હવે અદાણી ગ્રુપની વધુ એક કંપની થશે લિસ્ટેડ, IPOથી મળશે 4500 કરોડ રૂપિયા

03 August, 2021 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અદાણી વિલ્મર હવે શૅર માર્કેટમાં લિસ્ટેડ થવા માટે આઇપીઓ લાવવાની તૈયારી કરે છે. આ આઇપીઓ દ્વારા કંપનીની 4,500 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે.

ફાઇલ ફોટો

અદાણી ગ્રુપમાં ઇન્વેસ્ટ કરવા માટે ઇન્વેસ્ટરોને એક સારી તક મળવાની છે. ગ્રુપની વધુ એક કંપની અદાણી વિલ્મર (Adani Wilmar)હવે શૅર માર્કેટમાં લિસ્ટેડ થવા માટે આઇપીઓ લાવવાની તૈયારી કરે છે. આ આઇપીઓ દ્વારા કંપનીની 4,500 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે.

કંપનીએ આઇપીઓ માટે જરૂરી દસ્તાવેજ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રૉસ્પેક્ટસ (DRHP)સેબી પાસે જમા કરાવી દીધા છે. આ એ જ કંપની છે જે ફૉર્ચ્યૂન બ્રાન્ડના ખાદ્ય તેલ જેવા અનેક ઉત્પાદો બનાવે છે. આ એફએમસીજી કંપની ખાદ્ય તેલ વિશે માર્કેટમાં આગળ છે. કંપની આ રીતે એકઠા થયેલા પૈસાનો ઉપયોગ વિસ્તાર યોજનાઓ માટે કરશે.

શૅર બજારને અદાણી ગ્રુપે આપી માહિતી
અદાણી વિલ્મર અદાણી ગ્રુપ અને વિલ્મર ગ્રુપ વચ્ચે 50:50ની પાર્ટનરશિપ ધરાવતું જૉઇન્ટ વેન્ચર છે. અદાણીએ એક સ્ટૉક એક્સચેન્જને જણાવ્યું કે આ આઇપીઓ દ્વારા તે નવા ઇક્વિટી શૅર જાહેર કરશે અને ત્યાર બાદ કોઈ સેકન્ડરી રજૂઆત નહીં થાય.

ક્યાં થશે પૈસાનો ઉપયોગ
કંપનીએ કહ્યું કે તે આ આઇપીઓના માધ્યમથી એકઠા થયેલા પૈસાનો ઉપયોગ કંપનીના હાલના કારખાનાના વિસ્તાર અને નવા કારખાનાંના વિકાસ માટે કરશે. સાથે જ આથી તે પોતાનું જૂનું ઋણ પણ ચૂકવશે. એટલું જ નહીં જરૂર પડ્યે આ રકમથી કંપની બીજી કંપનીઓના અસેટના ખરીદી કે અન્ય ઇન્વેસ્ટમેન્ટ પણ કરશે.

નોંધનીય છે કે અદાણી વિલ્મર ભારતની સૌથી મોટી ખાદ્ય તેલ કંપની છે. કંપનીની ફૉર્ચ્યૂન બ્રાન્ડ દેશમાં સૌથી મોટી બ્રાન્ડ છે. સમુદ્ર કિનારે રિફાઇનરી હોવાને કારણે સસ્તા ભાવે તેલ આયાત પર તેને ઓછી લાગતમાં પ્રોસેસ કરીને વેચી શખે છે. આના દેશમાં 10 રાજ્યોમાં 22 કારખાનાં છે. નાણાંકીય વર્ષ 2020-21માં કંપનીને 654.56 કરોડ રૂપિયાનું નેટ પ્રૉફિટ થયું હતું.

business news adani gautam adani