અદાણી ગ્રુપ ૨૦ અબજ ડૉલરના રોકાણ સાથે હાઇડ્રોજનના ઉત્પાદનમાં ઝુકાવશે

22 September, 2021 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગના લોકો મુકેશ અંબાણીની ૨૪ જૂનની જાહેરાતને અદાણી સાથેની સીધી સ્પર્ધા તરીકે જુએ છે

પ્રતીકાત્મક તસવીર

અબજોપતિ ગૌતમ અદાણીએ જાહેર કર્યું છે કે તેમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ આગામી ૧૦ વર્ષમાં ૨૦ અબજ યુએસ ડૉલરનું મૂડીરોકાણ રિન્યુએબલ અૅનર્જી સેક્ટરમાં કરશે. ગ્રુપ કમ્પોનન્ટ અને સૌથી સસ્તા ગ્રીન ઇલેક્ટ્રોનનું ઉત્પાદન કરશે. પોર્ટ્સથી લઈને પાવર ક્ષેત્રમાં કાર્યરત આ જૂથ આગામી ચાર વર્ષમાં રિન્યુએબલ પાવરની ક્ષમતા ત્રણ ગણી કરવાનો અને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં ઝુકાવી તેનાં પોર્ટ્સને ૨૦૨૫ સુધીમાં નેટ કાર્બન ઝીરો કરવા માગે છે. આ ગ્રીન ટેક્નોલૉઝીસ માટેનો ૭૫ ટકા મૂડીખર્ચ ૨૦૨૫ સુધીમાં કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.

જેપી મોર્ગન ઇન્ડિયા ઇન્વેસ્ટર સમિટમાં બોલતા અદાણી ગ્રુપના ચૅરમૅને કહ્યું કે સંકલિત મૂલ્ય ચેઇન, અમારું કદ અને અનુભવના આધારે અમે વિશ્વમાં અતિ સસ્તી કિંમતે ગ્રીન ઇલેક્ટ્રોન્સનું ઉત્પાદન કરી શકીશું.

આ પૂર્વે એક સપ્તાહ પૂર્વે મુકેશ અંબાણીએ ક્લીન પાવર અને હાઇડ્રોજન ફ્યુઅલ ક્ષેત્રે ત્રણ વર્ષમાં ૭૫,૦૦૦ કરોડ રૂપિયા (૧૦ અબજ યુએસ ડૉલર)નું મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી હતી.

મોટા ભાગના લોકો મુકેશ અંબાણીની ૨૪ જૂનની જાહેરાતને અદાણી સાથેની સીધી સ્પર્ધા તરીકે જુએ છે. આ મહિને અંબાણીએ કહ્યું હતું કે એક દસકામાં ૧ કિલોગ્રામ હાઇડ્રોજનનું ઉત્પાદન એક યુએસ ડૉલરના ખર્ચે થઈ શકશે. હાઇડ્રોજનમાં કાર્બનનું સર્જન થતું નથી એટલે તેનો ઉપયોગ ક્લીન અૅનર્જી તરીકે ઉદ્યોગ અને વાહનોમાં થઈ શકે છે.

મંગળવારે અદાણીએ ૨૦ અબજ ડૉલરના મૂડીરોકાણ દ્વારા સૌથી સસ્તા ખર્ચે હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું વિઝન રજૂ કર્યું છે. જોકે તેમણે આ અંગેની વિગતવાર માહિતી જાહેર કરી નહોતી.

business news