વિદેશી ફંડ્સના આક્રમક વેચાણથી બજારમાં તેજીના ઊભરાનું ધોવાણ

15 May, 2020 03:37 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondence

વિદેશી ફંડ્સના આક્રમક વેચાણથી બજારમાં તેજીના ઊભરાનું ધોવાણ

પ્રતીકાત્મક તસવીર

બુધવારે સાંજે બજાર બંધ રહી ત્યારે કેન્દ્ર સરકારે આર્થિક પૅકેજના પ્રથમ તબક્કાની ઘોષણા કરી હતી. આ ઘોષણાઓથી બજારમાં ટ્રેડિંગમાં જોવા મળેલો ઉત્સાહ પડી ભાંગ્યો હતો. આ ઉપરાંત, કોરોના વાઇરસનો બીજો તબક્કો આવી શકે છે, અમેરિકન અર્થતંત્રને ફટકો પડી શકે છે એવી ચિંતાઓ પણ બજારમાં જોવા મળી હતી. અમેરિકન, એશિયાઈ અને યુરોપિયન બજારમાં જોવા મળેલા ઘટાડાની અસર અને વિદેશી સંસ્થાઓની આક્રમક વેચવાલીથી બજારમાં ઘટાડો નોંધાયો હતો. બુધવારે પૅકેજની અપેક્ષાએ વધેલા મેટલ્સ, ઑટો, બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસ ગઈ કાલે નિરાશાના કારણે ઘટ્યા હતા. 

સત્રના અંતે સેન્સેક્સ ૮૮૫.૭૨ પૉઇન્ટ કે ૨.૭૭ ટકા ઘટી ૩૧,૧૨૨.૮૯ અને નિફ્ટી ૨૪૦.૮ પૉઇન્ટ કે ૨.૫૭ ટકા ઘટી ૯૧૪૨.૭૫ની સપાટીએ બંધ રહ્યા હતા. અમેરિકન બજારમાં ટેક્નૉલૉજી શૅરમાં જોવા મળેલા ઘટાડાની અસરથી ભારતમાં પણ ટેક્નૉલૉજી શ‍ૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો. સંસ્થાકીય વેચવાલી ગઈ કાલે બૅન્કિંગ અને નાણાકીય સેવાઓમાં ભારે જોવા મળી રહી હતી. ઇન્ડેક્સમાં અગ્રણી કંપનીઓમાં રિલાયન્સ ૪.૦૭ ટકા, એચડીએફસી બૅન્ક ૩.૬૨ ટકા, એચડીએફસી ૪.૬૯ ટકા, ઇન્ફોસિસ ૬.૧૬ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩.૦૧ ટકા અને ટીસીએસ ૨.૫૦ ટકાના ઘટાડાનો ફાળો સૌથી વધુ હતો.
ગઈ કાલે વિદેશી ફંડ્સ દ્વારા આક્રમક રીતે વેચાણ કરવામાં આવ્યું હતું. આગલા દિવસે ઊછળતી બજારમાં પણ તેમની વેચવાલી હતી. ગઈ કાલે વિદેશી ફંડ્સ દ્વારા ૨૧૫૨ કરોડ રૂપિયાના શૅર વેચવામાં આવ્યા હતા, જ્યારે સ્થાનિક ફંડ્સની માત્ર ૮૦૨ કરોડ રૂપિયાની ખરીદી હતી. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ પર આજે એફએમસીજી અને ફાર્મા સિવાય બધાં ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. સરકારી બૅન્કો, નાણાકીય સેવાઓ અને ઑટો, મેટલ્સમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. એક્સચેન્જ પર ૧૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૧૪ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૭૩ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૧૪૦માં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ‍પર ૩૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા, જ્યારે ૭૬ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૨૧૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી, જ્યારે ૨૧૬માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૬૩ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૩૯ ટકા ઘટ્યા હતા. ગઈ કાલે બૉમ્બે એક્સચેન્જનું માર્કેટ કૅપિટલાઇઝેશન ૧,૯૯,૬૨૦ કરોડ રૂપિયા ઘટી   ૧૨૨.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
બૅન્કિંગમાં વેચવાલી
બુધવારે પૅકેજની અપેક્ષાએ પ્રાઇવેટ બૅન્કિંગ ૩.૯૬ ટકા, સરકારી બૅન્કો ૬.૧૧ ટકા વધી જતાં નિફ્ટી બૅન્ક ગઈ કાલે ૪.૦૯ ટકા વધ્યા હતા. પૅકેજની નિરાશાથી ગઈ કાલે બૅન્કિંગમાં વેચવાલી આવી હતી. ગઈ કાલે પ્રાઇવેટ બૅન્કો ૨.૬૦ ટકા, સરકારી બૅન્કો ૨.૫૬ ટકા અને નિફ્ટી બૅન્ક ૨.૮૮ ટકા ઘટ્યા હતા. ઇન્ડસઇન્ડ બૅન્ક ૪.૨૨ ટકા ઘટી ૪૨૯.૬૫ રૂપિયા, પંજાબ નૅશનલ બૅન્ક ૩.૯૨ ટકા ઘટી ૨૯.૪૦ રૂપિયા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૩.૮૯ ટકા ઘટી ૨૧ રૂપિયા, એચડીએફસી બૅન્ક ૩.૬૪ ટકા ઘટી ૮૯૩.૮૫ રૂપિયા, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૩૩ ટકા ઘટી ૧૬૮.૩ રૂપિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૩.૧૨ ટકા ઘટી ૩૨૭.૫ રૂપિયા, ઍક્સિસ બૅન્ક ૨.૭૨ ટકા ઘટી ૪૦૨.૭૫ રૂપિયા, બૅન્ક ઑફ બરોડા ૨.૦૪ ટકા ઘટી ૪૩.૨૫ રૂપિયા અને કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૯ ટકા ઘટી ૧૧૭૬.૦૫ રૂપિયા બંધ રહ્યા હતા.
મેટલ્સમાં પ્રૉફિટ-બુકિંગ
બુધવારે નિફ્ટી મેટલ્સ ઇન્ડેક્સ ૨.૫૧ ટકા વધ્યો હતો. ગઈ કાલે એમાં ૨.૫૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. હિન્દાલ્કો આજે ૪.૮૨ ટકા ઘટી ૧૧૭.૬ રૂપિયા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૯૨ ટકા ઘટી ૧૭૫.૨ રૂપિયા, જિન્દલ સ્ટીલ ૩.૭૫ ટકા ઘટી ૯૩.૭ રૂપિયા, નૅશનલ મિનરલ્સ ૩.૬ ટકા ઘટી ૭૨.૨૫ રૂપિયા, તાતા સ્ટીલ ૨.૮૨ ટકા ઘટી ૨૬૮.૭૫ રૂપિયા, સ્ટીલ ઑથોરિટી ૧.૭૪ ટકા ઘટી ૨૮.૨૫ રૂપિયા, કોલ ઇન્ડિયા ૧.૨૬ ટકા ઘટી ૧૨૮.૯૫ રૂપિયા, વેદાન્તા ૧.૧૬ ટકા ઘટી ૮૯.૨૦ રૂપિયા અને હિન્દુસ્તાન કોપર ૦.૭૭ ટકા ઘટી ૨૫.૭૫ રૂપિયા બંધ રહ્યા હતા.
આઇટી ઇન્ડેક્સમાં ઘટાડો
અમેરિકામાં હજી પણ કોરોના વાઇરસનો બીજો તબક્કો આવી શકે છે એવી ચિંતાએ અમેરિકામાં સૌથી વધુ બિઝનેસ ધરાવતી આઇટી કંપનીઓના શૅરમાં આજે વેચવાલી તીવ્ર જોવા મળી હતી. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ આજે ૩.૫૧ ટકા ઘટ્યો હતો જે છેલ્લા ચાર દિવસમાં ૩.૬૪ ટકા વધ્યો હતો. આજે માઇન્ડ ટ્રી ૫.૫૮ ટકા, ટેક મહિન્દ્ર ૫.૨૪ ટકા, ઇન્ફોસિસ ૫.૧૬ ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ ૨.૮૮ ટકા, ટીસીએસ ૨.૫ ટકા, હેક્ઝાવેર ૨.૪૯ ટકા, એચસીએલ ટેક ૨.૨ ટકા અને વિપ્રો ૧.૯૨ ટકા ઘટ્યા હતા. માર્ચ ક્વૉર્ટરનો નફો ૨૦.૩ ટકા અને આવક ૩.૦૫ ટકા વધી હોવાથી એમ્ફેસિસના શૅર માત્ર ૦.૧૪ ટકા વધ્યા હતા.
એફએમસીજીમાં ડિફેન્સિવ ખરીદી
બજારોમાં અત્યારે નાણાં અને મૂડીને સુરક્ષિત રાખવા માટે સતત ઊથલપાથલ જોવા મળી રહી છે. જરૂરી ચીજો વેચતી એફએમસીજી કંપનીઓના શૅર બુધવારે ૦.૪ ટકા ઘટ્યા હતા તો ગઈ કાલે એમાં ૦.૭ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. બજારમાં જ્યારે વ્યાપક ખરીદી જોવા મળે છે ત્યારે આ ક્ષેત્રમાં ઘટાડો અને વેચવાલી સમયે આમાં વૃદ્ધિ જોવા મળે છે.
આજે મેરીકો ૩.૭૩ ટકા, ડાબર ૩.૩૭ ટકા, કોલગેટ પામોલીવ ૨.૪૮ ટકા, તાતા કન્ઝ્યુમર ૨.૨૨ ટકા, બ્રિટાનિયા ૦.૯૬ ટકા, પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલ ૦.૭૩ ટકા અને હિન્દુસ્તાન યુનિલીવર ૦.૫૬ ટકા વધ્યા હતા. અપેક્ષા કરતાં ઘણાં સારાં પરિણામોના કારણે ગોદરેજ કન્ઝ્યુમરના શૅર આજે ૫.૪૨ ટકા વધ્યા હતા.
પરિણામની અસરે વધઘટ
માર્ચ ક્વૉર્ટરમાં નફામાં ૯.૭૧ ટકા વૃદ્ધિ અને વેચાણમાં ૧૫.૯ ટકાના ઘટાડો નોંધાવ્યો હોવાથી એસ્કોર્ટ્સના શૅર આજે ૧.૯૫ ટકા ઘટ્યા હતા. નફો ૨૬.૪ ટકા અને વેચાણ ૨૦.૮ ટકા ઘટ્યા પછી પણ શાફલર ઇન્ડિયાના શૅર ૦.૦૫ ટકા વધ્યા હતા. નફો ૩૮ ટકા ઘટ્યો હોવા છતાં સીમેન્સના શૅર ૦.૧૨ ટકા વધ્યા હતા. સામે એબીબીનો નફો ૨૫.૮ ટકા ઘટ્યો હોવા છતાં એબીબીના શૅર ૨.૪૪ ટકા ઘટ્યા હતા. અન્ય શૅરોમાં વધઘટ અમેરિકન ડ્રગ રેગ્યુલેટર દ્વારા સબ સલામતનો રિપોર્ટ મળતાં લુપીનના શૅર આજે ૨.૭૬ ટકા વધ્યા હતા.

business news sensex nifty