નાણાપ્રધાનની ટકોર છતાં આઈટી ખાતાની વેબસાઇટનાં ઠેકાણાં નથી

15 June, 2021 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવકવેરા ખાતાની નવી વેબસાઇટ બાબતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઇન્ફોસિસ અને નંદન નીલેકણી બંનેને ટકોર કરી હોવા છતાં એક અઠવાડિયા બાદ પણ વેબસાઇટ બરાબર કામ કરી રહી નથી.

પ્રતીકાત્મક તસવીર

આવકવેરા ખાતાની નવી વેબસાઇટ બાબતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઇન્ફોસિસ અને નંદન નીલેકણી બંનેને ટકોર કરી હોવા છતાં એક અઠવાડિયા બાદ પણ વેબસાઇટ બરાબર કામ કરી રહી નથી. નવી વેબસાઇટ પર હજી પણ લૉગ-ઇન કરવા માટે વધારે સમય લાગે છે. નોટિસોના જવાબ આપવાની સિસ્ટમ હજી બરાબર કામ કરી રહી નથી અને બીજાં અનેક ફિચર્સ પણ ઠેકાણાં વગર ચાલી રહ્યાં હોવાની ફરિયાદ અનેક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સે કરી છે.

આવકવેરાનાં રિટર્ન માટે ઈ-ફાઇલિંગનો ઉપયોગ કરી રહેલા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ જણાવે છે કે કરદાતાઓને ભૂતકાળનાં રિટર્ન જોવા મળતાં નથી અને અમુક સુવિધાઓ હજી પૂર્ણરૂપે ચાલુ થઈ નથી. ટૂંક સમયમાં સુવિધા શરૂ થશે એ મુજબની જાહેરાત વેબસાઇટ પર અમુક ભાગોમાં દેખાડવામાં આવી રહી છે.  વેબસાઇટ લૉન્ચ થઈ એ જ દિવસે નાણાપ્રધાન સીતારમણે ટ્વિટર પરના સંદેશ દ્વારા ઇન્ફોસિસ અને નંદન નીલેકણીને નિર્દેશ આપ્યો હતો કે તેઓ ટેક્નિકલ ખામી દૂર કરે. નીલેકણીએ પણ ખામી દૂર કરવા માટે કામ ચાલી રહ્યું હોવાનું કહ્યું હતું, પરંતુ હજી વેબસાઇટ બરાબર કામ કરી રહી નથી. ઇન્ફોસિસને અત્યાધુનિક ટૅક્સ ફાઇલિંગ સિસ્ટમ બનાવવા માટેનો કૉન્ટ્રૅક્ટ ૨૦૧૯માં મળ્યો હતો.

નાંગિયા ઍન્ડ કંપનીના ભાગીદાર શૈલેષકુમારના જણાવ્યા મુજબ કરદાતાઓને ઈ-પ્રોસિડિંગ્સ વિભાગ પર કોઈ સુવિધા મળી રહી નથી. ટૂંક સમયમાં સુવિધા શરૂ થશે એવો સંદેશ વેબસાઇટ પર દેખાડવામાં આવી રહ્યો છે. એક બાજુ કરદાતાઓને નોટિસો મળી રહી છે, પણ એનો જવાબ આપવા મળતો નથી. એને લીધે મોટી સમસ્યા સર્જાઈ છે. 

લોકોને નવી વેબસાઇટ પર લૉગ-ઇન કરવામાં પણ ૧૦થી ૧૫ મિનિટ જેટલો લાંબો સમય લાગી રહ્યો છે અને અસેસમેન્ટની નોટિસનો જવાબ આપી શકાતો નથી, એમ એએમઆરજી ઍન્ડ અસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું છે. તેમનું કહેવું છે કે અનેક ત્રૂટિઓ અને ખામીઓને કારણે કરદાતાઓ તથા કરવેરાના નિષ્ણાતોને વેબસાઇટનો ઉપયોગ કરવામાં ઘણી તકલીફ થઈ રહી છે.

ડેલોઇટ ઇન્ડિયાના ભાગીદાર આરતી રાઉતે જણાવ્યા મુજબ નવી વેબસાઇટ પાસેથી લોકોને ઘણી બધી અપેક્ષાઓ હતી, જેનો ભંગ થયો છે. કરવેરા ખાતાએ એવો પણ સંકેત આપ્યો છે કે સલામતીનાં કારણોસર કરદાતાઓએ ડિજિટલ સિગ્નેચર નવેસરથી નોંધાવવી પડશે.

business news