એક દિવસના ઘટાડા બાદ શૅરમાં ફરી ઉછાળો : નિફ્ટી ૧૧૯૦૦ને પાર

24 October, 2020 11:47 AM IST  |  Mumbai | Mumbai correspondent

એક દિવસના ઘટાડા બાદ શૅરમાં ફરી ઉછાળો : નિફ્ટી ૧૧૯૦૦ને પાર

પ્રતીકાત્મક તસવીર

એશિયા, યુરોપનાં શૅરબજારમાં મક્કમ હવામાન અને અમેરિકામાં શૅરબજાર ગઈ કાલે ઉછાળા સાથે ખૂલે તેવી શક્યતા વચ્ચે ભારતીય શૅરબજારમાં એક દિવસના ઘટાડા બાદ ગઈ કાલે ફરી વૃદ્ધિ જોવા મળી હતી. ઇન્ડેક્સ હેવીવેઇટ શૅરોમાં બૅન્કિંગ અને ઑટોમાં ખરીદી જોવા મળી હતી, સામે સતત વધી રહેલા રીઅલ એસ્ટેટમાં ગઈ કાલે નફો બાંધવાની વૃત્તિ જોવા મળી હતી. અમેરિકામાં જરૂરિયાતમંદ લોકોને રાહત આપવા માટેના આર્થિક પૅકેજની આશાઓ વચ્ચે શૅરબજાર ટકી રહ્યાં છે. આજની વૃદ્ધિ સાથે સાપ્તાહિક રીતે પણ બજારમાં વૃદ્ધિ જોવા મળી હતી.
દિવસ દરમ્યાન સાંકડી વધઘટ અને તીવ્ર વેચાણ અને ખરીદીના દોર વચ્ચે સત્રના અંતે સેન્સેક્સ ૧૨૭.૦૧ પૉઇન્ટ કે ૦.૩૧ ટકા વધી ૪૦૬૮૫ અને નિફ્ટી ૩૩.૯ પૉઇન્ટ કે ૦.૨૮ ટકા વધી ૧૧૯૩૦ની સપાટીએ બંધ આવ્યા હતા. ઇન્ડેક્સ હેવીવેઇટમાં મારુતિ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક, મહિન્દ્ર અૅન્ડ મહિન્દ્ર અને આઇટીસી વધ્યા હતા જ્યારે હિન્દુસ્તાન યુનીલીવર, ઇન્ફોસિસ અને એચસીએલ ટેકમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં ગઈ કાલે પણ લાર્જ કૅપ કંપનીઓ કરતાં સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં વધારે સારી ખરીદી જોવા મળી હતી.
નૅશનલ સ્ટૉક એક્સચેન્જના બધા ૧૧ ક્ષેત્રોમાંથી ઑટો, મીડિયા અને મેટલ્સ સહિત સાતમાં વૃદ્ધિ જોવા મળી હતી જ્યારે રીઅલ એસ્ટેટ અને બૅન્કિંગ સહિત ચારમાં ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જ ઉપર ૪૭ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા અને છ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૧૭૪ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૪૫ કંપનીઓમાં મંદીની સર્કિટ જોવા મળી હતી.
બીએસઈ ઉપર ૧૨૩ કંપનીઓના શૅરના ભાવ નવી બાવન સપ્તાહની ઉપરની સપાટીએ બંધ આવ્યા હતા જ્યારે ૪૮ના ભાવ નવી નીચી સપાટીએ બંધ આવ્યા હતા. અહીં ૩૦૨ કંપનીઓમાં તેજીની સર્કિટ હતી જ્યારે ૧૭૭માં મંદીની સર્કિટ જોવા મળી હતી. બીએસઈ સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૭૧ ટકા અને મિડ કૅપ ઇન્ડેક્સ ૦.૫૯ ટકા વધ્યા હતા. શુક્રવારે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઇઝેશન ૫૩,૩૩૭ કરોડ વધી ૧૬૦.૫૯ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
શૅરબજારમાં સાપ્તાહિક
ઉછાળો જોવા મળ્યો
સતત પાંચ દિવસથી વધી રહેલા રીઅલ એસ્ટેટમાં ગઈ કાલે ઘટાડો જોવા મળ્યો હોવા છતાં નિફ્ટી રીઅલ એસ્ટેટ આ સપ્તાહમાં સૌથી વધુ ઊછળ્યો હતો. સપ્તાહ દરમ્યાન નિફ્ટી ૧.૪ ટકા અને સેન્સેક્સ ૧.૮ ટકા વધ્યા હતા. બજારમાં સપ્તાહ દરમ્યાન ક્ષેત્રવાર માત્ર ૦.૧ ટકા નિફ્ટી આઇટી ઇન્ડેક્સ અને ૨.૬ ટકા ફાર્મા ઇન્ડેક્સ જ ઘટ્યા હતા. આ સપ્તાહમાં વધેલા ક્ષેત્રોમાં નિફ્ટી રીઅલ એસ્ટેટ ૯.૩ ટકા, નિફ્ટી મેટલ્સ ૪.૯ ટકા, નિફ્ટી બૅન્ક ૪ ટકા, નિફ્ટી પીએસયુ બૅન્ક ૩.૯ ટકા, નીફ્ટ ઑટો ૧.૭ ટકા, નિફ્ટી મીડિયા ૧.૨ ટકા અને નિફ્ટી એફએમસીજી ૦.૪ ટકા વધ્યા હતા. સેન્સેક્સ અને નિફ્ટી કરતાં સ્મૉલ કૅપ અને મિડ કૅપમાં વધારે આકર્ષણ જોવા મળ્યું હતું. આ સપ્તાહમાં મિડ કૅપ ઇન્ડેક્સ ૩.૧ ટકા અને સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૨.૭ ટકા વધ્યા હતા.
તહેવારોની માગની ધારણાએ ઑટો શૅરોમાં ઉછાળો
તહેવારો દરમ્યાન વાહનોની માગ વધી રહી છે એવા સંકેત સાથે ઑટો અને ઑટોના પાર્ટ્સ બનાવતી કંપનીઓના શૅરમાં ગઈ કાલે ખરીદી જોવા મળી હતી. નિફ્ટીના આજના ઉછાળામાં ટોચની પાંચ કંપનીઓમાંથી ત્રણ ઑટો કંપનીઓ હતી. ગઈ કાલે નિફ્ટી ઑટો ઇન્ડેક્સ ૨.૯૩ ટકા વધ્યો હતો.
ઇન્ડેક્સની દરેક કંપનીઓના શૅરના ભાવ વધ્યા હતા. ભારત ફોર્જ ૬.૪૪ ટકા, મધરસન સુમી ૪.૨૯ ટકા, મારુતિ સુઝુકી ૪.૨૬ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૩.૩ ટકા, બોશ લિમિટેડ ૩.૨ ટકા, અશોક લેલેન્ડ ૨.૯૭ ટકા, બજાજ ઑટો ૨.૭૯ ટકા, તાતા મોટર્સ ૨.૩૬ ટકા, એમઆરએફ ૨.૩૩ ટકા બાલક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝ ૨.૩ ટકા, અમરરાજા બૅટરી ૧.૩૮ ટકા, આઇશર મોટર્સ ૧.૧૮ ટકા, હીરોમોટો કોર્પ ૦.૮૯ ટકા, એક્સાઈડ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૨ ટકા અને ટીવીએસ મોટર્સ ૦.૪૭ ટકા વધ્યા હતા.
બૅન્કિંગ શૅરોમાં ગઈ કાલે મિશ્ર હવામાન
છેલ્લાં બે સપ્તાહથી શૅરબજારની રિકવરીમાં મહત્ત્વનો હિસ્સો ધરાવતા બૅન્કિંગ શૅરોમાં ગઈ કાલે મિશ્ર હવામાન હતું. નિફ્ટી બૅન્ક ઇન્ડેક્સ ગઈ કાલે ૦.૦૨ ટકા ઘટ્યો હતો. સરકારી બૅન્કોનો નિફ્ટી પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ ૦.૪૭ ટકા વધ્યો હતો જેમાં ઇન્ડેક્સની ૧૨માંથી ૧૦ બૅન્કોના શૅરના ભાવ વધ્યા હતા. ખાનગી બૅન્કોનો નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ ૦.૦૪ ટકા ઘટ્યો હતો ઇન્ડેક્સની હેવીવેઇટ સાત બૅન્કોના શૅર ઘટ્યા હોવાથી ઇન્ડેક્સ ઘટ્યો હતો.
ખાનગી બૅન્કોમાં આરબીએલ બૅન્ક ૨.૦૪ ટકા, ફેડરલ બૅન્ક ૧.૦૬ ટકા અને બંધન બૅન્ક ૧ ટકા, આઇડીએફસી ફર્સ્ટ ૦.૭૯ ટકા, એક્સીસ બૅન્ક ૦.૬૨ ટકા, કોટક મહિન્દ્ર બૅન્ક ૦.૫૩ ટકા અને ઇન્ડસઇન્ડ બૅન્ક ૦.૩૯ ટકા  ઘટ્યા હતા. સામે સિટી યુનિયન બૅન્ક ૧.૫૧ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક ૦.૮૪ ટકા, એચડીએફસી બૅન્ક ૦.૨૬ ટકા વધ્યા હતા.  
સરકારી બૅન્કોમાં સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા ૪.૬૭ ટકા, જમ્મુ એન્ડ કાશ્મીર બૅન્ક ૧.૭ ટકા, કેનેરા બૅન્ક ૧.૭ ટકા, યુકો બૅન્ક ૧.૨૧ ટકા, યુનિયન બૅન્ક ૦.૮૩ ટકા, પંજાબ નૅશનલ બૅન્ક ૦.૭૪ ટકા, ઇન્ડિયન ઓવરસીઝ ૦.૫૪ ટકા, બૅન્ક ઑફ બરોડા ૦.૪૭ ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૦.૪૩ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૨૫ ટકા વધ્યા હતા. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ૦.૪૨ ટકા અને ઇન્ડિયા બૅન્ક ૧.૪૫ ટકા ઘટ્યા હતા.
અન્ય શૅરોમાં વધઘટ
બીજા ક્વૉર્ટરમાં નફો અને આવક ૮ ટકા ઘટી જતાં એચડીએફસી એસેટ મેનેજમેન્ટના શૅર ૨.૦૬ ટકા ઘટ્યા હતા. નફો ૨૩ ટકા ઘટી જતાં બાયોકોનના શૅર ૨.૮૬ ટકા ઘટ્યા હતા. નફો ૫૦.૫ ટકા અને આવક ૧.૫ ટકા વધી હોવા છતાં અંબુજા સિમેન્ટના શૅર ૨.૫૦ ટકા ઘટ્યા હતા. નફો ૩૫.૪ ટકા અને વેચાણ ૧૭.૪ ટકા વધ્યું હોવા છતાં એલેમ્બિક ફાર્માના શૅર ૩.૭૫ ટકા ઘટ્યા હતા. નફો ૪૭.૪ ટકા અને આવક ૯.૧૪ ટકા વધી હોવા છતાં કોફોર્જના શૅર ૩.૦૪ ટકા ઘટ્યા હતા. આવકમાં ૫.૯ ટકાની વૃદ્ધિ અને નફો ૨૪ ટકા ઘટી જતાં ભારતી ઇન્ફ્રાટેલના શૅર ૧.૯૬ ટકા ઘટ્યા હતા. નફો ૫૨.૨ ટકા વધી જતા એલએન્ડટી ફાઇનૅન્સ હોલ્ડિંગના શૅર ૦.૯૩ ટકા વધ્યા હતા. ગત સપ્ટેમ્બરમાં ખોટ સામે આ વર્ષે નફો જાહેર કરતાં આઇડીબીઆઇ બૅન્કના શૅર ૧.૪૦ ટકા વધ્યા હતા. નફો ૩૭.૭૭ ટકા ઘટી જતાં જેએસડબ્લ્યુ સ્ટીલના શૅર ૧.૪૪ ટકા ઘટ્યા હતા.
વોટરવેઝ શિપયાર્ડમાં ૪૫ ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત સાથે ડેલ્ટા કોર્પના શૅર ૨.૫૬ ટકા વધ્યા હતા. ફ્લીપકાર્ટ દ્વારા હિસ્સો ખરીદવામાં આવશે એવી ચર્ચાના કારણે આદિત્ય બિરલા ફૅશનના શૅર ૭.૫૯ ટકા વધ્યા હતા. પ્રેફરન્સ શૅરનો ઇશ્યુ આવી રહ્યો હોવાની જાહેરાત સાથે મ્યુઝિક બ્રોડકાસ્ટના શૅર ૨૦ ટકાની તેજીની સર્કિટ ઉપર બંધ રહ્યા હતા.
બીએસઈ ઉપર ૩૦૨ શૅરોમાં તેજીની સર્કિટ, એ ગ્રુપના માત્ર નવ
ગઈ કાલે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ઉપર ૩૦૨ જેટલી કંપનીઓના શૅરના ભાવમાં તેજીની સર્કિટ લાગી હતી પણ તેમાંથી એ ગ્રુપની કંપનીઓમાંથી માત્ર નવ કંપનીઓનો સમાવેશ થાય છે. બી ગ્રુપની ૮૨ કંપનીઓ અને ટ્રેડ ટુ ટ્રેડ કેટેગરીમાં સૌથી વધુ કંપનીઓમાં તેજીની સર્કિટ લાગી હતી.  યસ બૅન્ક, સુઝલોન એનર્જી, તાતા ટેલી મહારાષ્ટ્ર, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા, ફ્યુચર કન્ઝ્યુમર, ઇન્ડિયાબુલ્સ ઈન્ટિગ્રેટેડ, જેટ એરવેઝ જેવી કંપનીઓનો તેમાં સમાવેશ થતો હતો. તાતા ટેલીના શૅરમાં સતત પાંચમા દિવસે તેજીની સર્કિટ લાગી છે. બજારમાં એવા અહેવાલ છે કે તાતા જૂથ કંપનીની સેવાઓનો ઉપયોગ જૂથ દ્વારા વિવિધ સેવાઓ એ ચીજોના વેચાણ માટે લોન્ચ થવા જઇ રહેલી સુપર એપમાં કરશે. જેટ એરવેઝના શૅરમાં તેજીની સર્કિટ ગઈ કાલે ૧૨મા દિવસે પણ જોવા મળી હતી અને કંપનીના શૅરના ભાવ એક વર્ષની ઉપરની સપાટીએ પહોંચી ગયા છે. કંપની ફરી વિમાની સેવાઓ શરૂ કરી શકે એવી શક્યતાના કારણે શૅર સતત વધી રહ્યા છે. 

business news