ફેડ બાદ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પણ ઇન્ટરેસ્ટ રેટ વધારતાં સોનામાં મોટી વધ-ઘટનો દોર યથાવત્

18 June, 2022 04:16 PM IST  |  Mumbai | Mayur Mehta

બૅન્ક ઑફ જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવાનો નિર્ણય લેતાં સોનામાં તેજીના ચાન્સિસ મોજૂદ

પ્રતીકાત્મક તસવીર

ફેડ બાદ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને સ્વિસ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરતાં સોનામાં વધ-ઘટનો દોર સતત બીજા સેશનમાં ચાલુ રહ્યો હતો. સોનામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૨૩થી ૧૮૫૯ ડૉલરની વધ-ઘટ જોવા મળી હતી. ભારતીય રૂપિયાની નબળાઈને કારણે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૫૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૨૬ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ 
અમેરિકન ફેડરલ રિઝર્વે ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટમાં વધારો કર્યો અને એને પગલે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે સતત પાંચમી વખત તેમ જ સ્વિસ બૅન્કે ૧૫ વર્ષ પછી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો એની અસરે સોનામાં અફરાતફરી સતત બીજે દિવસે ચાલુ રહી હતી. સોનું ગુરુવારે ૧૮૨૩થી ૧૮૫૯.૩૦ ડૉલરની રેન્જમાં અથડાયા બાદ શુક્રવારથી સોનામાં ઘટાડાતરફી ટ્રેન્ડ હતો. ચાલુ સપ્તાહે સોનું શુક્રવાર સુધીમાં દોઢ ટકા ઘટ્યું હતું. સપ્તાહ દરમ્યાન સોનું એક તબક્કે મહિનાની ઊંચાઈએ અને મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. સોનામાં ૧૮૦૦થી ૧૮૯૦ ડૉલર સુધીની વધ-ઘટ પાંચ દિવસમાં જોવાઈ  હતી. સોનું ઘટતાં ચાંદી અને પ્લૅટિનમ ઘટ્યાં હતાં, પૅલેડિયમમાં સુધારાની આગેકૂચ ચાલુ રહી હતી. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઇન્ટરેસ્ટ રેટમાં સતત પાંચમી વખત ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૧.૨૫ ટકાએ પહોંચાડ્યા હતા જે છેલ્લાં ૧૩ વર્ષના સૌથી ઊંચા વ્યાજદર હતા. બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઇન્ફ્લેશનના વધારાને રોકવા ડિસેમ્બર મહિનાથી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની શરૂઆત કરી હતી, છતાં પણ ઇન્ફ્લેશનના વધારાને રોકવામાં ઇન્ટરેસ્ટ રેટનો વધારો સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. બ્રિટનનું ઇન્ફ્લેશન એપ્રિલ મહિનામાં વધીને ૪૦ વર્ષની ઊંચાઈએ નવ ટકા રહ્યું હતું જે અગાઉના મહિનામાં સાત ટકા હતું. સ્વિસ નૅશનલ બૅન્કે ૨૦૧૫થી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી અખત્યાર કરી હતી, પણ ઇન્ફ્લેશનને રોકવા ૧૫ વર્ષ બાદ પ્રથમ વખત ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો. સ્વિટ્ઝરલૅન્ડના બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ માઇનસ ૦.૨૫ ટકા હતા. સ્વિટ્ઝરલૅન્ડના ઇન્ફ્લેશનનો અંદાજ સ્વિસ બૅન્કે ૨.૮ ટકા મૂક્યો હતો. અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧૧ જૂને પૂરા થયેલા સપ્તાહના અંતે ૩૦૦૦ ઘટીને ૨.૨૯ લાખે પહોંચી હતી જે માર્કેટની ૨.૧૦ લાખની ધારણા કરતાં ઊંચી હતી. અમેરિકામાં બિલ્ડિંગ પરમિટ મે મહિનામાં સાત ટકા ઘટીને ૧૬.૯૫ લાખે પહોંચી હતી જે છેલ્લા અગિયાર મહિનાની સૌથી નીચી હતી. અમેરિકાનો હાઉસિંગ સ્ટાર્ટ ઇન્ડેક્સ મે મહિનામાં ૧૪.૪ ટકા ઘટ્યો હતો જે ૨૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. આર્જેન્ટિનાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૩૦૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને બાવન ટકાએ પહોંચાડ્યા હતા, જે ચાલુ વર્ષનો સતત છઠ્ઠો વધારો હતો. આર્જેન્ટિનાનું એન્યુઅલ ઇન્ફ્લેશન મે મહિનામાં સતત ચોથે મહિને વધીને ૩૦ વર્ષની ઊંચાઈએ ૬૦.૭ ટકાએ પહોંચ્યું હતું. ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યાની અસર હજી પણ સોનાની માર્કેટ પર ચાલુ હોવાથી અફરાતફરીનો દોર ચાલુ રહ્યો હતો. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
વિશ્વની લગભગ તમામ સેન્ટ્રલ બૅન્ક છેલ્લા છ મહિનાથી ઇન્ટરેસ્ટમાં શ્રેણીબદ્ધ વધારો કરી રહી છે, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પાંચ વખત અને ફેડરલ રિઝર્વે ત્રણ વખત ઇન્ટરેસ્ટમાં વધારો કર્યો છે, પણ બૅન્ક ઑફ જપાનની શુક્રવારે યોજાયેલી પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં કોઈ ફેરફાર કરાયા નહોતા. બૅન્ક ઑફ જપાનના નવમાંથી આઠ મેમ્બર્સે ઇન્ટરેસ્ટ રેટ જાળવી રાખવા સંમતિ આપી હતી. બૅન્ક ઑફ જપાનનું સ્ટેન્ડ લાંબા સમયથી મક્કમ છે અને બૅન્ક ઑફ જપાનના પ્રેસિડન્ટ હરૂહીકો કુરોડા લાંબા સમયથી ઇઝી મૉનિટરી પૉલિસીને સપોર્ટ કરે છે અને લાંબા સમય સુધી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી રાખવા મક્કમ છે. બૅન્ક ઑફ જપાને શુક્રવારે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ માઇનસ ૦.૧૦ ટકા અને ટેન યર બૉન્ડના યીલ્ડ ઝીરો ટકા જાળવી રાખ્યા હતા. બૅન્ક ઑફ જપાને ઇકૉનૉમીને સપોર્ટ કરવા દરેક માર્કેટ-ડે દરમ્યાન અનલિમિટેડ બા.ન્ડ ખરીદવાનું ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. જપાનનો કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં ઓછો છે. જોકે જપાનમાં ફૂડ પ્રાઇસનો ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે, છતાં પણ બૅન્કનું માનવું છે કે ઇઝી મૉનિટરી પૉલિસી થકી જપાનની એક્સપોર્ટ અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સતત વધી રહ્યું હોવાથી જપાનની ઇકૉનૉમીને ઇઝી મૉનિટરી પૉલિસીનો સપોર્ટ મળી રહ્યો છે. બૅન્ક ઑફ જપાનનું સ્ટેન્ડ વિશ્વની તમામ સેન્ટ્રલ બૅન્કોથી અલગ હોવાથી આવનારા દિવસોમાં કદાચ રિસેશનની સૌથી ઓછી અસર જપાનનો થશે. જપાનની કરન્સી સૌથી સસ્તી કરન્સી બનીને ઊભરશે જે સોનાને લૉન્ગ ટર્મમાં મોટો સપોર્ટ આપશે. 

business news