અદાણી ગ્રુપ દાયકામાં ૧૦૦ અબજ ડૉલરનું નવું રોકાણ કરશે

28 September, 2022 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ રોકાણમાંથી ૭૦ ટકા હિસ્સો ઊર્જા ઉત્પન્ન કરતાં ક્ષેત્રોમાં હશે

ગૌતમ અદાણી

અદાણી ગ્રુપ આગામી દાયકામાં ૧૦૦ અબજ ડૉલરનું રોકાણ કરશે, મુખ્યત્વે નવી ઊર્જા અને ડિજિટલ સ્પેસમાં, જેમાં ડેટા સેન્ટરનો સમાવેશ થાય છે, એમ ચૅરમૅન ગૌતમ અદાણીએ મંગળવારે જણાવ્યું હતું, કારણ કે અદાણી ભારતીય ગ્રોથને લઈને ઊંચી આશા રાખે છે.

આ રોકાણનો ૭૦ ટકા હિસ્સો ઊર્જા ઉત્પન્ન કરતાં ક્ષેત્રોમાં હશે. વિશ્વના બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ અદાણીએ જણાવ્યું હતું કે તેઓ જૂથની નવી ઊર્જા યોજનાઓને ધીમે-ધીમે જાહેર કરતા રહ્યા હતા.

પોર્ટ-ટુ-એનર્જી સમૂહ ૪૫ ગીગાવૉટ હાઇબ્રીડ રિન્યુએબલ પાવર ઉત્પાદન ક્ષમતા ઉમેરશે અને સોલર પૅનલ્સ, વિન્ડ ટર્બાઇન અને હાઇડ્રોજન ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરવા માટે ૩ ગીગા ફૅક્ટરીઓનું નિર્માણ કરશે.

અદાણી જૂથના સ્થાપક અને ચૅરમૅન અદાણીએ ફૉર્બ્સ ગ્લોબલ સીઈઓની સિંગાપોર ખાતે યોજાયેલી કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘એક જૂથ તરીકે અમે આગામી દાયકામાં ૧૦૦ અબજ ડૉલર કરતાં વધુ મૂડીનું રોકાણ કરીશું. અમે આ રોકાણમાંથી ૭૦ ટકા ઊર્જા સંક્રમણ અવકાશ માટે ફાળવ્યા છે.’

business news gautam adani