કાપડબજારમાં અનેક તડકી-છાંયડી બાદ તહેવારોની ઘરાકીની ઊજળી આશાને કારણે વધતો વિશ્વાસ

08 August, 2022 05:29 PM IST  |  Mumbai | Mayur Mehta

કોરોનાને લીધે બે વર્ષ બાદ ખૂલેલી સ્કૂલોને કારણે યુનિફૉર્મની જબરદસ્ત ડિમાન્ડનો બૂસ્ટર ડોઝ મળ્યો : અમેરિકા-ચીન વચ્ચે તાઇવાન બાબતે તનાવ વધતાં ભારતીય કાપડ આઇટમોની નિકાસ વધવાની ઊજળી આશા

પ્રતીકાત્મક તસવીર

કોરોના, રો-મટીરિયલ્સના ઊંચા ભાવ અને છેલ્લે સળંગ ત્રણ વખતના વ્યાજદર વધારાના માર વચ્ચે મુંબઈ કાપડબજારે અનેક તડકી-છાંયડી છેલ્લાં બેથી અઢી વર્ષમાં જોઈ છે ત્યારે હવે રક્ષાબંધનથી વિવિધ તહેવારોની ઘરાકીનો સમયગાળો શરૂ થઈ રહ્યો છે. આ તહેવારો છેક દિવાળી સુધી ચાલશે. ભારતીય પરંપરા અનુસાર તહેવારોમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ પબ્લિક મન ભરીને ખરીદી કરતી આવી છે. વળી છેલ્લાં બે વર્ષમાં કોરોનાના કારણે તહેવારોની ઉજવણી મન ભરીને થઈ શકી નથી.

યુનિફૉર્મની સારી ઘરાકી અને પેમેન્ટ સિસ્ટમમાં થયેલા ફેરફારોને કારણે હવે પેમેન્ટ ફરવા લાગતાં કાપડ બજારમાં થોડો વિશ્વાસ વધ્યો છે તેમ છતાં, સળંગ ત્રણ વખતના વ્યાજદરવધારા અને વૈશ્વિક માર્કેટમાં મહામંદીની થયેલી શરૂઆતને કારણે ઘરાકી નીકળવા વિશે થોડી શંકા છે, પણ અમેરિકા-ચીન વચ્ચે તનાવ વધતાં ભારતીય કાપડ આઇટમોની નિકાસ પણ વધવાનો વિશ્વાસ વધ્યો હોવાથી હવે બધું જ સારું થશે એવો વિશ્વાસ પણ છે. 

કોરોના બાદ બે વર્ષે તહેવારોની ઉજવણી મન ભરીને થવાની હોવાથી કાપડમાં ઘરાકીનો વિશ્વાસ

સુધીરભાઈ શાહ પ્રેસિડન્ટ, સ્વદેશી માર્કેટ ટેક્સટાઇલ મર્ચન્ટ અસોસિએશન-મુંબઈ 

મુંબઈ કાપડબજારમાં યુનિફૉર્મ અને લગ્નની સીઝનની ઘરાકીના દિવસો પૂરા થયા બાદ હાલ ઘરાકીની દૃષ્ટિએ માર્કેટ ટૂંકા ગાળા માટે ઠંડું છે. છેલ્લા છ મહિનાથી મોંઘવારીની આગ દરેક બજારને અસર કરી ગઈ છે એમાં મુંબઈ કાપડબજારને મુંબઈ બહારનાં સેન્ટરોની ઘરાકીનો સૌથી મોટો માર પડ્યો છે. કોરોનાને કારણે હોટેલો બે વર્ષ બંધ રહી અને ત્યાર બાદ મોંઘવારી વધી ગઈ એટલે હોટેલનાં ભાડાં બમણાં થઈ ગયાં છે. બહારગામના વેપારીઓ જે મુંબઈ એક-બે દિવસ આવીને મોટો ઑર્ડર આપીને જતા હતા એ પ્રવૃ‌​િત્ત‌ સાવ બંધ થઈ છે. બીજો માર, રો-મટીરિયલ્સના ઊંચા ભાવનો પડ્યો છે. છેલ્લા એક વર્ષમાં રૂ અને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધતાં એની અસર કૉટન આઇટમો અને સિન્થેટિક આઇટમો પર પડી છે. રૂના ભાવ ૧૫૦ ટકા અને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ પણ લગભગ બમણા વધ્યા છે, જેને કારણે કાપડની તમામ આઇટમોમાં છેલ્લા આઠથી નવ મહિનામાં ૩૦થી ૪૦ ટકા ભાવવધારો જોવા મળ્યો છે. વળી સિલાઈ મટીરિયલ્સના ભાવ પણ વધ્યા હોવાથી ફિનિશ્ડ પ્રોડક્ટના ભાવ ઓછામાં ઓછા ૪૦ ટકા વધ્યા છે. આ તમામ સમસ્યા વચ્ચે યુનિફૉર્મની સીઝન ધારણા કરતાં ઘણી સારી રહી હતી અને એનાથી અનેક વેપારીઓને અગાઉની ખોટ સરભર કરવાનો મોકો મળ્યો છે. યુનિફૉર્મની ઘરાકી તમામ સ્તરેથી સારી રહેતાં અનેક વેપારીઓ નિરાશામાંથી બહાર નીકળી શક્યા છે અને હવે કાપડના બિઝનેસના સારા દિવસો આવશે એવો વિશ્વાસ વધ્યો છે. કોરોના બાદ પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર થતાં હવે કાપડબજારમાં પેમેન્ટ સહેલાઈથી ફરવા લાગ્યા છે. ઉપરાંત કેટલાય વેપારીઓનાં બે વર્ષથી નાણાં ફસાયેલાં હતાં એ પણ છુટાં થઈ ચૂક્યાં છે. જોકે હજી કાપડબજારમાં ઘરાકીની જૂની રોનક દેખાતી નથી. છેલ્લાં બે વર્ષ દરમ્યાન તહેવારોની ઘરાકી મન ભરીને થઈ શકી નથી ત્યારે હવે તહેવારોનો ઉમંગ બહુ જ સારો રહેશે. રક્ષાબંધનથી શરૂ કરીને છેક દિવાળી સુધી તહેવારોની રોનક બજારમાં છવાયેલી રહેશે ત્યારે કાપડબજારમાં પણ સારી ઘરાકી નીકળવાની આશા છે. છેલ્લા દોઢ મહિનામાં કાપડબજારના વેપારીઓનો ઉત્સાહ પણ વધ્યો છે. આથી ઓવરઑલ હવે હકારાત્મક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. 

ફૅબ્રિક્સ આઇટમોમાં ૭૫ ટકા ભાવવધારો છતાં તહેવારોની ડિમાન્ડની ઊજળી આશા 

જયંતભાઈ પારેખ ઓનરરી સેક્રેટરી, ફૅબ્રિક્સ સપ્લાયર્સ અસોસિએશન, મુંબઈ 

રૂના ભાવ સામાન્ય રીતે ૪૦,૦૦૦ રૂપિયાથી વધીને ૧.૧૨ લાખ રૂપિયા સુધી વધી જતાં કૉટન ફૅબ્રિક્સના ભાવમાં ખાસ્સો વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ વધતાં સિન્થેટિક ફૅબ્રિક્સના ભાવમાં પણ ખાસ્સો વધારો જોવા મળ્યો છે. ઓવરઑલ ફિનિશ્ડ પ્રોડક્ટના ફૅબ્રિકસમાં ૭૫ ટકાનો ભાવવધારો જોવા મળ્યો છે. હજી પણ રૂના ભાવ ઘણા ઊંચા છે અને ભારે વરસાદને કારણે રૂનું ઉત્પાદન વધવાની આશા પર ઠંડું પાણી રેડાઈ જતાં રૂના ભાવ ઊંચા રહેતાં કૉટન ફૅબ્રિક્સના ભાવ ઊંચા રહે એવી સંભાવના દેખાય છે. કોરોના બાદ કાપડબજારમાં પેમેન્ટની સિસ્ટમમાં ધરમૂળથી ફેરફાર થતાં હવે પેમેન્ટ સાઇકલ ઝડપી બની છે અને કોઈનાં નાણાં બહુ રોકાતાં નથી, કારણ કે હવે બજારમાં કોઈ ઉધારીમાં ધંધો કરતા નથી, પણ બધો જ વેપાર કૅશમાં થવા લાગતાં પ્રોસેસ હાઉસોનો ડિલિવરી ટાઇમ અગાઉ ૬૦ દિવસનો હતો એ વધીને ૧૧૫ સુધી લંબાઈ ગયો છે. વળી હવે લેબર પ્રૉબ્લેમ પણ વધી ગયો છે. ફૅબ્રિક્સની બજારોમાં આ તમામ સમસ્યા વચ્ચે યુનિફૉર્મની ડિમાન્ડ સારી રહેતાં બજારને સારો એવો સપોર્ટ મળ્યો હતો. કોરોનામાં બે વર્ષ સ્કૂલો બંધ રહી હોવાથી ખૂલી ત્યારે બધાને નવા યુનિફૉર્મ લેવા પડ્યા છે, જેને કારણે યુનિફૉર્મની ડિમાન્ડ બહુ જ સારી રહી હતી. યુનિફૉર્મની ડિમાન્ડ જબરદસ્ત રહી હતી અને કોઈ પાસે સપ્લાય માટે આઇટમો નહોતી. અમેરિકા-ચીન વચ્ચે તાઇવાન બાબતે તનાવ વધતાં એનો ફાયદો ભારતીય ફૅબ્રિક્સની નિકાસને થઈ શકે છે. વળી એને કારણે યુરોપિયન દેશો અને લગભગ તમામ પ‌શ્ચિમના દેશો ચાઇનીઝ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકશે એનો ફાયદો ભારતને મળશે, પણ એમાં મહામંદીનું ગ્રહણ કેટલું અસર કરે છે એ જોવું રહ્યું. આ ઉપરાંત ભારતમાં ત્રણ વખત વ્યાજદર વધતાં એની અસર કાપડ માર્કેટમાં જોવા મળશે. ઓવરઑલ અનેક પ્રકારની તડકી-છાંયડી વચ્ચે તહેવારોની ડિમાન્ડની ઊજળી આશા છે જેમાં ફૅબ્રિક્સ આઇટમોના ૭૫ ટકા ઊંચા ભાવ અને ત્રણ વખતના વ્યાજદર વધારાની અસર કેટલી પડે છે એ જોવી રહી. 

business news commodity market