બજાર નામ જોગ નવા શિખરમાં ‘૫૩’ની પાર થયું, પાછું ફરીને હતું ત્યાં આવી ગયું!

23 June, 2021 08:28 AM IST  |  Mumbai | Anil Patel

અદાણી ગ્રુપના છ શૅર વધ્યા જેમાંથી ચાર સતત બીજા દિવસે તેજીની સર્કિટમાં

પ્રતીકાત્મક તસવીર

બ્રેન્ડ ક્રૂડ ૭૫ ડૉલરની પાર ગયું અને અહીં મારુતિ સુઝુકી સવાપાંચ ટકા દોડ્યો : અદાણી ગ્રુપના છ શૅર વધ્યા જેમાંથી ચાર સતત બીજા દિવસે તેજીની સર્કિટમાં : રિલાયન્સ ઇન્ફ્રા પાંચ ટકા નીચલી સર્કિટે બાકીના પાંચ કાઉન્ટર ઉપલી સર્કિટ સાથે નવા શિખરે : જેટ ઍરવેઝ ફરીથી ઉડાનની આશામાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ગયો : ફોરીન ફન્ડની એન્ટ્રી પાછળ ઝીમ લૅબોરેટરીઝમાં બીજા દિવસે ૨૦ ટકાની તેજીની સર્કિટ લાગી

અમેરિકન કૉન્ગ્રેસ સમક્ષ ફેડ ચૅરમૅન જેરોમી પૉવેલ તેમના નિયત પ્રેઝન્ટેશન કે ટેસ્ટીમોનીમાં શું કહેશે તેના પર વિશ્વભરનાં બજારોની નજર છે. ગત સપ્તાહે પૉલિસી મીટિંગમાં ફેડ દ્વારા ફુગાવો વૃદ્ધિતરફી રહેવાની પૂરી શક્યતા અને તે સંદર્ભમાં વ્યાજદરનો વધારો એક વર્ષ વહેલો લાવવાના સ્પષ્ટ નિર્દેશ અપાયા હતા. તેના પગલે બજારો માયુસ બન્યાં હતાં. સોમવારની રાત્રે ફેડ ચૅરમૅને જણાવ્યું કે ફુગાવામાં વધારાની હાલની સ્થિતિ કામચલાઉ છે (આ વાત થોડાક વખત પૂર્વે પણ તેમણે કહી હતી!). સરવાળે ટેસ્ટીમોનીમાં માયુસ થયેલા માર્કેટ માટે કંઈક મૂડ સુધરે એવી વાતો ફેડ ચૅરમૅન કરશે એવી હવા શરૂ થઈ છે. અમેરિકન શૅરબજાર સોમવારે પોણાબે ટકા વધીને રહ્યાં છે. તેના પગલે એશિયન બજારો એકંદર સારા સુધારામાં હતાં. જપાનીઝ નિક્કેઈ ત્રણ ટકાથી વધુ કે ૮૭૩ પૉઇન્ટ વધ્યો હતો. ઇન્ડોનેશિયન માર્કેટ દોઢ ટકા, ચાઇના તથા સાઉથ કોરિયા પોણો ટકો અપ હતા. યુરોપ સાંકડી વધ-ઘટે પૉઝિટિવ બાયસ દેખાડતું હતું. ઘરઆંગણે તો માર્કેટ તેની અલગ જ ઑર્બિટમાં ચાલે છે. તેમાં આ સાનુકૂળ સ્થિતિનું કારણ મળી જતાં સેન્સેક્સ મંગળવારે ૩૧૧ પૉઇન્ટની ગેપમાં ઉપર ખૂલી એકાદ કલાકમાં ૫૩૦૫૭ના નવા સર્વોચ્ચ શિખરે પહોંચી ગયો હતો. ત્યાર બાદ ધીમા ઘટે નીચામાં ૫૨૫૨૦ થઈ છેલ્લે ૧૪ પૉઇન્ટ વધી ૫૨૫૮૯ બંધ રહ્યો છે. નિફ્ટી ઉપરમાં ૧૫૮૯૬ તથા નીચામાં ૧૫૭૫૨ બતાવી અંતે ૨૬ પૉઇન્ટ વધી ૧૫૭૭૩ થયો છે. માર્કેટ બ્રેડ્થમાં સારી પૉઝિટિવિટી જળવાઈ રહી છે. એનએસઈ ખાતે ૧૧૯૫ શૅર વધ્યા તો સામે ૭૪૫ જાતો નરમ હતી. બીએસઈ ખાતે ૩૩૬૪ શૅરમાંથી ૨૦૨૭ કાઉન્ટર પ્લસ હતા જેમાંથી ૫૪૮ સ્ક્રીપ્સ તેજીની સર્કિટમાં જ બંધ હતી અને દિવસ દરમ્યાન ૪૫૨ શૅર નવા શિખરે ગયા હતા. મારુતિ સુઝુકી જે ભાવવધારાના અહેવાલ પછી આગલા દિવસે ઘટીને બંધ આવ્યો હતો તે કોઈ અકળ કારણસર ગઈ કાલે લગભગ સાત ગણા કામકાજમાં ઉપરમાં ૭૨૯૯ થઈ છેલ્લે ૫.૩ ટકા કે ૩૬૨ રૂપિયાના ઉછાળામાં ૭૨૬૪ બંધ આપી બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો છે! અને આ માટે કહેવાતા માર્કેટ વિશ્લેષકો ભાવવધારાનું કારણ જણાવતા હતા! યુપીએલ સોમવારે નિફ્ટી ખાતે ૪ ટકાની ખરાબીમાં ટૉપ લૂઝર હતો તે વળતા દિવસે ૩.૯ ટકા બાઉન્સ બેક થઈને સેકન્ડ બેસ્ટ પર્ફોમર બન્યો છે. મતલબ કાં તો આગલા દિવસનો ઘટાડો ખોટો હતો અગર તો પછી ગઈ કાલનું બાઉન્સ બેક ખોટું છે અથવા તો પછી આ બન્ને ઘટના ખેલાડીઓની રાબેતા મુજબની રમતનો ભાગ છે. એશિયન પેઇન્ટસ ૧.૯ ટકા તથા બજાજ ફાઇનૅન્સ ૧.૬ ટકાની નરમાઈમાં બન્ને બજાર ખાતે વર્સ્ટ પર્ફોમર હતા.

એમએમ ફોર્જ પરિણામના જોરમાં તગડા જમ્પ સાથે બેસ્ટ લેવલે

એમએમ ફોર્જિંગના વાર્ષિક પરિણામ ઠીકઠાક છે પરંતુ માર્ચ ક્વૉર્ટરમાં નફો વધીને બમણો થયાની થિયરી કામે લાગતાં શૅર ગઈ કાલે ૭૨૦નું બેસ્ટ લેવલ હાંસલ કરીને છેલ્લે ૧૧.૫ ટકાના ઉછાળે ૬૭૨ બંધ રહ્યો છે. સરેરાશ ૨૭૦૦ કરતાં ઓછા વૉલ્યુમ સામે બીએસઈ ખાતે ૧૯૦૦૦ શૅરના કામકાજ થયાં હતાં. કોરોના અને લૉકડાઉનની બહુધા વિદાયથી અચ્છે દિનની આશામાં એફએમસીજી શૅર લાઇમલાઇટમાં આવવા માંડ્યા છે. વેન્ડીઝ ઇન્ડિયા સાતગણા કામકાજમાં ૩૪૬૩ની ત્રણ વર્ષની ટૉપ બતાવી ૧૮.૮ ટકાની તેજીમાં ૩૪૨૮ રૂપિયા જોવાયો છે. હિન્દુસ્તાન યુનિલીવર ૨૫૩૧ની નવી સર્વોચ્ચ સપાટીએ જઈ પ્રૉફિટ બુકિંગ આવતાં એક ટકો ઘટીને ૨૪૯૦ હતો. નેસ્લે પણ એક ટકા ઢીલો જોવાયો છે. માર્ચ ક્વૉર્ટરમાં વેચાણ ૧૦ ટકા ઢીલું અને ગ્રોસ પ્રૉફિટ ૪૪ ટકા ઘટીને આવતાં નોકરી ડોટ કોમ ફેમ ઇન્ફો એજ નીચામાં ૪૮૫૧ થઈ સવા બે ટકાની નબળાઈમાં ૪૮૬૭ રૂપિયા બંધ આવ્યો છે. ચાલુ વર્ષે ગ્રોથ સારો રહેવાના વરતારા પાછળ લોરસ લૅબ બે ટકા વધીને ૬૧૩ હતો, જોકે વૉલ્યુમ માંડ ૨૦ ટકાના હતા. સરકારની ૬૧.૮ ટકા માલિકીની એનબીસીસી ઇન્ડિયા ૮૬૦ કરોડ રૂપિયાનો ઑર્ડર મળ્યાની ઉજાણી બીજા દિવસે આગળ વધતાં ભાવ સવાયા વૉલ્યુમમાં ૬૦ રૂપિયા નજીકની નવી ટૉપ બનાવી છેલ્લે ૨.૮ ટકા વધી ૫૮ બંધ હતો. ફેસવેલ્યુ એક રૂપિયાની છે. ઝીમ લૅબોરેટરીઝ જેની ગત વર્ષની શૅરદીઠ કમાણી સાડા ત્રણ રૂપિયા કરતાં પણ ઓછી છે અને કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ સવા તેત્રીસ ટકા જ છે તેમાં એલીઝાબેથ મેથ્યુ દ્વારા શૅરદીઠ ૮૩ના ભાવે ૩૫.૫૧ લાખ શૅર લેવાયા હોવાના અહેવાલે ભાવ બીજા દિવસે પણ ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૪૦ રૂપિયાની વિક્રમી સપાટીએ બંધ થયો છે. બે વર્ષથી જેનું કામકાજ બંધ છે તે જેટ ઍરવેઝને ફરી ઊડતી કરવા માટે એનસીએલટી દ્વારા કાલરોક નીલન કૉન્સોર્ટિયમનો પ્લાન શરતી મંજૂર થતાં શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૯૯ રૂપિયા ઉપર બંધ રહ્યો છે. બાય ધ વે, સ્પાઇસ જેટ પોણા પાંચ ટકા વધીને ૮૦ રૂપિયાની ઉપર તો ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિએશન નેવું પૈસાના પરચૂરણ સુધારામાં ૧૭૨૦ નજીક બંધ હતા. એચએફસીએલ ત્રણ ગણા કામકાજ સાથે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૬૮ રૂપિયાના બેસ્ટ લેવલને વટાવી છેલ્લે ૧૬ ટકાના જમ્પમાં ૬૭ નજીક બંધ રહ્યો. બે માસ પહેલાં આ શૅર માત્ર ૨૪ રૂપિયાની આસપાસ હતો!

સાગર સિમેન્ટ એકાદ વીક પહેલાં ૧૪ જૂને ૮૬૦ હતો તે તેજીની ચાલમાં ગઈકાલે ૧૦ ટકાની ઉપલી સર્કિટે ૧૧૨૨ની વિક્રમી સપાટીએ બંધ આવ્યો છે. હુડકો સવા છ ગણા કામકાજમાં ૫૮નું નવું શિખર મેળવી સાત ટકાની મજબૂતીમાં ૫૫ રૂપિયા નજીક ગયો છે.

અદાણીના શૅરોમાં બાઉન્સ બેક આગળ વધ્યું, અનિલ ગ્રુપ મક્કમ

અદાણી ગ્રુપમાં ફ્રીઝ અકાઉન્ટના નાટકના પ્રથમ અંકનો સીન-૧ પૂરો થયો લાગે છે. પાંચ દિવસની ખરાબીમાં ૧.૬૦ લાખ કરોડના જબ્બર ફટકા પછી સોમવારે તમામ છ શૅર સારા વધીને બંધ રહ્યા હતા. મંગળવારે પણ અદાણી ઍનર્જી, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર તથા અદાણી ટોટલ પાંચ-પાંચ ટકાની તેજીની સર્કિટમાં બંધ આવ્યા છે તો અદાણી પોર્ટસ દોઢ ટકાથી વધુ અને અદાણી એન્ટરપ્રાઇઝીસ ઉપરમાં ૧૫૮૩ વટાવી છેલ્લે પરચૂરણ સુધારામાં ૧૫૪૧ થયો છે. આ બન્ને કાઉન્ટર સતત ત્રીજા દિવસે પ્લસમાં જોવાયા છે. બીજી તરફ સાવ ખલ્લાસ કે નીલ થઈ ગયેલું અડગ ગ્રુપ (અનિલ અંબાણી) માટે ૨૦૨૧ નોંધપાત્ર કમબેકનું દેખાઈ રહ્યું છે. માંડ ત્રણેક મહિનામાં જ ગ્રુપનું માર્કેટ કૅપ ૭૩૩ કરોડ રૂપિયાથી દસેક ગણું વધીને ૭૮૦૦ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. ગઈ કાલે પણ રિલાયન્સ કેપિટલ, આર.કોમ, રિલાયન્સ નેવલ, રિલાયન્સ હોમ પાંચ-પાંચ ટકાની તેજીની સર્કિટમાં તો રિલાયન્સ પાવર ઉપલી સર્કિટ મારીને ચાર ટકાથી વધુની આગેકૂચમાં બંધ હતા. જ્યારે રિલાયન્સ ઇન્ફ્રામાં પાંચ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટ્રા-ડેમાં ૨૨૬૧ નજીક જઈ અંતે અડધો ટકો ઘટી ૨૨૨૬ બંધ રહ્યો છે તો રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ૮૫૫ના નવા શિખર બાદ ૮૦૧ થઈ છેલ્લે પોણો ટકો ઘટીને ૮૧૯ની અંદર હતો. જય કોર્પ પણ અઢી ટકા ઘટીને ૧૪૮ થયો છે.

ઑટો ઇન્ડેક્સ ૩૦૩ પૉઇન્ટ વધ્યો, જેમાં મારુતિનો ફાળો ૨૨૬ પૉઇન્ટનો

ગઈ કાલે કેપિટલ ગુડસ ઇન્ડેક્સ ૨૨માંથી ૧૬ શૅરના સુધારામાં બે ટકા કે ૪૩૪ પૉઇન્ટ વધ્યો છે. ગ્રેફાઇટ ઇન્ડિયા ૮.૨ ટકા, જીએમઆર ઇન્ફ્રા ૫.૨ ટકા તથા અદાણી ગ્રીન પાંચ ટકા અપ હતા. ભેલ તથા થર્મેકસ સવા-દોઢ ટકો ડાઉન થયા છે. ઑટો ઇન્ડેક્સ ૩૦૩ પૉઇન્ટ કે ૧.૩ ટકા પ્લસ હતો જેમાં મારુતિ સુઝુકીનું પ્રદાન ૨૨૬ પૉઇન્ટનું હતું. તાતા મોટર્સ અને અશોક લેલેન્ડ એકાદ ટકો સુધર્યા હતા. સોમવારે બૅન્કિંગ સેક્ટરના ૩૫માંથી ૩૪ શૅર ઊંચકાયા હતા. ગઈ કાલે અહીં ૩૫માંથી ૧૫ શૅર જ પ્લસ હતા. ધનલક્ષ્મી બૅન્ક ૨૨ ગણા વૉલ્યુમ સાથે ૨૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૮ રૂપિયા ઉપર વર્ષની ટોચે બંધ હતો. આગલા દિવસે ૨૦ ટકાની તેજીમાં બંધ રહેલી સેન્ટ્રલ બૅન્ક મંગળવારે પોણા ચાર ટકા, જે.કે. બૅન્ક સાડા ત્રણ ટકા તથા આઇઓબી પાંચ ટકા વધુ મજબૂત બની છે.

બૅન્ક નિફ્ટી ઉપરમાં ૩૫૨૮૨ થયા બાદ છેવટે ૧૨૬ પૉઇન્ટના ઘટાડે ૩૪૭૪૫ જોવાયો છે. તેની ૧૨માંથી ૧૧ જાતોમાઇનસ હતી. બંધન બૅન્ક નામ કે વાસ્તેવધીને ૩૪૧ બંધ રહી છે. આઇટી ઇન્ડેક્સ ૫૦માંથી ૩૨ શૅરના સુધારામાં પોણા ટકા જેવો વધ્યો છે. ઇન્ફી પોણો ટકો વધીને ૧૫૧૨ના નવા બેસ્ટ લેવલે ગયો છે. વિપ્રો અઢી ટકા તો ટીસીએસ પોણા ટકાથી વધુ પ્લસ થયા છે.

business news