવું અવલોકન કર્યું કે જો કોઈ અધિકારી કોર્ટના આદેશ પર રોક લગાવવાની હિંમત કરી શકે તો કોર્ટ બંધ કરી દેવી જોઈએ!
સુપ્રીમ કોર્ટે ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ના પોતાના ઑક્ટોબર ૨૦૧૯ના ચુકાદામાં કોઈ ફેરફાર નહીં કરતાં અગામી સુનાવણી એટલે કે ૧૭ માર્ચ સુધીમાં નાણાં જમા કરાવવાનો ટેલિકૉમ અને અન્ય કંપનીઓને આદેશ કર્યો છે. આ ઉપરાંત ટેલિકૉમ વિભાગના અધિકારીઓને ૨૩ જાન્યુઆરીની મુદત વીતી ગયા પછી કંપનીઓ પાસેથી નાણાં કેમ માગ્યાં નહીં, નાણાં નહીં ભરે તો કોઈ કાર્યવાહી નહીં થાય એવો ઑર્ડર કેમ કર્યો એ માટે કોર્ટનો અનાદર કરવાની જાહેરાત કરી હતી.

કોર્ટની ફટકાર પછી અચાનક જ જાગેલા ટેલિકૉમ વિભાગે ૨૩ જાન્યુઆરીનો પોતાનો ઑર્ડર રદ કરી ટેલિકૉમ કંપનીઓને ગઈ કાલની મધરાત સુધીમાં નાણાં જમા કરાવવાનો ઑર્ડર કર્યો હતો.

સુપ્રીમના આદેશ છતાં વોડાફોન, ઍરટેલ સહિતની મોટા ભાગની કંપનીઓએ બાકીની રકમ જમા કરાવી નથી. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે કંપનીઓને પૂછ્યું કે તમારી વિરુદ્ધ કોર્ટની અવમાનનાની કાર્યવાહી કેમ ન કરવામાં આવે? કંપનીઓને બાકી રકમ જમા કરાવવાનો આદેશ આપીને સુપ્રીમ કોર્ટે ભારે હૈયે એમ પણ કહ્યું કે ‘શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો છે ખરો? આ દેશમાં રહેવા કરતાં તો બહેતર છે કે દેશ છોડીને જતા રહેવું જોઈએ!’

કાયદાના નિષ્ણાતોના મતે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા કેન્દ્ર સરકાર સામે આ પ્રકારની અતિ ભારે ટિપ્પણી કદાચ પહેલી વાર થઈ છે જેમાં કોર્ટે એવો અફસોસ વ્યક્ત કર્યો હોય કે આ દેશમાં રહેવા જેવું છે કે નહીં! આ દેશમાં જે પ્રકારે ઘટના ઘટી રહી છે એણે અમારા અંતરાત્માને હચમચાવી નાખ્યો છે એમ પણ કોર્ટે અવલોકન કરતાં વર્ણવ્યું હતું.

ર૧.૪ લાખ કરોડ રૂપિયાના ઍડ્જસ્ટેડ ગ્રોસ રેવન્યુ કેસમાં સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે સુનાવણી દરમ્યાન ટેલિકૉમ કંપનીઓ અને કેન્દ્રના ટેલિકૉમ વિભાગના વલણ વિશે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં મોટા ભાગની કંપનીઓએ બાકીની રકમ જમા કરાવી નથી.

જો કોઈ અધિકારી કોર્ટના આદેશ પર રોક લગાવવાની હિંમત કરી શકે છે તો કોર્ટ બંધ કરી દેવી જોઈએ! તમારી વિરુદ્ધ કોર્ટની અવમાનનાની કાર્યવાહી કેમ ન કરવામાં આવે? શું આ દેશમાં કોઈ કાયદો બચ્યો છે ખરો? આ દેશમાં રહેવા કરતાં તો બહેતર છે કે દેશ છોડીને જતા રહેવું જોઈએ!
- સુપ્રીમ કોર્ટ

business news airtel vodafone idea supreme court